બંગાળના કોલકાતામાં મહિલા ડૉક્ટરના રેપ અને હત્યાના ઘૃણાસ્પદ બનાવને લઈને દેશભરમાં પ્રદર્શનો ચાલી રહ્યાં છે, સોશિયલ મીડિયા પર ન્યાયની માંગ થઈ રહી છે, સ્વયં કલકત્તા હાઈકોર્ટે રાજ્ય પોલીસ પાસેથી લઈને CBIને સોંપી દીધો છે, પણ આમ ભાજપશાસિત રાજ્યોમાં નાનકડો પણ કોઇ બનાવ બને તો દિવસમાં 10 ટ્વિટ કરનાર અને હોબાળો મચાવીને જે-તે CM અને વડાપ્રધાન મોદી સુધી પહોંચી જતા વિપક્ષી નેતાઓ અને ખાસ કરીને મહિલા નેતાઓએ મૌન ધારણ કરી લીધું છે. બીજી તરફ, જેઓ તેમને પ્રશ્ન કરી રહ્યા છે તેમને બ્લૉક કરવામાં આવી રહ્યા છે. અમુકે હવે ચારેકોરથી સવાલો થયા બાદ ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે બોલવાનું શરૂ કર્યું છે. આ યાદીમાં TMC સાંસદ મહુઆ મોઈત્રા પણ છે.
મહુઆ મોઈત્રા દેશનાં અન્ય રાજ્યમાં ક્યાંય પણ કોઇ ઘટના બને તો તુરંત X પર પોસ્ટ કરી દે છે અને રાજ્ય સરકાર સામે સવાલોની યાદી ધરી દે છે. એક વિપક્ષી નેતા તરીકે તે ખોટું પણ ન કહેવું જોઈએ. ઠીક છે, વિપક્ષનું કામ સરકારોને સવાલ કરવાનું છે, આવા મુદ્દાઓમાં પીડિતોને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવાનું છે. પણ એનો અર્થ એ નથી કે જ્યારે કેસ પોતાના રાજ્યમાં કે પોતાની સરકારમાં બને ત્યારે મોઢામાં મગ ભરી લેવા.
હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યાની થોડી જ ક્ષણોમાં સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દેનાર મહુઆ મોઈત્રા કોલકાતાની મહિલા ટ્રેની ડૉક્ટરના રેપ અને હત્યાના ઘૃણાસ્પદ મામલામાં 5 દિવસ સુધી મૌન રહ્યાં. ન રાજ્ય સરકારને પ્રશ્ન કર્યા કે ન પોલીસને. મમતા બેનર્જીને પ્રશ્ન કરવાનો તો કોઇ પ્રશ્ન જ ન હતો. કલકત્તા હાઈકોર્ટે સુદ્ધાં કહ્યું કે આ મામલામાં સરકારનું વલણ તેમને ઠીક લાગી રહ્યું નથી, ત્યાં સુધી કહ્યું કે, કૉલેજના પ્રિન્સિપાલને બચાવવાના પ્રયાસ શા માટે થઈ રહ્યા છે? પરંતુ મહુઆ મોઈત્રા કે તેમનાં જેવાં અમુક મહિલા નેતાઓને આ બોલવા જેવો કે અવાજ ઉઠાવવા જેવો મુદ્દો ન લાગ્યો. તેમણે તદ્દન ફાલતુ અને ઢંગધડા વગરના હિંડનબર્ગ રિપોર્ટ પર જ ધ્યાન આપવાનું મુનાસિબ માન્યું.
આખરે મામલો દેશભરમાં ચર્ચિત બન્યો તો સોશિયલ મીડિયા પર પ્રશ્ન ઉઠવા માંડ્યા. વિપક્ષી મહિલા સાંસદોને પૂછવામાં આવ્યું કે તેઓ આ વિષય પર ક્યારે બોલશે? દક્ષિણપંથીઓ ઠીક પણ INDI ગઠબંધનની ઈકોસિસ્ટમમાંથી પણ પ્રશ્ન ઊઠવા માંડ્યા. ત્યારે વિપક્ષી મહિલા સાંસદોએ વારાફરતી પોસ્ટ કરવા માંડી. પણ ઊડીને આંખે વળગે એવી બાબત એ છે કે તેમાં ક્યાંય પણ રાજ્ય સરકારને કોઇ પ્રશ્ન પૂછવામાં ન આવ્યા કે ન એટલી ઉગ્રતાથી મુદ્દો ઉઠાવવામાં આવ્યો. માત્ર ‘જેઓ જવાબદાર હોય તેમને’ સજા આપવાની વાત કહેવામાં આવી.
આ બધાની વચ્ચે યુ-ટ્યુબર અજિત અંજુમને પણ પોતાની જ દવાનો સ્વાદ ચાખવા મળ્યો. આમ તો તેઓ કાયમ મહુઆ મોઈત્રાનાં ગુણગાન ગાવામાં કોઇ કસર બાકી રાખતા નથી કે અદાણીથી લઈને અન્ય અનેક મુદ્દાઓમાં તેમણે કાયમ મહુઆના પક્ષે જ કલમ ચલાવી છે. સંસદમાં પણ તેઓ બે વાક્ય બોલી નાખે તો આ પત્રકારો તેને 10 બનાવીને હોહા કરી નાખે છે અને તેમને ‘બ્રેવ લેડી’ જેવાં ઉપનામો આપી દે છે. પણ હમણાં તેમને શું સૂઝ્યું કે મહુઆ મોઈત્રાને આ વિષયમાં ન બોલવા બદલ પ્રશ્ન કરી દીધા. પરિણામ એ આવ્યું કે તેમને બ્લૉકત્વ પ્રાપ્ત થયું.
बंगाल की डॉक्टर बिटिया के साथ हुई दरिंदगी पर एक सवाल के साथ टैग क्या किया , महुआ मोइत्रा ने मुझे ब्लॉक कर दिया .
— Ajit Anjum (@ajitanjum) August 14, 2024
वाह मैडम वाह .
आप हर रोज मोदी की सत्ता से तीखे तेवर के साथ सवाल पूछती हैं और हमने आपकी सत्ता से एक सवाल पूछ दिया तो आपने तुरंत ब्लॉक कर दिया .
आप एक सवाल नहीं सुन… pic.twitter.com/FhjTRMDhu7
અજિત અંજુમે પછીથી ‘વ્યથા’ ઠાલવતાં લખ્યું, “બંગાળની ડૉક્ટર દીકરી સાથે થયેલા નિર્દયી કૃત્ય પર એક પ્રશ્ન સાથે ટેગ શું કર્યાં, મહુઆ મોઈત્રાએ મને બ્લૉક કરી દીધો. વાહ મેડમ વાહ.’ આગળ અંજુમે કહ્યું કે, મહુઆ રોજ મોદીની સરકારને આક્રમક વલણ સાથે સવાલો કરતાં રહે છે, પણ તેમની સરકારને પ્રશ્ન કરવામાં આવ્યા તો તરત બ્લૉક કરી દીધાં. તેમને માત્ર પ્રશ્ન જ પૂછવાનું આવડે છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રવચન આપતાં પાવડે છે. ‘હિપોક્રેસી કી ભી સીમા હોતી હૈ’ના જાણીતા વાક્ય સાથે તેમણે વ્યથાને અંત આપ્યો.
આમાં અજિત અંજુમ એક નામ નથી. INDI ગઠબંધનના ઘણા સમર્થકો, જેઓ અત્યાર સુધી મહુઆ મોઈત્રાનાં નામનાં ગુણગાન કરતા હતા, તેમણે આ વિષયમાં પ્રશ્ન કરવા બદલ બ્લૉક થવાનો વારો આવ્યો છે. એક યુઝરે મહુઆ મોઈત્રાએ તેમને બ્લૉક કર્યાં હોવાનું લખીને ઉમેર્યું કે, “હું આ માનવા તૈયાર નથી. હું જેમને હીરો માનતી હતી, તેમણે બ્લૉક કરી. તેઓ ઠીક છે? કે અકાઉન્ટ હૅક થયું છે?
હર્ષ તિવારી નામના એક કાયમ INDI પાર્ટીઓની તરફેણમાં ટ્વિટ કરતા રહેતા યુવાને પણ બ્લૉક થવું પડ્યું. તેણે પછીથી X પર લખ્યું કે, ‘મહુઆ મોઈત્રાએ મને બ્લૉક કર્યો, કારણ મેં તેમને એક પ્રશ્ન જ કર્યો હતો. અમે તેમને કાયમ ડિફેન્ડ કર્યાં, પણ આટલી અસહિષ્ણુતા?’
A list of Liberals/Leftists 'Feminist Icon' Mahua Moitra has blocked for questioning her on the RG Kar Medical College Rape Case.
— Sensei Kraken Zero (@YearOfTheKraken) August 14, 2024
1. Ajit Anjum pic.twitter.com/KOgkD9UPYD
આવાં બીજાં ઘણાં અકાઉન્ટ્સ છે. દક્ષિણપંથીઓમાં તો હવે મોટાભાગના જાણીતાં અકાઉન્ટ પહેલેથી જ બ્લૉક છે. જેઓ હમણાં પ્રશ્ન પૂછવાની ‘ગુસ્તાખી’ કરી રહ્યા છે તેઓ વારાફરતી બ્લૉક થઈ રહ્યા છે.
જોકે, પછીથી મહુઆ મોઈત્રાએ મોડે-મોડેથી એક પોસ્ટ કરી હતી, જેમાં લખવામાં આવ્યું- ‘RG કર (હૉસ્પિટલ)ના ભયાનક ગુનાએ આપણને આઘાત પમાડી દીધો છે. કોઈને છોડવા જોઈએ નહીં અને ત્વરિત અને પારદર્શી તપાસ થવી જોઈએ.’ આમાં ક્યાંય રાજ્ય સરકારને પ્રશ્ન ન હતા કે ન CMનું નામ હતું. લોકોએ આ પોસ્ટની નીચે જવાબ આપતાં કહ્યું કે, હજુ થોડા દિવસ હિંડનબર્ગ પર રાજકારણ રમીને પછી ટ્વિટ કર્યું હોત તોય ચાલી ગયું હોત.
આ ઘટનાક્રમ પૂરતો છે એ જાણવા માટે કે ખરેખર આ વિપક્ષી નેતાઓને રસ શેમાં છે. ન્યાયમાં કે રાજકારણ રમવામાં? ન્યાય જ ધ્યેય હોય તો ત્યાં કઈ સરકાર છે અને કોણ મુખ્યમંત્રી છે એ જોયા વગર બોલવું જોઈએ. પરંતુ આપણે ત્યાંના લિબરલો અને તેમના નેતાઓ ‘નોખી માટીના’ છે. આવી ઘટનાઓ વખતે તેઓ સાબિત કરતા રહે છે.