કોઈ પણ દેશ હોય, તેનો ધ્વજ તેની આગવી ઓળખ કહેવાય છે અને આપણો તિરંગો આપણી શાન છે. આગામી 15 ઑગસ્ટ, 2024ના રોજ ભારતને સ્વતંત્રતા મળ્યે 77 વર્ષ થશે. ફરી એક વાર આખો દેશ ભક્તિના રંગે રંગાઈ ચૂક્યો છે. 2 વર્ષથી ચાલતું ‘હર ઘર તિરંગા’ અભિયાન આ વર્ષે પણ પૂરજોશમાં છે. જ્યાં જુઓ ત્યાં તમને માત્ર તિરંગા ધ્વજ જોવા મળશે. પણ આપણા તિરંગા ઝંડા પાછળનો ઇતિહાસ ભાગ્યે જ કોઈ જાણતું હશે. જે તિરંગાને જોઇને આજે આપણું રોમ-રોમ પુલકિત થાય છે, તેના અસ્તિત્વમાં આવ્યા પહેલાં કેટલા ઝંડાઓએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું તેનો પણ એક રોચક ઇતિહાસ છે.
કદાચ તમને જાણીને નવાઈ લાગશે, પણ આજે જેને આપણે ‘રાષ્ટ્રધ્વજ’ તરીકે ઓળખીએ છીએ તેના અસ્તિત્વમાં આવતાં પહેલાં છ એવા ધ્વજ સામે આવ્યા જેને દેશની ઓળખ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો. રાષ્ટ્રધ્વજ માટે બનાવવામાં આવેલી સમિતિએ પણ એક ધ્વજ નક્કી કર્યો હતો, જેને બાદમાં નકારી દેવામાં આવ્યો હતો. ભારતના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો જ્યારે સ્વતંત્રતા સંગ્રામ ચાલી રહ્યો હતો ત્યારે એક ધ્વજની ઉણપ બધાને સાલી રહી હતી. આ દરમિયાન અનેક ધ્વજ બનાવવામાં આવ્યા અને તેમાં ફેરબદલ થતા રહ્યા.
ભારતમાં ક્યારે અને કેવા ધ્વજને દેશની ઓળખ તરીકે દર્શાવવામાં આવ્યા?
પ્રથમ ધ્વજ વર્ષ 1906માં સામે આવ્યો. આ ધ્વજ તે સમયના કલકત્તા અને આજના કોલકાતા ખાતે આવેલા પારસી ગાર્ડન સ્ક્વેરમાં ફરકાવવામાં આવ્યો. આ ધ્વજ બંગાળ વિભાજન કે જેને આપણે ‘બંગભંગ’ના નામે ઓળખીએ છીએ તેના વિરોધમાં ફરકાવવામાં આવો હતો. આ ધ્વજ પણ ત્રણ રંગનો હતો. તેમાં સહુથી ઉપર લીલા રંગનો પટ્ટો હતો. જેમાં 8 કમળના ફૂલ બનેલા હતા. ત્યારબાદ પીળો પટ્ટો, જેમાં મોટા ભૂરા અક્ષરોમાં ‘વંદે માતરમ’ લખેલું હતું અને ત્યારબાદ લાલ કરનો પટ્ટો હતો, જેમાં એક અર્ધ ચંદ્રમા અને સૂરજનાં ચિહ્નો બનેલાં હતાં. આ ધ્વજ સચિન્દ્ર પ્રસાદ બોઝ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો હતો.
આ પછી તેના એક વર્ષ બાદ, એટલે કે 1907માં બિનઅધિકારીક રીતે અન્ય એક ધ્વજને ભારતના ધ્વજ તરીકે સામે લાવવામાં આવ્યો. તે સમયે ફ્રાન્સમાં ભીખાજી રુસ્તમજી કામા, જેમને આપણે ‘મેડમ કામા’ના નામે ઓળખીએ છીએ તેમની આગેવાનીમાં ફરકાવવામાં આવ્યો. આ ધ્વજ પણ ત્રણ રંગોનો હતો. જેની અંદર ઉપરનો પટ્ટો કેસરી પટ્ટો તેમાં 8 ફૂલ, વચ્ચે પીળો પટ્ટો તેમાં કળા અક્ષરે ‘વંદે માતરમ’ અને સહુથી નીચે લીલો પટ્ટો કે જેમાં એક સૂરજ અને એક તરફ ચાંદ-તારાનું નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ધ્વજ હેમચંદ્ર દાસ દ્વારા બનાવવામાં આવ્યો હતો.
ત્રીજો ધ્વજ આ ઘટનાના લગભગ એક દશકા બાદ અસ્તિત્વમાં આવ્યો. 1917માં આ ઝંડો હોમ રૂલ આંદોલનબાલ ગંગાધર તિલક અને ડૉ. એની બેસન્ટે ફરકાવ્યો હતો. અ ઝંડામાં 5 લાલ અને 4 લીલી પટ્ટીઓ હતી. ધ્વજમાં ડાબા ખૂણામાં યૂનિયન જેક, જમણા ખૂણામાં ચાંદ સિતારાનું ચિહ્ન અને નીચેની તરફ સાત અન્ય સિતારા ટાંકવામાં આવ્યા હતા. તેને સપ્તર્ષિ સાથે જોડવામાં આવ્યા હતા.
પછી આવ્યો ચોથો ધ્વજ અસ્તિત્વમાં. વર્ષ 1921માં વિજયવાડા ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ કમિટીના એક સ્તરનું આયોજન કરવામાં આવ્યું. અહીં પિંગળી વેંકૈયાએ એક ધ્વજ ડિઝાઈન કર્યો. કોંગ્રેસના સભ્યોએ આ ધ્વજને અનુમોદિત કર્યો અને એમકે ગાંધીએ તેને સ્વીકૃતિ આપી હતી. તેમાં બે રંગના પટ્ટા હતા. જેમાં ઉપર લાલ અને નીચે લીલો રંગ હતો. તે સમયે એમ કહેવામાં આવ્યું કે લીલા રંગનો પટ્ટો મુસ્લિમોને દર્શાવી રહ્યો હતો અને તેની નીચેનો લાલ પટ્ટો હિંદુઓને, એમકે ગાંધીએ તેમાં આંશિક ફેરફાર કરીને ઉપર સફેદ પટ્ટો અને વચ્ચે ચરખો ઉમેરવા સૂચન કર્યું હતું.
રાષ્ટ્રધ્વજ માટે ખાસ સમિતિનું ગઠન, સરદાર પટેલ અને પંડિત નહેરુ તેના સભ્ય
અત્યાર સુધીના કુલ ચાર ધ્વજમાં ફેરફાર કરીને અંતે સફેદ, લીલા અને લાલ રંગના પટ્ટાવાળા ધ્વજને ભારતની ઓળખ તરીકે દર્શાવવામાં આવી રહ્યો હતો. પરંતુ તેની પાછળના ધાર્મિક દ્રષ્ટિકોણને લઈને અનેક લોકોમાં અસંતોષ હતો. આમ તો ક્રાંતિકારીઓથી માંડીને રાજકીય નેતાઓએ 1906થી લઈને 1929 સુધી પોતપોતાની ભાવનાઓ અને કલ્પનાઓ અનુસાર અનેક ધ્વજોની કલ્પના કરી. પરંતુ 1931માં સાત સભ્યોવાળી એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું. આ સમિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, ડૉ. પટ્ટાભિ સીતારમૈયા, ડૉ. એન.એસ હરડીકર, કાકા કાલેલકર, માસ્ટર તારા સિંઘ અને મૌલાના આઝાદ એમ સાત લોકોને ભારતના તત્કાલીન ધ્વજના વિવાદના સમાધાન માટે ધ્વજ કેવો હોવો જોઈએ તે માટે જવાબદારી આપવામાં આવી.
કરાચી અધિવેશનમાં સમિતિના નિર્ણયને નકારી દેવામાં આવ્યો
આ તમામ અગ્રણીઓએ લાંબા અધ્યયન બાદ એક મત મૂક્યો. કમિટી દ્વારા કહેવામાં આવ્યું કે દેશનો રાષ્ટ્રધ્વજ વિશેષ અને કલાત્મક હોવો જોઈએ અને સાંપ્રદાયિક ન હોવો જોઈએ. પંડિત નહેરુ અને સરદાર પટેલ જે કમિટીના સભ્ય હતા તે કમિટીએ એક મતથી વિચાર તમામ સમક્ષ મૂક્યો કે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ માત્ર એક જ રંગનો હોવો જોઈએ. જો એક જ રંગ હશે તો તેને દેશ સરળતાથી સ્વીકારી લેશે. સમિતિએ રજૂઆત કરી કે કેસરી રંગ ભારતની પ્રાચીન પરંપરા અને સભ્યતા સાથે જોડાયેલો છે, માટે રાષ્ટ્રીય ધ્વજ ભગવા રંગનો હોવો જોઈએ તેમ કમિટીએ નક્કી કર્યું. પરંતુ કરાંચીના કોંગ્રેસ અધિવેશનમાં આ સમિતિએ નક્કી કરેલા ધ્વજને નકારી કાઢવામાં આવ્યો. અહીં જ પહેલી ધ્વજ સમિતિએ રાજીનામું આપી દીધું, જેમાં સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ સભ્ય હતા.
અધિવેશનમાં નિર્ણય લેવામાં આવ્યો કે ધ્વજમાં ત્રણ રંગ હોવા જ જોઈએ અને જૂના ધ્વજમાં ઓછામાં ઓછું પરિવર્તન કરવામાં આવે. ત્યારબાદ સર્વાનુમતે કેસરી, સફેદ અને લીલા રંગના પટ્ટાવાળા તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે નક્કી કરવામાં આવ્યો. વચ્ચે વાદળી રંગનો ચરખો મૂકવામાં આવ્યો. જો સમિતિનો વિચાર માનવામાં આવ્યો હોત તો કેસરી એટલે કે ભગવો ધ્વજ રાષ્ટ્રીય ધ્વજ બન્યો હોત.
1947માં એમકે ગાંધીના અણગમા સાથે અસ્તિત્વમાં આવ્યો વર્તમાન ધ્વજ
બાદમાં ભારતે સ્વતંત્રતા આંબી લીધી. સ્વતંત્ર ભારતમાં ધ્વજની પસંદગી માટે એક ખાસ સમિતિ બનાવવામાં આવી. આ સમિતિમાં મૌલાના અબુલ કલમ આઝાદ, સરોજીની નાયડુ, કે.એમ મુનશી, રાજગોપાલાચારી અને બી.આર આંબેડકર હતા. 14 જુલાઈ, 1947ના રોજ સમિતિએ વિચાર મૂક્યો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો જે વર્તમાન ધ્વજ છે, તેને સ્વતંત્ર ભારતનો ધ્વજ ઘોષિત કરવાના બદલે તેમાં ઉચિત સંશોધન કરવામાં આવે અને બાદમાં તેને ભારતનો ‘રાષ્ટ્રધ્વજ’ તરીકે ઘોષિત કરવામાં આવે. ભારતના તમામ સમુદાયો અને દળોની સ્વીકૃતિ મેળવવા માટે આ સમિતિએ નિર્ણય લઈને બિનસાંપ્રદાયિક ધ્વજ તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો.
તે સમયે ધ્વજની ડિઝાઈન બદલવામાં આવી અને તેમાં વચ્ચે જે ચરખો હતો તેની જગ્યાએ અશોક ચક્ર, કે જે ધર્મ અને ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે તેને મૂકવાનું નક્કી કરવામાં આવ્યું. જોકે એમ.કે ગાંધીને આ ફેરબદલ મંજૂર નહોતો. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે જો ધ્વજમાંથી ચરખો હટાવી દેવામાં આવશે તો તેઓ નવા રાષ્ટ્રધ્વજને સલામી ક્યારેય નહીં આપે. મોહનદાસ ગાંધીની જીદ જોઇને અનેક નેતાઓએ તેમને સમજાવ્યા અને અંતે તેમની આંશિક સહમતી બાદ વર્તમાન તિરંગો અસ્તિત્વમાં આવ્યો.
22 જુલાઈ, 1947ના રોજ નહેરુએ સંવિધાન સભામાં ભગવા, સફેદ અને લીલા રંગના ત્રણ પટ્ટા અને વચમાં વાદળી રંગના અશોક ચક્રવાળા ધ્વજનો પ્રસ્તાવ રાખ્યો. તેમણે વિધાનસભામાં એક ખાદી-રેશમી અને એક ખડી-સુતરાઉ કાપડના ધ્વજ પણ પ્રસ્તુત કર્યા અને સર્વસંમતિથી તે ધ્વજને રાષ્ટ્રીય ધ્વજ તરીકે ઘોષિત કરવામાં આવ્યો.
મોહનદાસ ગાંધીને જોઈતો હતો રાષ્ટ્રીય ધ્વજમાં ‘યુનિયન જેક’
નોંધનીય છે કે, જે એમ. કે ગાંધીએ ચરખાની જગ્યાએ અશોક ચક્ર મૂકવાના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો અને દેશના ‘રાષ્ટ્રધ્વજ’ને સલામી ન આપવા ઉભા થયા હતા. આ જ ગાંધીને સ્વતંત્ર ભારતના ચરખાવાળા ‘રાષ્ટ્રધ્વજ’માં ઉપરના ખૂણે અંગ્રેજ શાસનના પ્રતિક સમાન યુનિયન જેક પણ જોઈતો હતો. પોતાના એક પત્રમાં જ ‘રાષ્ટ્રપિતા’ ગાંધીએ ભારતના અંતિમ બ્રિટીશ વોઈસરોય માઉન્ટ બેટને પ્રસ્થાપિત કરેલા ધ્વજને પોતાનું સમર્થન આપ્યું હતું. જોકે તે સમયે જવાહરલાલ નહેરુએ તે ધ્વજનો અસ્વીકાર કર્યો હતો અને પોતાનો વિચારે રજૂ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રવાદી સભ્યો યુનિયન જેકવાળા ધ્વજને બ્રિટીશરો પ્રત્યેની ‘ચાપલૂસી’ તરીકે જોશે.
જોકે ગાંધીને આ વાત પણ ન ગમી અને તેમણે બ્રિટીશ અમલદાર દ્વારા પ્રસ્થાપિત યુનિયન જેકવાળા ધ્વજની તરફેણ કરી હતી. પોતાના એક પત્રમાં તેમણે લખ્યું હતું કે, “અંગ્રેજોએ ભલે ભારતીયોને નુકસાન પહોંચાડ્યું હોય, પરંતુ તેમના ધ્વજે એવું નથી કર્યું.” તેમણે અંગ્રેજોના ‘સ્વેચ્છાએ ભારત છોડવાના’ નિર્ણયની પ્રશંસા કરીને ભારતીયોને અંગ્રેજોના ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આગ્રહ કરીને તેમણે લોર્ડ માઉન્ટબેટન દ્વારા પ્રસ્તાપિત ધ્વજને સ્વીકાર કરી શકાય તેમ જણાવ્યું હતું. જોકે, અંતે એ શક્ય ન બન્યું.