PM મોદીની રશિયા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. હાલ તેઓ યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાની મુલાકાત પર છે. 8-9 જુલાઈના રોજ તેઓ રશિયા પ્રવાસ પર હતા. PM મોદીની રશિયા યાત્રા પર અમેરિકા સહિત આખા વિશ્વની નજર હતી. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ વડાપ્રધાન મોદી પહેલીવાર રશિયાની મુલાકાતે ગયા હતા. તે દરમિયાન PM મોદી અને પુતિનની તે જ જૂની દોસ્તી જોવા મળી હતી. હવે તો અમેરિકા પણ મોદી-પુતિનની દોસ્તીને ઓળખી ગયું છે. પહેલાં અમેરિકા વડાપ્રધાન મોદીના રશિયા પ્રવાસ પર નારાજગી દર્શાવતું જોવા મળ્યું હતું. પરંતુ હવે અમેરિકાના સૂર બદલાઈ ગયા છે. અમેરિકાને વિશ્વાસ થઈ ગયો છે કે, માત્ર ભારત જ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાવી શકે છે.
PM મોદીની રશિયા યાત્રા બાદ અમેરિકાની પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકાના સૂર હવે બદલાતા જોવા મળી રહ્યા છે. વડાપ્રધાનની રશિયા યાત્રા પર વાઇટ હાઉસના પ્રવક્તા કેરિન જીન-પિયરે આધિકારિક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “ભારત અને રશિયા એક રણનીતિક ભાગીદાર છે. બંને દેશો વચ્ચે દરેક મુદ્દાઓ પર સ્પષ્ટ વાતચીત થાય છે. યુક્રેનની વાત આવે તો ભારત સહિતના તમામ દેશો શાંતિનું સમર્થન કરે છે. અમેરિકાનું માનવું છે કે, ભારત પાસે તે ક્ષમતા છે કે, તે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાવી શકે.”
તેમણે કહ્યું કે, “ભારત રશિયા સાથે વાતચીત કરીને યુદ્ધને અટકાવી શકે છે. તે રાષ્ટ્રપતિ પુતિન સાથે સીધી વાત કરી શકે છે. તેમના દીર્ઘકાલીન સંબંધો તેમને પુતિન સાથે વાત કરવા માટેની ક્ષમતા આપે છે. ભારત રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધને અટકાવી શકે છે. જોકે, આખરી નિર્ણય રાષ્ટ્રપતિ પુતિનનો જ રહે છે. રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધ શરૂ કર્યું છે અને તેઓ જ આ યુદ્ધને પૂર્ણ કરી શકે છે.”
અમેરિકાનું આ નિવેદન વડાપ્રધાન મોદીના પુતિનને અપાયેલા સંદેશ બાદ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે (9 જુલાઈ) શિખર મંત્રણા દરમિયાન વડાપ્રધાન મોદીએ યુક્રેન યુદ્ધને લઈને પુતિનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “યુદ્ધ એ શાંતિનો માર્ગ નથી. બૉમ્બ, બંદૂક અને ગોળીઓ વચ્ચે શાંતિ શક્ય નથી. યુદ્ધ સંકટના સમાધાન માટે વાતચીત કરવી ખૂબ જરૂરી છે.” આ સાથે જ તેમણે નિર્દોષ બાળકોના મોતને લઈને સંવેદનાઓ વ્યકત કરી હતી. દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે, “અમે તમારા તમામ પ્રયાસોનું સન્માન કરીએ છીએ, યુક્રેન યુદ્ધ સંકટના સમાધાન માટે તમે જે પ્રયાસો કરી રહ્યા છો તે માટે અમે આભારી છીએ.”