ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારમાં અતિભારે તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદના કારણે માનવ જીવન ઠપ થઈ ગયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પોરબંદર-દ્વારકામાં જળપ્રલય જોવા મળી રહ્યો છે. રોડ-રસ્તાથી લઈને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદથી આખા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.
ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યા છે. પોરબંદર-દ્વારકામાં જળબંબાકારની સ્થતિનું નિર્માણ થયું છે. દ્વારકા અને પોરબંદર વિસ્તારમાં આભ ફાટ્યું હોવાથી તારાજી સર્જાઇ છે. જોકે, આખા સૌરાષ્ટ્રમાં તેની અસરો જોવા મળી છે. કેશોદના બામણાસા ઘેડ પાસે ભારે વરસાદથી ઓઝત નદીનો પાળો તૂટી પડ્યો છે. જેથી ત્યાં ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે અને ગામમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યાં હાજર લોકો પણ જીવ બચાવીને ભાગ્યા છે. બીજી બાજુ જામજોધપુરના ફુલઝર ડેમ પર વીજળી ત્રાટકી હતી. પોરબંદર અને દ્વારકામાં તો જિલ્લા વહીવટી તંત્રની ટીમોએ ફિલ્ડમાં રહીને જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું હતું.
બંને જિલ્લાના અનેક લોકોને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. પશુ-પ્રાણીઓને પણ જોખમથી દૂર કરવામાં આવ્યા છે. હાલ પણ જિલ્લા વહીવટી તંત્રની ટીમો ખડેપગે છે. પોરબંદરના કલેકટર કેડી લાખાણીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર પહેલાંથી જ એલર્ટ પર હતું અને વિવિધ ટીમો બનાવીને ત્વરિત પગલાં લેવા માટે પણ સક્ષમ હતું. અતિભારે વરસાદ પડવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી.
રાજ્ય સરકારના સંકલનમાં રહીને પોરબંદર જિલ્લામાં ઝીરો કેઝ્યુંઆલિટીના અભિગમ સાથે જિલ્લા પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવી છે. જિલ્લાના અધિકારીઓ સાથે કલેકટર દ્વારા બેઠક પણ કરવામાં આવી હતી. જેમાં વરસાદી પાણી ગામમાં લોકોના ઘરમાં ન ઘૂસે અને નીચાણ વાળા વિસ્તારોમાં જરૂર પડે ત્યાં સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે કોલીખડા ગામમાં 204 વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ પરિવારો માટે પ્રાથમિક શાળામાં ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
રાત્રે રાણાવાવ ગામમાં લોકોના ઘરમાં પાણી ફરી વળતા એક માતા-પુત્રી અંદર ફસાયા હતા તેમને પણ રેસ્ક્યુ ટીમોએ સલામત રીતે બહાર કાઢવાની કામગીરી કરી હતી. એ જ રીતે દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ ભારવાડા નજીક રસ્તામાં અચાનક વરસાદી પાણી આવી જતા બંધ પડી ગઈ હતી. એમ્બ્યુલન્સ ડૂબે એ પહેલાં જ દર્દી અને તેમના સગાને બચાવી લેવાયા હતા. એકંદરે પાણીગ્રસ્ત એરિયામાં ફસાયેલા 11 વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોરબંદર અને દ્વારકા જિલ્લામાં અનેક સુવિધાઓ ઠપ પડી છે.