ગુજરાતના ટેટ અને ટાટ (TET TAT) પાસ કરેલ ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. આજે મળેલ ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આ બાબતે મોટો નિર્ણય લેવાયો છે. અહેવાલો અનુસાર આ બેઠકમાં રાજ્યમાં ખાલી પડેલ 24,700 બેઠકો પર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે.
આ સમાચાર સામે આવતા જ ગુજરાતના ટેટ અને ટાટ પાસ કરેલ છે ઉમેદવારોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. નોંધનીય છે કે આ પહેલા જુન માસમાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં 7500 શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ભરતી આગામી 3 મહિનામાં થવાની છે.
આજની કેબિનેટ બેઠકમાં રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેના સૂચિત ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપ્યો.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 3, 2024
જે અનુસાર, આગામી ઓગસ્ટ થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700 થી…
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ બાબતે માહિતી આપતી પોસ્ટ કરી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે આગામી ઓગસ્ટથી લઈને ડિસેમ્બર 2024 દરમિયાન આ ભરતીઓની જાહેરાત પ્રસિદ્ધ કરીને તેમને ભરવાની કાર્યવાહી કરવામાં આવશે.
આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT Secondary અને TAT Higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3,500 TAT Secondary પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરવામાં આવનાર છે.
નોંધનીય છે કે ગુજરાતમાં ઘણા લાંબા સમયથી યુવાનો કાયમી શિક્ષકોની ભરતી માટે આંદોલનો કરી રહ્યા હતા. પોતાના આ નિર્ણયથી ગુજરાત સરકારે આ યુવાનોને વાચા આપી છે અને તેમની માંગણીઓની પૂર્તિ કરી છે. ટૂંક જ સમયમાં સરકાર તરફથી આ બાબતે સર્ક્યુલર રજૂ કરશે.