શુક્રવારે (26 જુલાઈ) આખા દેશે કારગિલ વિજય દિવસ ઉજવ્યો. 25 વર્ષ પહેલાં 1999માં ભારતીય સેનાએ કારગિલમાં ઘૂસી આવેલી પાકિસ્તાન સેનાને આજના જ દિવસે યુદ્ધમાં પરાસ્ત કરી હતી. ખાસ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારગિલના દ્રાસ ખાતે સેના કેમ્પ પહોંચ્યા. અહીં તેમણે પાકિસ્તાનને કડક શબ્દોમાં સૂચના આપી સાથે અગ્નિપથ યોજના પર ચાલતા વિપક્ષી પ્રોપગેન્ડા પર પણ જવાબ આપ્યો.
વડાપ્રધાને કહ્યું, “પાકિસ્તાને ભૂતકાળમાં જેટલા પણ દુષ્પ્રયાસ કર્યા, તેના કારણે પછડાટ ખાવી પડી. પણ પાકિસ્તાને પોતાના ઇતિહાસથી કશું શીખ્યું નથી. તેઓ આતંકવાદના સહારે, પ્રોક્સી વૉરના સહારે પોતાને પ્રાસંગિક બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આજે હું જ્યારે એ સ્થાનથી બોલી રહ્યો છું, જ્યાં આતંકના આકાઓને મારો અવાજ સીધો સંભળાય રહ્યો છે. હું આતંકવાદના સરપરસ્તોને કહેવા માંગું છું કે તેમના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં થાય.”
#WATCH | Ladakh: PM Narendra Modi says, "Pakistan has failed in all its nefarious attempts in the past. But Pakistan has not learned anything from its history. It is trying to keep itself relevant with the help of terrorism and proxy war. Today I am speaking from a place where… pic.twitter.com/HQbzjcVKVq
— ANI (@ANI) July 26, 2024
PM મોદીએ આગળ કહ્યું, “આતંકવાદને આપણા જાંબાઝ પૂરેપૂરી શક્તિ સાથે કચડી નાખશે. દુશ્મનને જડબાતોડ જવાબ આપવામાં આવશે.” તેમણે ઉમેર્યું, “લદાખ હોય કે જમ્મુ-કાશ્મીર, વિકાસ સામે આવતા દરેક પડકારને ભારત પરાસ્ત કરીને જ રહેશે.”
અગ્નિપથ યોજનાથી દેશની શક્તિ વધશે: PM મોદી
આ સિવાય પીએમ મોદીએ પોતાના સંબોધનમાં અગ્નિપથ યોજના વિશે પણ અગત્યની વાત કહી. તેમણે કહ્યું, “છેલ્લાં થોડાં વર્ષોમાં અનેક સાહસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. સેના દ્વારા કરવામાં આવેલા જરૂરી સુધારાનું એક ઉદાહરણ અગ્નિપથ યોજના પણ છે. દાયકાઓ સુધી સંસદથી લઈને અનેક સમિતિમાં સેનાઓને ‘યુવા’ બનાવવાની ચર્ચાઓ થતી રહે છે. ભારતના સૈનિકોની સરેરાશ ઉંમર વૈશ્વિક ઉંમરથી વધુ હોવું આપણા સૌની ચિંતા વધારતું રહ્યું છે. જેથી આ વિષય વર્ષો સુધી અનેક સમિતિઓમાં પણ ઉઠતો રહ્યો છે. પરંતુ દેશની સુરક્ષા સાથે સંબંધિત આ પડકારના સમાધાન માટે અગાઉ ઈચ્છાશક્તિ બતાવવામાં ન આવી. કદાચ અમુક લોકોની માનસિકતા જ હતી કે સેનાનો અર્થ નેતાઓને સલામ કરવી અને પરેડ કરવી. પરંતુ અમારા માટે સેનાનો અર્થ છે 14૦ કરોડ દેશવાસીઓની આશા અને 140 કરોડ દેશવાસીઓની શાંતિની ગેરેન્ટી, સેનાનો અર્થ દેશની સરહદની સુરક્ષાની ગેરેન્ટી.”
તેમણે કહ્યું કે, “અગ્નિપથ યોજના દ્વારા દેશે આ મહત્વપૂર્ણ સપનું સાકાર કર્યું છે. આ યોજનાનો લક્ષ્યાંક સેનાને યુવા બનાવવાનું છે. તેનું લક્ષ્યાંક સેનાને યુદ્ધ માટે નિરંતર યોગ્ય બનાવવાનું છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત આટલા સંવેદનશીલ વિષયને અમુક લોકોએ રાજકારણનો વિષય બનાવી લીધો છે. અમુક સેનાના આ સુધારા પર પણ વ્યક્તિગત સ્વાર્થમાં રાજકારણ કરી રહ્યા છે. આ એ જ લોકો છે જેમણે હજારો કરોડનાં કૌભાંડ કરીને આપણી સેનાને કમજોર કરી હતી. આ એ જ લોકો છે જેઓ ઇચ્છતા હતા કે એરફોર્સને ક્યારેય આધુનિક ફાઈટર જેટ ન મળે.”
PM મોદીએ કહ્યું કે, “સત્ય એ છે કે અગ્નિપથ યોજનાથી દેશની શક્તિ વધશે અને દેશનો સામર્થ્યવાન યુવા પણ માતૃભૂમિની રક્ષા માટે આગળ આવશે. ખાનગી ક્ષેત્ર અને પેરામિલિટરી ફોર્સમાં પણ અગ્નિવીરોને પ્રાથમિકતા આપવાની ઘોષણા કરવામાં આવી ચૂકી છે.”
સરકાર શું પેન્શનના પૈસા બચાવવા યોજના લાવી છે?
તેમણે કહ્યું, “હું હેરાન છું. અમુકની સમજને શું થયું છે. તેમની વિચારસરણીને શું થયું છે. એવો ભ્રમ ફેલાવી રહ્યા છે કે સરકાર પેન્શનના પૈસા બચાવવા માટે આ યોજના લઈને આવી છે. મને આવા લોકોની વિચારસરણી પર શરમ આવે છે. પણ હું પૂછવા માંગું છું કે આજે મોદીના શાસનકાળમાં જેની ભરતી થશે તેનું પેન્શન આજે જ આપવાનું છે? તેને પેન્શન આપવાની નોબત 30 વર્ષ બાદ આવશે અને ત્યારે મોદી 105 વર્ષના હશે. તો શું 30 વર્ષ પછીનું પેન્શન બચાવવા માટે મોદી આજે ગાળો ખાશે?”
‘મારા માટે દળ નહીં દેશ સર્વોપરિ છે’ તેમ કહેતાં વડાપ્રધાને ઉમેર્યું કે, “આજે હું ગર્વથી કહેવા માંગું છું કે સેનાઓ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનું અમે સન્માન કર્યું છે અને અમે ‘રાજનીતિ’ માટે નહીં ‘રાષ્ટ્રનીતિ’ માટે કામ કરીએ છીએ. અમારા માટે રાષ્ટ્રની સુરક્ષા સર્વોપરિ છે. અમારા માટે 140 કરોડની શાંતિ પ્રાથમિકતા છે. જેઓ દેશના યુવાઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે, તેમનો ઇતિહાસ સાક્ષી છે કે તેમને સૈનિકોની કોઇ પરવા નથી. આ એ જ લોકો છે જેમણે એક 500 કરોડ જેવી મામૂલી રકમ દેખાડીને વન રેન્ક, વન પેન્શન પર જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. પણ અમારી જ સરકાર છે, જેણે વન રેન્ક, વન પેન્શન લાગુ કર્યું અને પૂર્વ સૈનિકોને સવા લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.”