NEET-UG પેપર લીક મામલે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશને (CBIએ) ઝારખંડના હજારીબાગ સ્થિત ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. અહેસાનુલ હક અને વાઇસ પ્રિન્સિપાલ ઇમ્તિયાઝ આલમની સાથે પાંચ અન્ય આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણ દિવસની પૂછપરછ બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુમાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે સ્થાનિક દૈનિકના વરિષ્ઠ પત્રકાર સલાઉદ્દીનની પણ પૂછપરછ કરવામાં આવી હતી. CBIએ પેપર લીક મામલે કાર્યવાહી વધુ તેજ કરી દીધી છે.
બુધવારે (26 જૂન) હજારીબાગ સ્થિત ઓએસિસ સ્કૂલમાં જ CBIએ પ્રિન્સિપાલ અહેસાનુલ હકની ઘણા સમય સુધી પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેને વધુ પૂછપરછ માટે હજારીબાગ સ્થિત એક ગેસ્ટહાઉસમાં લઈ જવામાં આવ્યો હતો. શુક્રવારે સવારે તેને 2 કલાક માટે તેની સ્કૂલની ઓફિસમાં લાવવામાં આવ્યો હતો. ત્યાર પછી તેને 50 કલાકથી વધુ સમય સુધી CBIની કસ્ટડીમાં રાખ્યા બાદ 7 અન્ય આરોપીઓની સાથે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. NEET-UG પરીક્ષા પેપર લીક કેસના સંબંધમાં CBIએ પટનામાંથી બે વ્યક્તિઓની ધરપકડ કર્યાના એક દિવસ બાદ આ ધરપકડ કરવામાં આવી છે. પટનાથી થયેલી ધરપકડ એજન્સીની પહેલી કાર્યવાહી હતી.
ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ મનીષ પ્રકાશ અને આશુતોષ કુમાર તરીકે થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમણે કથિત રીતે પરીક્ષા પહેલાં જ ઉમેદવારો માટે સુરક્ષિત સ્થળ ઉપલબ્ધ કરાવ્યા હતા, જ્યાં લીક થયેલા પેપર અને આન્સર-કી વિતરીત કરવામાં આવી હતી. CBIએ NEET પેપર લીક મામલે 6 FIR નોંધી છે. પરીક્ષામાં કથિત ગેરરીતિઓની તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપવાની મંત્રાલયની ઘોષણા બાદ રવિવારે પહેલી FIR નોંધવામાં આવી હતી. આ નિર્ણય પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ દ્વારા CBI તપાસની માંગ બાદ લેવામાં આવ્યો છે.
CBIએ સોમવારે પરીક્ષાની કથિત ગેરરીતિઓની તપાસ શરૂ કરવા બિહાર પોલીસના ઈકોનોમિક ઓફેન્સીસ યુનિટ (EOU) ની ઓફિસની મુલાકાત લઈને કેસ સંભાળ્યો હતો. નોંધનીય છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત NEET-UG સમગ્ર ભારતમાં સરકારી અને ખાનગી સંસ્થાઓમાં MBBS, BDS, આયુષ અને અન્ય સંબંધિત કોર્સમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા છે. આ વર્ષની પરીક્ષા 5 મેના રોજ 571 શહેરોના 4,750 કેન્દ્રો પર યોજાઈ હતી, જેમાં વિદેશના 14 સહિત 23 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.