જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગોંડલના ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ મોરચો માંડીને જાણીતા થયેલા અને ધર્માંતરણ કરીને ઇસ્લામ કબૂલ કરવાની ધમકીઓ આપનાર રાજુ સોલંકી અને તેની ગેંગ વિરુદ્ધ જૂનાગઢ પોલીસે ગુજસીટોક અંતગર્ત કાર્યવાહી કરી છે. તાજી માહિતી અનુસાર, સંગઠિત ગુનાને ડામવા પોલીસે આ કાર્યવાહી કરી છે. આરોપ છે કે તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ પોલીસે રાજુ સહિત 3ને રાઉન્ડઅપ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રાજુ સોલંકી વિરુદ્ધ અનેક ગંભીર ગુના નોંધાયેલા છે. તેના દીકરા અને NSUIના નેતા કે જેણે ગોંડલના ધારાસભ્યના પુત્ર પર અપહરણ અને મારામારીનો કેસ કર્યો છે, તેના વિરુદ્ધ પણ ત્રણ ગંભીર ગુના દાખલ થયેલા છે. રાજુના અન્ય દીકરા દેવ પર પણ 2 ગુના દાખલ થયેલા છે. હાલ પોલીસે રાજુ સહિત ત્રણને રાઉન્ડઅપ કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જે 5 લોકો વિરુદ્ધ GUJCTOC અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે, તેમાં રાજુ સહિત તેના પરિવારના ત્રણ સભ્યો સામેલ છે. આરોપીઓમાં એક નામ રાજુના દીકરા અને NSUIના નેતા સંજયનું પણ છે. જૂનાગઢ SP હર્ષદ મહેતાની આગેવાનીમાં પોલીસબેડાએ આ કાર્યવાહી આદરી છે.
ઉલ્લેખનીય છે કે, ‘ભાજપમાં ગુંડારાજ’ની મોટી-મોટી વાતો કરીને પોતાને દલિત આગેવાન ગણાવતા રાજુ સોલંકી તેમજ ગોંડલ વિવાદમાં ફરીયાદી તેના દીકરા સંજયનો અને તેના ભાઈ દેવનો કાળો ગુનાહિત ઇતિહાસ છે. સંજય એ જ છે, જેણે પોલીસ ફરિયાદ કરી હતી અને એવો દાવો કર્યો હતો કે, ગણેશ જાડેજાએ તેને ગાડીમાં ઉઠાવી જઈ માર માર્યો અને તેમનો આપત્તિજનક વિડીયો બનાવ્યો હતો. આરોપ છે કે, તેને ગોંડલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી માર મારી, જાતિસૂચક શબ્દો કહી અને ધમકી આપી તેને છોડી મૂકવામાં આવ્યો હતો. આ પછી રાજુ સોલંકીએ અડધું ગુજરાત માથે લીધું હતું. ગણેશ ગોંડલ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી હોવા છતાં પોતાને ‘ન્યાય’ ન મળી રહ્યો હોવાની પીપુડી વગાડીને તેણે ધર્માંતરણ કરીને ઇસ્લામ કબૂલ કરી લેવાની ધમકી આપી હતી.
સંગઠિત ગુનાને ડામવા જૂનાગઢ પોલીસની કાર્યવાહી
— Gujarat First (@GujaratFirst) August 3, 2024
રાજુ સોલંકી સહિત 5 વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ
પોલીસે રાજુ સોલંકી સહિત ત્રણની અટકાયત કરી
ગુનાહિત પ્રવૃત્તિ કરનારા તત્વો સામે પોલીસે પછાડ્યો દંડો @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat #Gujarat #Junagadh #RajuSolanki… pic.twitter.com/hEKuXtFEe8
શું કહે છે જૂનાગઢના રાજુ સોલંકીનું ગુનાહિત સરવૈયું?
નોંધનીય છે કે, સરકાર દ્વારા અન્યાય અને ભાજપ સાથે જોડાયેલા પરિવારની ગુંડાગીરીની વાતો કરતા રાજુ સોલંકી પર જ અનેક ગંભીર ગુના નોંધાયેલા છે. માત્ર રાજુ જ નહીં, તેમના પરિવારના પણ કેટલાક સભ્યો વિરુદ્ધ ગંભીર ગુના નોંધાયા છે. ભાસ્કરના રિપોર્ટ અનુસાર, રાજુ સોલંકી વિરુદ્ધ વર્ષ 2014થી 2023 સુધીમાં પોલીસ પર હુમલો, હત્યાના પ્રયાસ, મારામારી, લૂંટ, વ્યાજખોરી, ગેરકાયદે હથિયાર, અપહરણ, અને જુગાર સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. બીજી તરફ તેમના પુત્ર અને NSUIના નેતા સંજય સોલંકી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અલગ-અલગ 3 ગુના નોંધાયેલા છે. સાથે જ રાજુના દીકરા દેવ સોલંકી પર પણ 2 ગુના નોંધાયેલા છે.
રાજુ સોલંકીની વાત કરીએ તો 8 જુલાઈ 2014માં તેમના વિરુદ્ધ મારામારી અને અપહરણનો પ્રથમ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ 8 ઓકટોબર, 2014માં તેમની વિરુદ્ધ પોલીસ જવાન પર હુમલો કરવા બદલ ગુનો નોંધાયો હતો. ઓક્ટોબર મહિનામાં જ 29 તારીખે તેમના પર ઘોડી પાસના જુગારનો ગુનો નોંધાયો. આ વખતે જ દરોડા દરમિયાન તેમણે ફરી એકવાર પોલીસ પર હુમલો કર્યો અને સરકારી વાહનને નુકસાન પહોંચાડ્યું જેનો પણ અલગથી ગુનો નોંધાયો. ત્યારબાદ 12 માર્ચ 2016ના રોજ તેના પર હુમલો અને જાનથી મારી નાખવાનો ગુનો નોંધાયો હતો.
રિપોર્ટ અનુસાર (આર્કાઈવ) રાજુ સોલંકીની કરમકુંડળી આટલે જ નથી પૂરી થતી. 2016માં જ 4 એપ્રિલે તેના પર અપહરણ, ગભીર માર અને લૂંટનો ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ વર્ષ 2017માં 23 સપ્ટેમ્બરના રોજ તેના વિરુદ્ધ હુમલો કરીને મારામારીનો ગુનો નોંધાયો હતો આ દરમિયાન તેમની પાસે ગેરકાયદેસર હથિયાર મળી આવતાં આર્મ્સ એક્ટ અંતર્ગત પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ 14 ડિસેમ્બર, 2017માં હુમલો અને જાનથી મારી નાંખવાની ધમકીનો ગુનો નોંધાયો હતો. 2 જૂન, 2020ના રોજ વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી, 1 ફેબ્રુઆરી 2022ના રોજ હુમલો અને જાનથી મારી નાંખવાની ધમકી, ત્યારબાદ 16 ઓગસ્ટ 2022ના રોજ માર મારવાનો ગુનો નોંધાયો હતો. રાજુ સોલંકી પર 12મો ગુનો 27 સપ્ટેમ્બર, 2023ના રોજ હત્યાનો પ્રયાસ કરવા બદલ નોંધાયો હતો.