Monday, November 25, 2024
More
    હોમપેજક્રાઈમભારતીય ન્યાય સંહિતા લાગુ થયા બાદ જુગારના કેસમાં આરોપીઓને પહેલી વખત ન...

    ભારતીય ન્યાય સંહિતા લાગુ થયા બાદ જુગારના કેસમાં આરોપીઓને પહેલી વખત ન મળ્યા જામીન: રાજકોટમાં ક્લબ ચલાવતા એજાઝ સહિત 8ને જેલહવાલે કરાયા

    રાજકોટ LCBને બાતમી મળી હતી કે, બેડી ગામથી હડમતિયા તરફ જવાના રસ્તે સરકારી ખરાબામાં કુખ્યાત એજાઝ ટકો ઘોડીપાસાનું જુગાર ક્લબ ચલાવે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતાં કુલ 8 લોકો જુગાર રમતા ઝડપાયા હતા.

    - Advertisement -

    ગુજરાતમાં પ્રથમ વાર એવું બન્યું છે કે કોઈ જુગારના આરોપીઓને જમીન ન આપીને સીધા જેલમાં ધકેલી દેવામાં આવ્યા હોય. આ કાર્યવાહી નવા લાગુ થયેલા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા (BNS) અંતર્ગત કરવામાં આવી છે. તાજેતરમાં રાજકોટ પોલીસે બાતમીના આધારે ગુજસીટોકના ગુનામાં પકડાઇ ચૂકેલા કુખ્યાત એજાઝ ઉર્ફે ટકાના જુગાર ક્લબ પર દરોડા પાડીને લાખોના મુદ્દામાલ સાથે 8ની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ BNS અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામને ન્યાયિક કસ્ટડીમાં (જેલ) મોકલી આપ્યા હતા.

    મામલાની વધુ વિગતો અનુસાર, રાજકોટ LCBને બાતમી મળી હતી કે, બેડી ગામથી હડમતિયા તરફ જવાના રસ્તે સરકારી ખરાબામાં કુખ્યાત એજાઝ ટકો ઘોડીપાસાનું જુગાર ક્લબ ચલાવે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતાં કુલ 8 લોકો જુગાર રમતા ઝડપાયા હતા.

    રાજકોટ પોલીસે ક્લબ સંચાલક એજાઝ ઉર્ફે ટકો, હાજી ઈસ્માઈલ જુણેજા, સદામ ઉર્ફે ઇમુ હુશેનભાઈ શેખ, યુસુફ ઉર્ફે બકરો હબીબ ઠેબા, મહેબૂબ અલ્લારખા અજમેરી, ઇમ્તીયાઝ ઉર્ફે ઠુઠો અલ્લારખા, પરેશ રમેશભાઈ ઝાલા અને તુષાર રમેશભાઈ લીડિયા નામના આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમની પાસેથી 25,800 રૂપિયા રોકડા, 9 જેટલા મોબાઈલ ફોન અને 7 વાહન મળીને કુલ 3 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ વિરુદ્ધ BNS અંતર્ગત આવતી જુગાર ધારાની કલમ 12 તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 112(2) હેઠળ ગુનો નોંધ્યો હતો.

    - Advertisement -

    અહીં નોંધનીય છે કે સામાન્ય રીતે જુગારનો ગુનો જામીનપાત્ર હોવાના કારણે પોલીસ મથકેથી જામીન આપી દેવામાં આવતા હોય છે. પરંતુ આ ગુનામાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 112 (નાણા સંબંધિત સંગઠિત ગુનો) પણ ઉમેરી હતી, જેમાં 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જેના કારણે આ કલમ હેઠળ જામીન કોર્ટમાંથી જ લેવા પડે છે અને પોલીસ સ્ટેશનેથી મળી શકતા નથી. જેના કારણે પછીથી તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે આ દરોડામાં ભગવતીપરાનો જુમ્મો ઠેબા, જાવેદ ઉર્ફે પાઈદુ હુશેન કુરેશી અને અનિલ વેલજી ચૌહાણ નામના આરોપીઓ ભાગી જતાં તે ત્રણેયને વૉન્ટેડ જાહેર કરીને પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ આ ક્લબ ચલાવનાર એજાઝ ઉર્ફે ટકો આ પહેલાં પણ અનેક ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. તેની સામે આ અગાઉ પણ જુગાર, લૂંટ અને ગુજસીટોક સહિતની કલમ હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં