રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરવા પહોંચેલા ભાજપ કાર્યકરો પર પથ્થરમારાના કેસમાં (Stone Pelting) પકડાયેલા કોંગ્રેસના પાંચ કાર્યકરોના (Congress Workers) જામીન અમદાવાદ સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા છે. કોર્ટે કહ્યું કે, આમ જાહેરમાં પથ્થરમારો કરવો એ અપરાધ છે અને કાયદો હાથમાં લઇ શકાય નહીં. જામીન ફગાવાતાં આ કાર્યકરો હવે જેલમાં જ રહેશે.
આરોપીઓની ઓળખ સંજય બ્રહ્મભટ્ટ, મનીષ ઠાકોર, મુકેશ દંતાણી, વિમલ કંસારા અને હર્ષ પરમાર તરીકે થઈ છે. તમામની ધરપકડ કરીને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડની માંગ કરી હતી. જેના આધારે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં શનિવારે (6 જુલાઈ) તમામને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડી (જેલ)માં મોકલી આપ્યા હતા.
જેલ થયા બાદ તમામે જામીન અરજી મૂકી હતી. આરોપીઓ તરફથી વકીલ ગુલાબખાન પઠાણે દલીલ કરી હતી કે FIRમાં ઘણી વિગતોમાં અતિશયોક્તિ કરવામાં આવી છે તેમજ અમુક આરોપીઓ વિદ્યાર્થીઓ છે અને અમુક નોકરી કરે છે, તેમજ મોટી વયના પણ વ્યક્તિઓ છે. સાથે પોલીસ પર પણ આરોપ લગાવવામાં આવ્યા કે તેઓ બનાવ રોકી શકે તેમ હતા. આરોપીઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે તમામ અમદાવાદના જ રહેવાસી હોવાથી જામીન મળે તો તપાસમાં સહયોગ પણ આપશે.
બીજી તરફ, સરકાર પક્ષે દલીલ કરવામાં આવી હતી કે આરોપીઓ અસામાજિક પ્રવૃતિમાં સંડોવાયેલા હતા અને જામીન ન આપીને સમાજમાં એક દાખલો બેસાડવો જરૂરી છે. કોર્ટે બંને પક્ષે દલીલો સાંભળી અને જામીન અરજીઓ ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે, આમ જાહેરમાં પથ્થરમારો કરી શકાય નહીં અને કાયદો હાથમાં પણ લઇ શકાય નહીં, આ ગુનો છે. હવે આરોપીઓ હાઈકોર્ટ જઈ શકે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.
બીજી તરફ, આ કેસમાં ભાજપ-કોંગ્રેસ બંને પાર્ટીઓનાં મોટાં માથાંનાં નામો FIRમાંથી ગાયબ થઈ જવાના કારણે કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાજપે જ્યારે ફરિયાદ નોંધાવી હતી ત્યારે તેમાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનું પણ નામ હતું, પરંતુ FIRમાં તે ઉમેરવામાં આવ્યું નહીં. બીજી તરફ, કોંગ્રેસની ફરિયાદમાં ધારાસભ્ય શૈલેષ પરમારના ઇશારે ભાજપ ધારાસભ્ય અમિત શાહના પુત્રનું નામ ન લખવામાં આવ્યું હોવાની ફરિયાદો કરવામાં આવી રહી છે.
ભાજપ કાર્યકરોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે પથ્થરમારા દરમિયાન ધરાસભ્ય શૈલેષ પરમાર પણ ટોળાની આગેવાની લઇ રહ્યા હતા તો તેમનું નામ શા માટે લખવામાં આવ્યું નથી? કાર્યકરો કહી રહ્યા છે કે અન્ય પણ કોંગ્રેસના અમુક આગેવાનોનાં નામ FIRમાંથી ગાયબ છે. બીજી તરફ, કોંગ્રેસના અમુક કાર્યકરોને હવે જામીન મળી રહ્યા નથી પરંતુ નેતાઓ બચી ગયા છે. મુદ્દો હાલ ‘ટૉક ઑફ ધ ટાઉન’ બન્યો છે.