કોલકાતામાં મહિલા ડૉક્ટર પર થયેલા પાશવી બળાત્કાર અને હત્યા બાદથી દેશભરમાં વિરોધનું વંટોળ ઉઠ્યું છે. ડૉક્ટરો સતત હડતાલો કરી રહ્યા છે. દેશભરની મેડિકલ સેવાઓ ઠપ છે, મહિલા ડૉક્ટરને ન્યાય અપાવવા માટે એકસાથે આખો દેશ વિરોધમાં ઉતરી આવ્યો છે. સોશિયલ મીડિયાથી લઈને તમામ પ્લેટફોર્મસ્ પર માત્ર અને માત્ર કોલકાતા રેપ-મર્ડર કેસની વાત ચાલી રહી છે. કોલકાતા રેપ-મર્ડર કેસ મામલે હવે સુપ્રીમ કોર્ટે પોતે સંજ્ઞાન લીધું છે. દેશભરના લોકોની સંવેદનાઓ ઊઠીને આંખે વળગી રહી છે. ફરજ પર હાજર રહેતા ડૉક્ટરો પ્રત્યે કૃતજ્ઞતા અને સહાનુભૂતિ નીકળી રહી છે. તેવામાં હવે TMC નેતાઓના વિવાદિત નિવેદનો સામે આવી રહ્યા છે. ડૉક્ટરોની પીડાને સમજવી તો દૂર રહી, પરંતુ આ નેતાઓએ તેમાં પણ મહિલા તબીબોનું અપમાન કરવામાં કોઈ કચાશ નથી છોડી.
કોલકાતા રેપ-મર્ડર કેસમાં ડૉક્ટરોનો રોષ ઓછો થવાનો નામ નથી લેતો. તે વચ્ચે જ હવે બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના (TMC) નેતાઓ બેફામ વાણીવિલાસ કરી રહ્યા છે. TMC સાંસદ અરૂપ ચક્રવર્તીએ હડતાલ કરી રહેલા ડૉક્ટરોને ધમકાવતા કહ્યું છે કે, હડતાલથી નારાજ થઈને લોકો ડૉક્ટરો પર હુમલો કરશે તો રાજ્ય સરકાર તેમને નહીં બચાવે. તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, “પ્રદર્શનના નામે તમે પોતાના ઘરે જઈ શકો છો અથવા તો પોતાના બોયફ્રેન્ડ સાથે ફરી શકો છો. જો કોઈ દર્દી હડતાલના કારણે મરે છે, તો આ ડૉક્ટરોએ જનાક્રોશનો સામનો કરવો પડશે, પછી અમે નહીં બચાવીએ.” તેમણે પશ્ચિમ બંગાળના બાંકુરામાં એક રેલીને સંબોધતા આ નિવેદન આપ્યું હતું. રેલી બાદ મીડિયા સાથે વાત કરતી વખતે પણ તેઓ પોતાના નિવેદન પર કાયમ રહ્યા હતા. તેમણે મીડિયા સામે પણ કહ્યું કે, વિરોધના નામે આ ડૉક્ટરો બહાર જઈ રહ્યા છે.
બીજી તરફ TMC નેતા ઉદયન ગુહાએ પણ આવું જ એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, મમતા બેનર્જી તરફ આંગળી ઊંચકારાઓની આંગળી તોડી નાખવામાં આવશે. પશ્ચિમ બંગાળ પોલીસ પણ આ ઘટનાઓ પર અવાજ ઉઠાવનારાઓની સતત ધરપકડ કરી રહી છે અને આ જ લોકો કાલે ઊઠીને મોદીને ‘તાનાશાહ’ કહી રહ્યા હતા. અરે ભાઈ, રાજકારણની પણ કોઈ સીમા હોય છે. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે, ગૃહમંત્રી છે અને સાથે જ આરોગ્ય મંત્રી પણ છે. તેવામાં હવે કોલકાતા કેસને લઈને તેમને જ પ્રશ્નો પૂછવામાં આવશે તે સ્વાભાવિક છે. મમતા બેનર્જીને સવાલ પૂછવા અને તેમની સામે આંગળી ઊંચકવી ‘ઇશનિંદા’ નથી. પશ્ચિમ બંગાળ ભારતીય બંધારણ અનુસાર ચાલશે કે, સરમુખત્યારી તાલિબાની કાયદાઓથી ચાલશે? આટલી ભયંકર ઘટના બની હોવા છતાં જે અવાજ ઉઠાવી રહ્યા છે તેને જ ટાર્ગેટ કરવા. એ તાનાશાહી નથી? જે જે અવાજ ઉઠાવશે, તેની આંગળીઓ કાપી નાખવામાં આવશે!
TMC નેતાઓના નિવેદન માત્ર આટલે નથી અટકતા, મહારાષ્ટ્રથી આવતા TMC નેતા માજિદ મેમને તો મહિલા ડૉક્ટરોને ‘ઘરે રહેવાની’ મફતની સલાહ જ આપી દીધી છે. આવી રીતે થશે પશ્ચિમ બંગાળમાં મહિલાઓનો વિકાસ? તેમણે કહ્યું કે, રાજકારણને લઈને આ ઘટનાને વધુ ચગાવવામાં આવી રહી છે. તેમણે ભાજપ પર ઠીકરું ફોડતા કહ્યું કે, ભાજપ આમાં રાજકારણ કરી રહી છે. ત્યારબાદ તેમણે સલાહ આપતા કહ્યું કે, “મારી સલાહ છે કે, મહિલાઓ રાત્રે ડ્યુટી ન કરે. તેનું સુરક્ષા સાથે કઈ લાગતું-વળગતું નથી. પરંતુ મહિલાઓને જોઈએ છે કે, તેઓ મોડી રાત સુધી બહાર રહે.” એટલે મજીદ મેમન એક રીતે સ્વીકારી રહ્યા છે કે, પશ્ચિમ બંગાળમાં મહિલાઓ રાત્રે સુરક્ષિત નથી. તેથી જ તેમણે રાત્રે ડ્યુટી ન કરવાની સલાહ આપી દીધી.
TMC નેતાઓના વિવાદિત નિવેદનો જોતાં એક માણસ તરીકે સહેજ પ્રશ્ન થઈ આવે કે, કોઈ આવી ભયાનક અને અત્યંત પીડાદાયક ઘટનામાં આવા બેફામ નિવેદનો કઈ રીતે આપી શકે? શું માણસ તરીકેની તેમની સંવેદનાઓ મરી પરવારી છે કે પછી માત્ર સત્તા માટે કોઈપણ હદ સુધી જઈ શકવાની ‘આવડત’ ઘર કરી ગઈ છે? TMCના એક ‘વરિષ્ઠ સાંસદ’ અરૂપ ચક્રવર્તીએ ડૉક્ટરોના આંદોલનને જ મનોરંજન ગણાવવાનો ખૂબ જ વાહિયાત પ્રયાસ કર્યો છે. પોતાના સહકર્મીના અધિકારો માટે લડી રહેલા હેલ્થકેર વર્કરો માટે આવી નિમ્ન કક્ષાનું નિવેદન આપીને TMC નેતાઓ શું સાબિત કરવા માંગે છે?
શું સૂચવે છે TMC નેતાઓના નિવેદન?
મહિલા ડૉક્ટરો હડતાલના નામે બોયફ્રેન્ડ સાથે ફરી શકે, મમતા બેનર્જી પર આંગળી ઊંચનકારાની આંગળી કાપી નાખવામાં આવશે અને મહિલા ડૉક્ટરોએ રાત્રે ડ્યુટી જ ન કરવી જોઈએ… TMC નેતાઓના આ નિવેદનો શું સૂચવે છે? મમતા સરકારના નેતાઓના આ નિવેદનો તેની નિમ્ન કક્ષાની અને ઘસાઈ ગયેલી માનસિકતા દર્શાવે છે. આજે પણ તેઓ મહિલાઓને માત્ર ‘ઘરસંસાર’ સાચવીને બેસી રહેનારી ગણે છે. એટલે જ તો રાત્રે ડ્યુટી ન કરવાની સલાહ આપે છે. રાજ્ય સરકાર શા માટે એવી સુરક્ષા વ્યવસ્થા ઊભી નથી કરી શકતી કે, જેમાં રાત્રે પણ મહિલાઓ સુરક્ષિત રહી શકે? શા માટે તેમણે રાત્રે ડ્યુટી જોઇન ન કરવી? શું સરકાર તેમને સુરક્ષા આપવામાં નિષ્ફળ નીવડી છે? ગુજરાત સરકાના મંત્રીઓ કે ગુજરાત ભાજપના નેતાઓએ ક્યારેય આવા નિવેદનો નથી આપ્યા કે, હવે નવરાત્રિમાં રાત્રિ દરમિયાન મહિલાઓ બહાર ન નીકળે.
મોદીને ‘તાનાશાહ’ કહેનારી ટોળકી હવે મોઢામાં મગ ભરીને બેસી રહી છે. તેમની સામે આંગળી ઊંચકનારની આંગળી કાપી નાખવામાં આવશે અથવા તો ધરપકડ પણ કરી નાખવામાં આવશે. આવા તો હજારો ઉદાહરણ છે, એક મીમ શેર કરવાને લઈને મમતા સરકારની પોલીસે સોશિયલ મીડિયા યુઝરને નોટિસ મોકલીને કાર્યવાહીની ધમકી આપી દીધી હતી અને હવે મહિલા ડૉક્ટરના ન્યાય માટે અવાજ ઉઠાવનારા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પોતે હવે ‘પોતાના જ વિરુદ્ધ’ રેલી કાઢીને જનતાને ‘ઊંધા ચશ્મા’ પહેરાવી રહ્યા છે. તેમની પોલીસ ‘સંપૂર્ણ સમર્પણ’ સાથે વિરોધ કરી રહેલા અને અવાજ ઊંચકનારા લોકોની ધરપકડ કરી રહી છે. આ આખી ઘટના જોતાં ‘અસલી તાનાશાહ કોણ’ના પ્રશ્નો અંતરાત્મામાંથી નીકળી આવે છે. બેફામ નિવેદનો આપીને મહિલા ગરિમાને ઠેસ પહોંચાડવાનું પાપ TMC કરી રહી છે.
પીડિત ડૉક્ટર અને તેના પરિવારના દુઃખમાં સહભાગી થવાનું દૂર છોડીને તેના માટે લડી રહેલા અન્ય ડૉક્ટરોને ન્યાય અપાવવાથી પણ અળગા રહીને આ સત્તાપક્ષ TMCના નેતાઓ આવા વિવાદિત નિવેદન આપીને મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડવામાં વ્યસ્ત છે. હવે આ જ લોકો અમુક સમય બાદ ફરીથી મોદીને ‘તાનાશાહ’ તરીકે ખપાવવાના કામમાં જોતરાઈ જશે. આજે આખો દેશ પીડિતા ડૉક્ટર પ્રત્યે સહાનુભૂતિ સેવી રહ્યો છે, હડતાલ પર ઉતરેલા ડૉક્ટરોને પણ સમર્થન આપી રહ્યો છે, તેવામાં મહિલા ડૉક્ટરો માટે નિમ્ન કક્ષાના નિવેદનો આપીને TMC નેતાઓએ પોતાની જ માનસિકતા છતી કરી છે.