જમ્મુ કાશ્મીરથી (Jammu & Kashmir) મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજૌરીમાં આર્મી કેમ્પ પર ભીષણ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. વહેલી સવારે સેનાના કેમ્પ પર આડેધડ ગોળીબાર કરવામાં આવ્યો. જોકે સેનાએ તેનો જડબાતોડ જવાબ આપીને હુમલો નાકામ કરી દીધો હતો. ઘટનામાં એક જવાન ઘાયલ થયો હોવાનું સામે આવી રહ્યું છે. હાલ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદીઓએ રાજૌરીના (Rajauri) એક અંતરિયાળ ગામમાં બનાવવામાં આવેલા સેનાના એક કેમ્પને નિશાન બનાવ્યો હતો. વહેલી સવારે 3:30 વાગ્યે આ હુમલો થયો. આતંકવાદીઓએ (Terrorists) કેમ્પ પર આડેધડ ધાણીફૂટ ગોળીબાર કરી દીધો. જોકે સતત સતર્ક રહેતી ભારતીય સેનાએ તરત સામો મોરચો સંભાળ્યો અને હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
Major terror attack on Army picket in remote village of Rajouri thwarted. Firing underway. More details awaited: PRO Defence Jammu pic.twitter.com/dOjh25MQZU
— ANI (@ANI) July 22, 2024
સેના દ્વારા કરવામાં આવેલી વળતી કાર્યવાહી એટલી ભીષણ હતી કે હુમલાખોર આતંકવાદીઓને પીછેહઠ કરવી પડી, દરમિયાન મોકો જોઈ તે ભાગી છૂટ્યા. આ દરમિયાન સેનાએ આખા વિસ્તારની ઘેરાબંધી કરી લીધી અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. હુમલો કરનાર આતંકવાદી (Terrorist Attack) કેટલા હતા તે હજુ સુધી નથી જાણી શકાયું. બીજી તરફ હુમલામાં એક જવાન ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
નોંધનીય છે કે આ કેમ્પ તાજેતરમાં જ બનાવવામાં આવ્યો છે, તે રાજૌરીમાં આવેલ ગુંડા ગામમાં આવેલો છે. વહેલી સવારે આતંકવાદી હુમલો કરીને આતંકીઓ સેનાનું ભારે નુકસાન કરવા માંગતા હતા. પરંતુ સતર્ક અને બહાદુર જવાનોએ તરત જ મોરચો સાંભળી જવાબી કાર્યવાહી કરતા હુમલો નાકામ થયો હતો. જોકે આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યા, જેને લઈને હાલ મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઝડપથી તેમને શોધી લેવામાં આવશે અને સંબંધિત કાર્યવાહી કરવામાં આવશે.
થોડા દિવસો પહેલા જ ડોડા આતંકવાદી હુમલમાં 4 જવાન વીરગતી પામ્યા હતા
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલ સમયથી ઘાટીમાં આતંકવાદીઓની ચહલપહલ વધી છે. તાજેતરમાં જ એક સર્ચ ઓપરેશન દરમિયાન ડોડામાં (Doda) સેનાની ટુકડી પર આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરી દીધો હતો. આ હુમલામાં એક અધિકારી સહિત 4 જવાન વીરગતી પામ્યા હતા. તે સમયે જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાની રાષ્ટ્રીય રાઈફલ (RR) એક જોઈન્ટ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. ઈનપુટના આધારે તેમણે ઉરગાબીમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન લોન્ચ કર્યું. દરમિયાન સામેથી ધાણીફૂટ ગોળીબાર કરવામાં આવ્યો. આ ગોળીબાર લગભગ 20 મિનીટ સુધી ચાલ્યો હતો.
આ હુમલામાં સેનાના એક અધિકારી સહિત ચાર જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. તાત્કાલિક તેમને વોરફિલ્ડમાંથી કાઢીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તમામે દેશની સેવામાં સર્વોચ્ચ બલીદાન આપી દીધું હતું. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર પોલીસના એક કર્મચારી પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનામાં આતંકવાદીઓને આશરો આપીને મદદ કરવા બદલ સ્થાનિક પોલીસે શૌકત અલી નામના એક ઇસમની ધરપકડ પણ કરી હતી.