બાંગ્લાદેશમાં વડાંપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ પ્રદર્શનકારીઓના વેશમાં કટ્ટરપંથીઓએ હવે સુપ્રીમ કોર્ટને ટાર્ગેટ કરી છે. પ્રદર્શનકારીઓએ શનિવારે (10 ઑગસ્ટ, 2024) સવારે સુપ્રીમ કોર્ટને ઘેરી લીધી હતી અને ચીફ જસ્ટિસ સહિતના ન્યાયાધીશોના રાજીનામાંની માંગણી કરી હતી. મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓનું ટોળું સીધું સુપ્રીમ કોર્ટમાં ઘૂસી ગયું હતું અને ત્યાં જઈને હોબાળો કરવાનો શરૂ કરી દીધો હતો. જેના પગલે તમામ જજો જીવ બચાવીને ભાગવા માટે મજબૂર થઈ ગયા હતા. બીજી તરફ, વિરોધને પગલે ચીફ જસ્ટિસે પણ રાજીનામું આપવાની ફરજ પડી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે સેંકડોના ટોળાંએ સુપ્રીમ કોર્ટ સહિતની અદાલતોનો ઘેરાવો કર્યો હતો. પ્રદર્શનકારીઓની માંગણી હતી કે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓબૈદુલ હસન તથા અપીલીય ડિવિઝનના ન્યાયાધીશો રાજીનામું આપે. પ્રદર્શનકારીઓએ તમામ જજોને એક કલાકની અંદર રાજીનામું આપવાનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો આવું નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી પણ આપી છે. ભારે અશાંતિ અને અરાજકતાને ધ્યાને રાખીને મુખ્ય ન્યાયાધીશે પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો.
ઢાકા ટ્રિબ્યુનના રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશના ચીફ જસ્ટિસે રાજીનામું ધરી દીધું છે. જે બાબતની પુષ્ટિ કાયદો, ન્યાય અને સંસદીય બાબતોના મંત્રાલયના મુખ્ય સલાહકાર પ્રો. આસિફ નઝરૂલે કરી હતી. તેમણે નિવેદનમાં કહ્યું કે, “મને લાગે છે કે આ સમાચાર આપવા જરૂરી છે. આપણા મુખ્ય ન્યાયાધીશે થોડી મિનિટો પહેલાં રાજીનામું આપ્યું છે. તેમનો ત્યાગપત્ર કાયદા મંત્રાલયને મળી ચૂક્યો છે. આગળની કાર્યવાહી માટે કોઇ પણ પ્રકારના વિલંબ વગર હવે રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે.”
તે પહેલાં સવારે પ્રદર્શનકારીઓએ ધમકી આપી હતી કે, જો અલ્ટિમેટમ પહેલાં રાજીનામું નહીં આપે તો તેઓ મુખ્ય ન્યાયાધીશના ઘરને પણ ઘેરી લેશે. જોકે, થોડા જ સમયમાં કટ્ટરપંથી ટોળાંએ ન્યાયાધીશના આધિકારિક આવાસ પર હુમલો કરી દીધો હતો અને માલસામાનની તોડફોડ કરીને લૂંટફાટ ચાલુ કરી હતી. પ્રદર્શનકારીઓની સાથે બાંગ્લાદેશના વકીલો પણ પ્રદર્શનમાં જોડાયા છે. તેઓ પણ પ્રદર્શનકારીઓની સાથે વિરોધમાં ઉતરી પડ્યા છે.
ચીફ જસ્ટિસ પર આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટનો કર્યો ઘેરાવો
વાસ્તવમાં શેખ હસીના રાજીનામું આપીને ભારત ગયા બાદ બાંગ્લાદેશમાં નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશે વચગાળાની સરકાર સાથે ચર્ચા કર્યા વિના કોર્ટના તમામ ન્યાયાધીશોની બેઠક બોલાવી હતી. ત્યારબાદ પ્રદર્શનકારીઓની ભીડ કોર્ટ પરિસરમાં પહોંચી અને ઘેરાવો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ ચીફ જસ્ટિસ સહિતના તમામ જજો પર વચગાળાની સરકારને રદ કરવા માટે ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.
પ્રદર્શનકારીઓ આરોપ લગાવી રહ્યા છે કે, મુખ્ય ન્યાયાધીશ એક કાવતરું રચી રહ્યા છે, જેના કારણે લોકોમાં આક્રોશ ફેલાયો છે અને તેમની જવાબદારીની માંગણી કરવામાં આવી રહી છે. તણાવ વધ્યા બાદ ન્યાયાલયની બેઠકને પણ રદ કરી દેવામાં આવી હતી. જોકે, તેમ છતાં પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટને ઘેરવાનું ચાલુ રાખ્યું હતું.