છેલ્લા ઘણા સમયથી પંજાબ-હરિયાણા બોર્ડરને જોડતા શંભુ બોર્ડર ખાતે કથિત ખેડૂતો આંદોલનને લઈને રસ્તો બ્લોક કરીને બેઠા છે. બે રાજ્યોને જોડતા અતિમહત્વપૂર્ણ આ રોડના બંધ થવાથી સામાન્ય નાગરિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેવામાં સુપ્રીમ કોર્ટે આંદોલન કરી રહેલા ખેડૂતોને ટકોર કરીને શંભુ બોર્ડર આંશિક રીતે ખોલવાના આદેશ આપ્યા છે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, બોર્ડરને મહિલાઓ અને બાળકો તેમજ એમ્બ્યુલન્સ સહિતની ઈમરજન્સી સર્વિસીસ માટે આંશિક ખોલી દેવી જોઈએ. ન્યાયાલયે પંજાબ સરકારને પણ ખેડૂતોને સમજાવવા અને બોર્ડર પરથી ટ્રેકટર હટાવવાના પ્રયત્ન કરવા કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે આંદોલનના નામે રસ્તો બ્લોક કરીને બેસેલા કથિત ખેડૂતોને લઈને પણ ટકોર કરી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, હાઈવે એ કોઈ પાર્કિંગ નથી. ખેડૂતોએ જીદ છોડીને સરકાર સાથે ચર્ચા કરીને રસ્તા ખોલી દેવા જોઈએ. તે સિવાય પંજાબ સરકારને આ મામલે કાર્યવાહી કરવા માટેનું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. કોર્ટે સરકારને પણ ખેડૂતો સાથે ચર્ચાઓ કરવાના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર આંશિક રીતે ખોલવાના આદેશ આપીને પંજાબ અને હરિયાણાના પોલીસ મહાનિદેશકોને એક સપ્તાહમાં બેઠક કરવાના નિર્દેશ પણ આપ્યા છે.
#4KaVaar | शंभू बॉर्डर खोलने का मामला … सुप्रीम कोर्ट में हुई सुनवाई
— Bharat 24 – Vision Of New India (@Bharat24Liv) August 12, 2024
Watch : https://t.co/456WzaUdjS#Haryana #Shambhuborder #Punjab #SupremeCourtOfIndia #Bharat24Digital@shikha_thakur7 @iPriyaSinha @palakprakash20 @A_suryavanshi_ pic.twitter.com/o5g5Gg1zJS
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બેન્ચે બન્ને રાજ્યોની સરકારોને બિરદાવી પણ હતી. કોર્ટે કહ્યું કે, પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરવા માટે બિન-રાજકીય સમિતિનું ગઠન કરવાની વિચારણા અને નામો આપવાની પહેલ પ્રશંસનીય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે શંભુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે ચર્ચાઓ કરવા માટે બનાવેલી સમિતિની શરતો પર સંક્ષીપ્ત આદેશ પણ પારિત કરશે. આ મામલે આગામી સુનાવણી 22 ઑગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.
કોર્ટે નોંધ્યું હતું કે, એમ્બ્યુલન્સ તેમજ અન્ય આવશ્યક ઈમરજન્સી સર્વિસીસ અને સ્થાનિક યાતાયાત માટે હાઈવેની બંને તરફની લેનને આંશિક રીતે ખોલવી જોઈએ. નોંધવું જોઈએ કે, આ પહેલાં હરિયાણા હાઈકોર્ટે સરકારને હાઈવે ખોલવાના નિર્દેશ આપ્યા હતા. જે બાદ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, પંજાબ તરફથી આંદોલનના નામે ધસી આવેલા સેંકડો પ્રદર્શનકરીઓને રોકવા માટે બોર્ડર સીલ કરી દેવામાં આવી હતી. જે બાદ તથાકથિત ખેડૂતોએ હાઈવે પર ટ્રેક્ટરો પાર્ક કરીને હાઈવે સદંતર બંધ કરી દીધો હતો. ખેડૂતોની માંગ છે કે, તેમને આંદોલન માટે દિલ્હી સુધી જવાની પરવાનગી આપવામાં આવે.