મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં સ્થિત ભોજશાળામાં ચાલી રહેલો ASI સરવે પૂર્ણ થઈ ચૂક્યો છે. 98 દિવસ સુધી ચાલેલા આ સરવેમાં ASIની ટીમને અનેક પુરતત્વીય સ્થાપત્યો મળી આવ્યાં છે. આ સરવેમાં હિંદુ દેવી-દેવતાઓની પ્રતિમા સહિત હજારો અવશેષો મળી આવ્યા. ASI ટીમ હવે આ સરવેનો રિપોર્ટ કોર્ટને સોંપશે. આ સરવેના આધારે જ નિર્ણય થશે કે, ભોજશાળા હિંદુ મંદિર હતું કે પછી મસ્જિદ. હાઈકોર્ટની ઈન્દોર બેન્ચ આ કેસમાં 4 જુલાઇના રોજ આગલી સુનાવણી હાથ ધરશે.
ધાર જિલ્લામાં સ્થિત ભોજશાળામાં ચાલી રહેલો ASI સરવે ગુરુવારે (27 જૂન) પૂર્ણ થઈ ચૂક્યો છે. સરવે પૂર્ણ થયા બાદ હિંદુ પક્ષના આશિષ ગોયલે આ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું છે કે, સરવેના છેલ્લા દિવસે 7 અવશેષો મળ્યા છે, જેમાં 6 મોટા અવશેષો છે. આ પિલર અથવા તો દીવાલના અવશેષો છે. આ સાથે એક દેવીની ખંડિત પ્રતિમા પણ મળી છે. ઉપરાંત બ્રહ્માજીની મૂર્તિ પણ મળી આવી છે. આ પહેલાં પણ અનેક પ્રતિમાઓ મળી આવી હતી. હવે ASIની ટીમ તમામ અવશેષોના ડોક્યુમેન્ટેશનનું કાર્ય કરી રહી છે. તેમણે કહ્યું કે, હમણાં સુધીમાં 1710 જેટલા અવશેષો મળી આવ્યા છે. જેમાં 650 ખૂબ મહત્વપૂર્ણ છે.
#WATCH | Dhar, Madhya Pradesh | On the ASI survey of the Bhojshala complex, the case petitioner Ashish Goyal says, "…7 remains have been found in the excavation out of which 6 are big, of pillars and walls. A few structures can also be seen there. A structure of Godess is also… pic.twitter.com/1osFPI5jFV
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 27, 2024
માહિતી અનુસાર, 98 દિવસ સુધી ચાલેલા સરવેમાં 1710 અવશેષો મળી આવ્યા છે. ASIની ટીમે આ અવશેષો પ્રાપ્ત કરવા માટે 24 સ્થળોએ ખોદકામ કર્યું હતું. આ સરવેમાં હમણાં સુધીમાં 39 મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓને સાફ કરીને તેની ઓળખ કરવામાં આવી રહી છે. સરવેમાં મળેલી કેટલીક મૂર્તિઓ વાગ્દેવી (સરસ્વતી), મહિષાસુર મર્દિની, ભગવાન ગણેશ, હનુમાન, બ્રહ્મા અને શ્રીકૃષ્ણની છે. આમાંની ઘણી મૂર્તિઓ સારી સ્થિતિમાં છે, જ્યારે કેટલીક ખંડિત અવસ્થામાં પણ છે. બ્રહ્માજીની મૂર્તિ સારી સ્થિતિમાં છે, જ્યારે દેવીની પ્રતિમા ખંડિત હાલતમાં મળી છે. સરવેમાં ઢાંચાના ઘણા સ્તંભો અને શિલાલેખો પણ મળી આવ્યા છે.
પહેલાં ASIને 42 દિવસ સુધી સરવે કરવા માટે કોર્ટમાંથી પરવાનગી મળી હતી, પરંતુ બાદમાં તેને વધુ 56 દિવસ સુધી લંબાવી દેવામાં આવી હતી. હવે આ સરવેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ASI પોતાના રિપોર્ટમાં ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડાર (GPR), શિલાલેખોનો અનુવાદ અને નિષ્ણાંતોના અભિપ્રાય સહિતના અવશેષો વિશેની તમામ માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરશે. ASI સરવે દરમિયાન અહીં કાર્બન ડેટિંગ પણ કરવામાં આવી છે, આ અંગે અલગથી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ASI સરવે અંગે મુસ્લિમ પક્ષે દાવો કર્યો છે કે, તેમાં કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
ASI સર્વે પૂર્ણ થયા બાદ પણ ભોજશાળા પ્રવાસીઓ માટે બંધ રહેશે. હિંદુ પક્ષને મંગળવારે હોલમાં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે શુક્રવારે મુસ્લિમ પક્ષ અહીં નમાજ પઢી શકે છે. કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 4 જુલાઈ, 2024ના રોજ છે. 11 માર્ચ, 2024ના રોજ મધ્યપ્રદેશ હાઈકોર્ટે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સ્થિત વિવાદિત ભોજશાળામાં ASI સરવે અંગે આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે આ અંગે રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું. કોર્ટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સત્ય શોધવાનું કહ્યું હતું.
શું છે વિવાદ?
ઉલ્લેખનીય છે કે, ભોજશાળા વિવાદ ઘણો જૂનો વિવાદ છે. હિંદુ પક્ષ પાસે ઠોસ પુરાવાઓ છે કે આ દેવી સરસ્વતીનું મંદિર છે જેની સ્થાપના રાજા ભોજે સન 1000-1055ની વચ્ચે કરી હતી. સદીઓ પહેલાં મુસ્લિમ આક્રાંતાઓએ તેની પવિત્રતા ભંગ કરીને અહીં મૌલાના કમાલુદ્દીન (જેના પર ઘણા હિંદુઓને છેતરપિંડી દ્વારા મુસ્લિમ બનાવવાનો આરોપ છે)ની કબર બનાવી હતી. આ પછી મુસ્લિમો અહીં આવવા લાગ્યા અને હવે તેનો ઉપયોગ નમાજ માટે પણ થાય છે. હિંદુ પક્ષનું કહેવું છે કે, આ તેમનું મંદિર જ છે, કારણ કે આજે પણ તેના સ્તંભો પર દેવી-દેવતાઓના ચિત્રો અને સંસ્કૃતમાં લખેલા શ્લોકો સ્પષ્ટ દેખાય છે. આ ઉપરાંત, દિવાલો પર એવી કોતરણી છે જેમાં ભગવાન વિષ્ણુના કૂર્માવતાર વિશે બે શ્લોકો આપેલા છે. મુસ્લિમો આને મસ્જિદ ગણાવતા રહ્યા છે. મામલો કોર્ટમાં પહોંચતાં કોર્ટે ASI સરવેનો આદેશ આપ્યો હતો.