Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતસાપુતારા ખાતે 'સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024' શરૂ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા...

    સાપુતારા ખાતે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024’ શરૂ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પર્વનો શુભારંભ, એક મહિના સુધી કરવામાં આવશે ઉજવણી

    બોટ હાઉસ ગ્રાઉન્ડ, સાપુતારા ખાતે આવેલી પ્રવાસન નિગમની તોરણ હોટેલ સામેથી રંગબેરંગી પરેડ સાથે આ ફેસ્ટિવલ નો પ્રારંભ થશે. આ પરેડમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રો, મનોરંજક પાત્રો, અલગ-અલગ વેશભૂષામાં પાત્રો, આદિવાસી નૃત્ય તેમજ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવશે.

    - Advertisement -

    ગિરિમથક સાપુતારા (Saputara) ખાતે આજથી ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024’ શરૂ થવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા પર્વનો શુભારંભ કરાવવામાં આવશે. મેઘ મલ્હાર પર્વ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસન સાથે-સાથે સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપીને ટ્રાઈબલ વિસ્તારોને આર્થિક રીતે મજબૂતી આપવાનો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2009થી આ ચોમાસું તહેવારની ઉજવણી શરૂ કરાવી હતી. આ વર્ષે 29 જુલાઈ થી 28 ઓગસ્ટ- 2024 એમ એક માસ સુધી સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનું (Monsoon Festival) ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર બોટ હાઉસ ગ્રાઉન્ડ, સાપુતારા ખાતે આવેલી પ્રવાસન નિગમની તોરણ હોટેલ સામેથી રંગબેરંગી પરેડ સાથે આ ફેસ્ટિવલ નો પ્રારંભ થશે. આ પરેડમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રો, મનોરંજક પાત્રો, અલગ-અલગ વેશભૂષામાં પાત્રો, આદિવાસી નૃત્ય તેમજ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવશે. પરેડ બાદ સાપુતારા તળાવ પાસે તૈયાર કરવામાં આવેલ વિશાળ ડોમમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના અંતે સાપુતારા સર્કલ પાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘રેઇન રન મેરેથોન’નું (Rain Run Marathon) ફ્લેગ ઓફ કરાવશે.

    સ્થાનિક રોજગારને પ્રોત્સાહન આપવા અલગ-અલગ કાર્યક્રમ

    આટલું જ નહીં, સાપુતારા આવતા પર્યટકો ડાંગની (Dang) સ્થાનિક સંસ્કૃતિ સાથે પરિચય કેળવે અને સ્થાનિક કલાકારોને પણ વધુ રોજગારી મળી રહે તે હેતુથી કાર્યક્રમના મુખ્ય ડોમ ખાતે શુક્ર-શનિ-રવિ-જાહેર રજાના દિવસે તેમજ સાપુતારા મેઇન સર્કલ અને ગવર્નર હિલ ખાતે સાંજના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે ખાસ દહીં-હાંડી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

    - Advertisement -

    મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પર્યટકો સાપુતારા તેમજ આસપાસના 18 સ્થળો પર ફરશે. જેમાં, ઇકો ટુરીઝમ કેમ્પ સાઈટ-મહલ, એક્વેરિયમ, ઇકો પોઇન્ટ, ગાંધર્વપુર આર્ટિસ્ટ વિલેજ, ગીરા ધોધ, ગવર્નર હિલ, હાથગઢનો કિલ્લો, મધમાખી ઉછેર કેન્દ્ર, સંગ્રહાલયો, નાગેશ્વર મહાદેવ મંદિર, પૂર્ણા અભયારણ્ય, રોઝ ગાર્ડન,સાપુતારા તળાવ, સાપુતારા આદિજાતિ સંગ્રહાલય, સ્ટેપ ગાર્ડન, સનરાઇઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ અને પ્રસિદ્ધ વાંસદા નેશનલ પાર્કનો સમાવેશ થાય છે.

    દર વર્ષે યોજાતા આ કાર્યક્રમથી ડાંગમાં પ્રવાસન વધ્યું

    ઉલ્લેખનીય છે કે જ્યારથી સાપુતારા મેઘ મલ્હાર પર્વની (Saputara Megh Malhar Parva 2024) શરૂઆત થઈ છે, આખા ડાંગ જિલ્લાની કાયા પલટ થઈ ગઈ છે. પર્યટકોના ધસારાના કારણે ડાંગ અને તેના આસપાસના વિસ્તારોમાં રોજગાર સાથે આવકના સ્ત્રોત વધ્યા છે, જેથી સ્થાનિક જન-જીવન સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છે. સાપુતારામાં દર વર્ષે ચોમાસામાં સરેરાશ 255 સે.મી જેટલો વરસાદ પડે છે, આ કારણે અહીં કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે, જે રાજ્ય તેમજ રાજ્ય બહારના પ્રવાસીઓને વિશેષ રીતે આકર્ષિત કરે છે.

    જો ડાંગના સાપુતારાની વાત કરીએ તો તેને ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન કહી શકાય. તે દરિયાની સપાટીથી લગભગ 3000 ફૂટની ઊંચાઈ પર છે. ગુજરાત સરકારના પ્રયત્ન વિભાગ દ્વારા સાપુતારામાં અદ્યતન સુવિધાઓથી સુસજ્જ ગેસ્ટ હાઉસ, સ્વિમિંગ પુલ, બોટ ક્લબ, ઓડિટોરિયમ, રોપ વે અને મ્યુઝિયમ જેવી સુવિધા આપતું આયોજિત હિલ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે. અખૂટ કુદરતી સૌન્દર્ય ધરાવતા ગિરિમથક સાપુતારા ખાતે સીએમની ઉપસ્થિતિમાં યોજાનાર ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024’ના ઉદ્ઘાટન સમારોહમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, વલસાડના સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ વગેરે સહભાગી થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં