પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ઑગસ્ટ મહિના દરમિયાન પૉલેન્ડ (Poland) અને યુક્રેન ખાતે વિદેશ યાત્રા પર જવાના છે. 45 વર્ષમાં પ્રથમ વખત ભારતના કોઈ પ્રધાનમંત્રી પૉલેન્ડ વિઝિટ પર જઈ રહ્યા છે. પૉલેન્ડ યાત્રા બાદ PM યુક્રેન (Ukraine) જશે. વિદેશ મંત્રાલય દ્વારા આ યાત્રાની પુષ્ટિ કરવામાં આવી છે. ભારત અને પૉલેન્ડના રાજદ્વારી સબંધોની 70મી વર્ષગાંઠ નિમિત્તે PM મોદી પૉલેન્ડ જઈ રહ્યા છે. તેમને આ માટે પૉલેન્ડના વડાપ્રધાન તરફથી આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદી 21 અને 22 ઑગસ્ટના રોજ પૉલેન્ડ યાત્રા પર નીકળશે. તેઓ 21 ઑગસ્ટે લગભગ સવારે પૉલેન્ડ માટે નીકળશે. ખાસ મહત્વનું તે છે કે, વડાપ્રધાન મોદી ભારતના પહેલાં પ્રધાનમંત્રી છે, જે પ્રથમ વખત પૉલેન્ડની યાત્રા કરી રહ્યા છે. PM મોદીની સાથે અન્ય ઘણા અધિકારીઓ પણ યાત્રામાં સહભાગી થશે. વડાપ્રધાન સહિતના લોકો પૉલેન્ડની રાજધાની વોર્સો ખાતે રોકાણ કરશે. સંભાવના છે કે, બંને દેશોના રાજદ્વારી સંબંધોને લઈને દ્વિપક્ષીય બેઠક પણ થઈ શકે છે. વડાપ્રધાન મોદીની પૉલેન્ડ યાત્રા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, પૉલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્કે (Donald Tusk) PM મોદીને પૉલેન્ડમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણ ભારત અને પૉલેન્ડના રાજદ્વારી સબંધોની 70મી વર્ષગાંઠ ઉજવવા માટે થઈને આપવામાં આવ્યું હતું. પૉલેન્ડની રાજધાની વોર્સોમાં PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ બાદ PM મોદી પૉલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ આન્દ્રેજ ડૂડા સાથે પણ વાતચીત કરશે. નોંધનીય છે કે પૉલેન્ડ પ્રવાસ દરમિયાન PM મોદી પૉલેન્ડમાં રહેતા ભારતીયો સાથે પણ મુલાકાત કરશે, અને તેમની સાથે વાતચીત કરશે. આ માટે પૉલેન્ડમાં રહેતા ભારતીયોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન યુક્રેનમાંથી નીકળવા માટે 4000 ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત ભારત પહોંચાડવા પૉલેન્ડ સરકારે અને પૉલેન્ડના નાગરિકોએ મદદ કરી હતી.
આ પહેલાં PM મોદીએ વર્ષ 2022માં પૉલેન્ડના રાષ્ટ્રપતિ આન્દ્રેજ ડૂડા (Andrzej Duda) સાથે વાતચીત કરી હતી. આ અગાઉ પૉલેન્ડના પ્રધાનમંત્રી ટસ્કના યુરોપીય પરિષદના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન PM મોદીએ તેમની સાથે 4 વાર વાતચીત કરી હતી. તે પહેલાં વર્ષ 2010માં પૉલેન્ડના પ્રધાનમંત્રી ટસ્ક ભારત આવ્યા હતા. ત્યારે ભારતના વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ હતા અને ભારતમાં કોંગ્રેસની સરકાર હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં ભારતીય વિદેશમંત્રી પૉલેન્ડમાં ગયા હતા. વર્ષ 2022માં પૉલેન્ડના તત્કાલીન વિદેશમંત્રી જબિગ્ન્યૂ રાઉએ પણ ભારતની મુલાકાત લીધી હતી.
પૉલેન્ડ યાત્રા બાદ PM મોદી 23 ઑગસ્ટે યુક્રેનની યાત્રાએ પણ જવાના છે. રશિયા યાત્રા (Russia) દરમિયાન PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતીન સાથે યુદ્ધ મામલે વાતચીત કરી હતી. ત્યારબાદથી રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા મામલે સમગ્ર વિશ્વ ભારત તરફ આશા ભરી નજરે જોઈ રહ્યું છે. ત્યારે PM મોદી યુક્રેન ખાતે રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી સાથે પણ વાતચીત કરવાના છે.