પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાંથી શનિવારે સાંજે પોલીસે ઝારખંડના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોની મોટા પ્રમાણમાં રોકડા પૈસા સાથે ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ત્રણેયની ઓળખ ઈરફાન અન્સારી, રાકેશ કચ્છપ અને નમન વિક્સેલ કોંગારી તરીકે થઇ છે. પૈસા એટલા હતા કે પોલીસે ગણવા માટે નોટ ગણવાનાં મશીન મંગાવવાં પડ્યાં હતાં.
હાવડાના એસપીએ મીડિયાને જણાવ્યું કે, બાતમીના આધારે હાવડાના રાણીહાટી વિસ્તારમાં નેશનલ હાઈ-વે 16 નજીક એક એસયુવી પકડવામાં આવી હતી. ગાડી પર ‘MLA જામતાડા ઝારખંડ’નું બોર્ડ મારવામાં આવ્યું હતું. અમે ઝારખંડ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોની ધરપકડ કરી છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં રોકડા રૂપિયા મળ્યા છે. જોકે, કુલ કેટલા રૂપિયા છે એ ગણી રહ્યા બાદ જ જાણવા મળશે.
એસપીએ આગળ જણાવ્યું કે, એક ગાડીમાં મોટા પ્રમાણમાં રોકડા રૂપિયાની હેરફેર થઇ રહી હોવાના ઇંપ્પુટ મળ્યા હતા. જે બાદ અમે હાઈ-વે પર નાકાબંધી કરીને વાહનોનું ચેકીંગ શરૂ કર્યું હતું. જે દરમિયાન આ ત્રણ ધારાસભ્યોની ગાડી પકડી લાદવામાં આવી હતી. આ પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં લઇ જવામાં આવી રહ્યા હતા તે મામલે હાલ આ ત્રણેય ધારાસભ્યોની પૂછપરછ ચાલી રહી છે.
કોંગ્રેસ ધારાસભ્યો પાસેથી મોટા પ્રમાણમાં કેશ મળી આવ્યા બાદ ઝારખંડ ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે અને કહ્યું કે, કોંગ્રેસ ધારાસભ્યોએ એ જણાવવું જોઈએ કે આ રોકડા રૂપિયા ક્યાંથી આવ્યા હતા? આ ઉપરાંત, ઝારખંડના અપક્ષ ધારાસભ્ય સરયૂ રોયે પણ પ્રશ્ન ઉઠાવતાં કહ્યું કે, “કોંગ્રેસે સ્પષ્ટતા કરવી જોઈએ કે આ ધારાસભ્યો ઝારખંડથી પરત ફરી રહ્યા હતા કે અન્ય કોઈ રાજ્યમાં જઈ રહ્યા હતા. આ પૈસા ક્યાંથી આવ્યા?”
પકડાયેલા ત્રણ ધારાસભ્યોમાંથી પકડાયેલા એક ઈરફાન અન્સારી એ જ છે જેમણે અગ્નિપથ યોજનાનો વિરોધ કરીને કહ્યું હતું કે, દેશ લોહીથી લથબથ થઇ જશે પરંતુ અમે અગ્નિપથ લાગુ નહીં થવા દઈએ. આ ઉપરાંત તેમણે પયગમ્બર મોહમ્મદને લઈને જુમ્માની નમાજ બાદ રાંચીમાં થયેલાં તોફાનોનું પણ સમર્થન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં પશ્ચિમ બંગાળમાંથી કરોડો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. બંગાળની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં થયેલ કૌભાંડ મામલે મમતા બેનર્જી સરકારના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જી અને તેમની સહયોગી અર્પિતા મુખર્જીની ધરપકડ કરવામાં આવી છે. ઇડીએ અર્પિતા મુખર્જીના ઘરે દરોડા પડતાં 50 કરોડ રૂપિયા જપ્ત કરી લીધા હતા. જે બાદ અર્પિતા તેમજ પાર્થ ચેટર્જીની ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.