Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાશરણાર્થી કેમ્પમાં જન્મેલો શખ્સ કેવી રીતે બન્યો આતંકી સંગઠન હમાસનો ચીફ: રહી...

    શરણાર્થી કેમ્પમાં જન્મેલો શખ્સ કેવી રીતે બન્યો આતંકી સંગઠન હમાસનો ચીફ: રહી ચૂક્યો છે પેલેસ્ટાઇનનો વડાપ્રધાન પણ, જાણો કોણ હતો ઇઝરાયેલનો સૌથી મોટો શત્રુ ઈસ્માઈલ હનીહ

    ઈસ્માઈલ ઇઝરાયેલનો સૌથી મોટો દુશ્મન ગણાતો હતો. તેને શોધવા માટે ઇઝરાયેલી એજન્સીઓ ઘણા સમયથી મહેનત કરી રહી હતી. ઇઝરાયેલી સેના તેને મારવા માટે ઘણા પ્રયાસો પણ કરી ચૂકી હતી. પરંતુ દર વખતે ઈસ્માઈલ બચીને ભાગી જતો હતો. પરંતુ આ વખતે ઈરાનમાં અચાનક જ તેની હત્યા કરી નાખવામાં આવી છે.

    - Advertisement -

    આતંકવાદી સંગઠન હમાસનો (Hamas) ટોપ લીડર અને તેની પોલિટિકલ વિંગનો ચીફ ઈસ્માઈલ હનીહ (Ismail Haniyeh) ઈરાનના તેહરાનમાં માર્યો ગયો છે. પેલેસ્ટાઇન સ્થિત આતંકી સંગઠન હમાસે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. હમાસે તેની હત્યા પાછળ ઇઝરાયેલનો હાથ હોવાનું જણાવ્યું છે. કારણ કે, ઈસ્માઈલ ઇઝરાયેલનો (Israel) સૌથી મોટો શત્રુ હતો. જોકે, હજુ સુધી આધિકારિક રીતે ઇઝરાયેલે સ્વીકાર્યું નથી કે, તેણે ઈસ્માઈલ હનીહની હત્યા કરી છે. પરંતુ, ઈરાન અને હમાસે ઇઝરાયેલનો હાથ હોવાનો દાવો કર્યો છે. ઈસ્માઈલ હનીફ ઈરાની રાષ્ટ્રપતિના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ઈરાનની રાજધાની તેહરાન પહોંચ્યો હતો. તેહરાનમાં તે જે ઘરમાં રોકાયો હતો, તે આખા ઘરને જ વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવ્યું છે. ઈરાનના (Iran) મતે ઇઝરાયેલી ગુપ્તચર એજન્સી ‘મોસાદે’ (Mossad) હનીહની હત્યા કરી છે. જોકે, ઇઝરાયેલી એજન્સીઓ 2023માં થયેલા આતંકી હુમલા બાદથી જ હનીહને શોધી રહી હતી.

    ઈરાનની રાજધાની તેહરાનમાં (Tehran) આતંકી સંગઠન હમાસના ચીફ ઈસ્માઈલ હનીહ અને તેના બોડીગાર્ડની હત્યા કરી નાખવામાં આવી છે. આતંકી ઈસ્માઈલના મોત બાદ મધ્ય-પૂર્વ એશિયામાં ભારે હલચલ મચી છે. જો આ હત્યા ઇઝરાયેલ દ્વારા કરવામાં આવી હોય, તો તેને ઇઝરાયેલની સૌથી મોટી સફળતા ગણવામાં આવી શકે છે. કારણે કે, ઇઝરાયેલી સેના તેને છેલ્લા ઘણા સમયથી શોધી રહી હતી. હનીહ પર 7 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયેલ પર થયેલા હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ પણ હતો. શરૂઆતથી સમજીએ કે, શરણાર્થી કેમ્પમાં (Refugee Camp) જન્મેલો હનીહ આતંકી સંગઠન હમાસનો ચીફ કેવી રીતે બન્યો.

    ગાઝા પટ્ટીના શરણાર્થી કેમ્પમાં જન્મ્યો હતો હનીહ

    ઈસ્માઈલ હનીહનો જન્મ વર્ષ 1962માં ગાઝા (Gaza) પટ્ટીના એક શરણાર્થી કેમ્પમાં થયો હતો. તેનું પ્રારંભિક શિક્ષણ સંયુક્ત રાષ્ટ્ર (US) દ્વારા સંચાલિત શાળામાં થયું હતું. ત્યારબાદ વર્ષ 1981માં તેણે અરબી સાહિત્યનો (Arabic literature) અભ્યાસ કરવા માટે ગાઝાની ઇસ્લામિક યુનિવર્સિટીમાં (Islamic University) પ્રવેશ લીધો હતો. આ જ યુનિવર્સિટીમાં હનીહે સ્ટુડન્ટ એસોસિયેશનની સ્થાપના કરી હતી, જે મુસ્લિમ બ્રધરહુડ (Muslim Brotherhood) સાથે સંકળાયેલી હતી. ઇઝરાયેલ વિરોધી ગતિવિધિઓના કારણે વર્ષ 1989માં ઇઝરાયેલે હનીહની ધરપકડ કરી હતી અને તેને ત્રણ વર્ષ માટે કેદમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને હમાસના કેટલાક નેતાઓ સાથે માર્ઝ-અલ-ઝુહુર નિર્વાસિત કરી દેવામાં આવ્યો હતો. અહીં તે એક વર્ષ માટે રહ્યો હતો અને ત્યારબાદ તે ફરી ગાઝા પરત ફર્યો હતો. યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે, તેવા લોકોમાં સામેલ હતો, જેણે આતંકી સંગઠન હમાસનો પાયો નાખ્યો હતો. એટલે કે, તે હમાસના પાયાનો વ્યક્તિ હતો.

    - Advertisement -

    ઈસ્માઈલ હનીહને આતંકી સંગઠન હમાસના ટોપ લીડર રહેલા શેખ અહેમદ યાસીનની નજીકનો ચહેરો ગણવામાં આવતો હતો. વર્ષ 1997માં તેને શેખ અહેમદ યાસીનનો (Sheikh Ahmed Yassin) પર્સનલ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તે આતંકી સંગઠનમાં સતત આગળ વધતો રહ્યો હતો. ઇઝરાયેલ પર વારંવાર હુમલા કરવાના ષડયંત્રો રચનારો પણ ઈસ્માઈલ હનીહ જ હતો. CNNના રિપોર્ટ અનુસાર, ઈસ્માઈલ હનીહ લાંબા સમયથી ઇઝરાયેલી ગુપ્તચર એજન્સી મોસાદનો ‘પ્રાઇમ ટાર્ગેટ’ હતો. વર્ષ 2003માં મોસાદે ઈસ્માઈલ હનીહ અને શેખ અહેમદ યાસીનને મારવા માટેનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ તેમાં ધારી સફળતા મળી શકી નહોતી. પરંતુ તે ઘટનાના થોડા જ મહિનામાં શેખ અહેમદ યાસીનની હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારબાદથી હનીહને હમાસનો સુપ્રીમ લીડર (Supreme Leader) જાહેર કરી દેવામાં આવ્યો હતો. યાસીનની હત્યા બાદથી તે ક્યારેક જ સાર્વજનિક રીતે નજરે ચડતો હતો. બાકીનો સમયમાં તે અંડરગ્રાઉન્ડ રહેતો હતો.

    ઇસ્લામિક કટ્ટરતાના કારણે તે પેલેસ્ટાઇનમાં (Palestine) ખૂબ લોકપ્રિય બની ગયો હતો. કટ્ટરવાદી અને રૂઢિવાદી મુસ્લિમોએ તેને પોતાનો ‘મસીહા’ ગણ્યો હતો. ધીરે-ધીરે તેણે હમાસમાં પણ પોતાનું કદ વિશાળ કરી દીધું હતું. કટ્ટરપંથી મુસ્લિમોનું તેને ખુલ્લુ સમર્થન હતું. જેના કારણે તે કોઈપણ હુમલા માટે ખચકાતો નહોતો. હમાસમાં પણ યાસીન પછીનો તે સૌથી મોટો લીડર બની ગયો હતો. યાસીનના મોત બાદ હમાસનો તમામ વહીવટ પણ તે પોતે જ સંભાળતો હતો. તે કતરમાં (Qatar) રહીને આતંકી સંગઠન હમાસને ચલાવી રહ્યો હતો.

    કેવી રીતે બન્યો પેલેસ્ટાઇનનો વડાપ્રધાન?

    આતંકી સંગઠન હમાસ પેલેસ્ટાઇમના રાજકારણમાં વિશાળ કદ ધરાવે છે. હમાસના પોલિટિકલ વિંગને પેલેસ્ટાઇનના કટ્ટરપંથી મુસ્લિમોનું સમર્થન મળી રહ્યું હતું. વર્ષ 2006માં હમાસે પેલેસ્ટાઇનની ચૂંટણીમાં જીત નોંધાવી હતી. બહુમતી મળ્યા બાદ હમાસે ઈસ્માઈલ હનીહને પેલેસ્ટાઇનના વડાપ્રધાન પદ તરીકે નિયુકત કર્યો હતો. હનીહ વડાપ્રધાન તો બની ગયો, પરંતુ અમેરિકા (USA) અને ઇઝરાયેલ સહિતના અનેક દેશોએ તેનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. દરમિયાન દુનિયાના અનેક દેશોએ પેલેસ્ટાઇન માટેના ફંડિંગને અટકાવી દીધું હતું. ઘણા સમય સુધી દુનિયાના અનેક દેશોએ પેલેસ્ટાઇનનો વિરોધ ચાલુ રાખ્યો હતો.

    પરિસ્થિતિ જ્યારે ગંભીર બની ત્યારે પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિએ પણ એક્શનમાં આવવું પડ્યું હતું. આખી દુનિયાનો વિરોધ સહન કર્યા બાદ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમુદ અબ્બાસે વર્ષ 2007માં આખરે ઈસ્માઈલ હનીહને વડાપ્રધાનના પદ પરથી હાંકી કાઢ્યો હતો અને તેની સરકારને પણ તોડી પાડી હતી. ત્યારબાદ પણ પેલેસ્ટાઇનમાં ઘણી હલચલ મચી હતી અને હનીહના સમર્થકોએ આ ઘટનાનો વિરોધ પણ કર્યો હતો. પરંતુ હનીહ ફરીવાર વડાપ્રધાન બની શક્યો નહીં. ત્યારબાદ તે ગાઝા પટ્ટીના વિસ્તારમાં હમાસના પોલિટિકલ ચીફ તરીકે કામ કરતો રહ્યો હતો.

    હમાસની તરફેણમાં બનાવી રહ્યો હતો હવા

    નોંધવા જેવું છે કે, ઈસ્માઈલ હનીહે માત્ર 16 વર્ષની ઉંમરે જ સગા ચાચાની પુત્રી અને પોતાની બહેન અમલ હનીહ સાથે નિકાહ કરી લીધા હતા. નિકાહ બાદ તે 13 બાળકોનો અબ્બુ બન્યો હતો. જેમાં 8 પુત્ર અને 5 પુત્રીઓનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ ઇઝરાયેલની એરસ્ટ્રાઈકમાં (Israeli Airstrike) તેના 10 સંતાનોના મોત થયા હતા. તેના 3 પુત્રો હમણાં સુધી જીવિત હતા, પરંતુ થોડા સમય પહેલાં જ ઇઝરાયેલી સેનાએ તેને પણ ઠાર માર્યા હતા. આખા પરિવારને તબાહ કરીને હનીહ દુનિયાભરના દેશોમાં હમાસની તરફેણમાં હવા બનાવવામાં વ્યસ્ત થઈ ગયો હતો. તાજેતરમાં વર્ષોમાં તે ઇસ્લામિક દેશોમાં જઈને હમાસની વાતો કરીને ફંડિંગની વ્યવસ્થા કરતો હતો અને તે જ ફંડ પરથી તે આતંકી હુમલા (Terrorist Attacks) કરાવતો હતો.

    વર્ષ 2019માં તે તુર્કી અને કતર ગયો હતો. ત્યારબાદ તે ઘણીવાર ઈરાન પણ ગયો હતો. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના નેતા કાસિમ સુલેમાનીના મોત બાદ પણ તે ત્યાં ગયા હતો. 2022માં સિરીયાના રાષ્ટ્રપતિ બસર અલ અસદ સાથે પણ તેણે મુલાકાત કરી હતી. અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાને (Taliban) સત્તા હાંસલ કરી લીધી તો હનીહ ત્યાં પણ ગયો હતો અને તાલિબાની નેતા અબ્દુલ ગની બારાદરને શુભકામનાઓ પણ આપી હતી.

    ઇઝરાયેલ પર હુમલા બાદથી હતો અંડરગ્રાઉન્ડ

    7 ઓકટોબર, 2023ના રોજ આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પર હુમલો કરી દીધો હતો. જેમાં હજારો ઇઝરાયેલી નાગરિકોના મોત થયા હતા. અનેક મહિલાઓના રેપ કરવામાં આવ્યા હતા અને નાના બાળકોને પણ મારી નાખવામાં આવ્યા હતા. જવાબી કાર્યવાહીમાં ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં તાંડવ મચાવી દીધો હતો. ઇઝરાયેલે હમાસને ખતમ કરવાની કસમ ખાઈ લીધી હતી. જે બાદ ઇઝરાયેલી સેના હમાસના ચીફ ઈસ્માઈલને શોધી રહી હતી. ડરના કારણે તે પણ અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. કોઈ જાણતું નહોતું કે તે કઈ જગ્યા પર છે. ઇઝરાયેલ તેને છેલ્લા ઘણા મહિનાઓથી શોધી રહ્યું હતું. આ તમામ ઘટના બાદ તે ઈરાન ગયો હતો અને ત્યાં જ તેની હત્યા કરી નાખવામાં આવી છે.

    આતંકી સંગઠન હમાસનો ચીફ ઈસ્માઈલ ઇઝરાયેલનો સૌથી મોટો દુશ્મન ગણાતો હતો. તેને શોધવા માટે ઇઝરાયેલી એજન્સીઓ ઘણા સમયથી મહેનત કરી રહી હતી. ઇઝરાયેલી સેના તેને મારવા માટે ઘણા પ્રયાસો પણ કરી ચૂકી હતી. પરંતુ દર વખતે ઈસ્માઈલ બચીને ભાગી જતો હતો. પરંતુ આ વખતે ઈરાનમાં અચાનક જ તેની હત્યા કરી નાખવામાં આવી છે. જોકે, તેની હત્યા પાછળ કોનો હાથ છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં