નાણામંત્રી નિર્મલા સીતારમને લોકસભામાં કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કર્યું છે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યું કે બજેટમાં ગરીબ, મહિલા, યુવા અને અન્નદાતા આ ચાર જાતિઓ પર સૌથી વધુ ધ્યાન અપાયું છે. આ સાથે, નાણાકીય બજેટમાં 9 ક્ષેત્રો પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા સતત સારું પ્રદર્શન કરી રહી છે. વૈશ્વિક અર્થતંત્ર અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે. નાણામંત્રીએ કહ્યું કે ભારતનો આર્થિક વિકાસ સારો રહ્યો છે. બજેટ અંતર્ગત નાણામંત્રી અને તેમની ટીમે વિકાસ અર્થે વિવિધ યોજના માટે નાણાં ફાળવ્યા છે.
બજેટ 2024-25માં મુખ્ય 9 ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો છે. ‘વિકસિત ભારત’ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને મોદી સરકારે 9 પ્રાથમિકતાઓ નક્કી કરી છે જેમાં દેશના તમામ લોકોને સમાન તક મળી રહે. 9 પ્રાથમિકતાઓ આ પ્રમાણે છે – કૃષિમાં ઉત્પાદકતા એન સ્થિતિસ્થાપકતા, રોજગાર અને કૌશલ્ય, સમાવેશી માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય, વિનિર્માણ અને સેવાઓ, શહેરી વિકાસ, કટોકટીની સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રકચર, ઇનોવેશન સંશોધન અને વિકાસ, આગામી પેઢીઓમાં સુધાર. શિક્ષા રોજગાર અને કૌશલ્ય માટે ₹1.48 લાખ કરોડ ફાળવવામાં આવશે.
પીએમ સૂર્યઘર યોજના હેઠળ 300 યુનિટ ફ્રી વીજળી
ઉર્જા સુરક્ષા અંતર્ગત પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને આવરી લેવામાં આવી છે. આ યોજના અંતર્ગત રૂફટોપ સોલાર પ્લાન્ટથી દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવવા માટે 1.28 કરોડ રજીસ્ટ્રેશન થયા છે અને 14 લાખ અરજીઓ મળી છે. જેના પર હવે કાર્ય કરવામાં આવશે.
25000 ગામડાઓમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો વિસ્તાર
ઉલ્લેખનીય છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના 3 ચરણ પૂરા થઈ ચૂક્યા છે. બજેટ ભાષણમાં નાણામંત્રીએ PMGSYના ચોથા ચરણની શરૂઆત કરવાનો ઉલ્લેખ કર્યો છે. આ યોજના અંતર્ગત 25000 ગામડાઓને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે રાજ્યોમાં દર વર્ષે પૂર જેવી સ્થિતિ નિર્માણ થાય છે ત્યાં રસ્તાઓ બનાવવા પર વધુ ભાર અપાશે અને બાકીના રાજ્યોમાં પણ રસ્તાઓના પુન:નિર્માણ માટેના કર્યો હાથ ધરવામાં આવશે.
80 કરોડ લોકોને ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો મળશે લાભ
બજેટ 2024-25 અનુસાર ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું આગામી ચરણ પણ હવે શરૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને દર મહિને 5 કિલો અનાજ મફત આપવામાં આવતું હતું. 80 કરોડથી વધુ લોકોને લાભ આપવા માટે આ યોજના ચલાવવામાં આવી રહી છે.
પૂર્વોદય વિકાસ યોજનાથી સમાવેશી વિકાસ
પૂર્વના રાજ્યોના વિકાસને ધ્યાનમાં લઈને સરકારે પૂર્વોદય વિકાસ યોજના લાવવાનું કહ્યું છે. આ યોજના અંતર્ગત બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશના વિકાસ પર ભાર મૂકવામાં આવશે. ઉપરાંત નાના કામદારો માટે આંતરરાષ્ટ્રીય બજાર, મહિલાઓ, જનજાતિ વિકાસ જેવી મહત્વની બાબતો પર ધ્યાન મૂકવામાં આવ્યો છે.