Saturday, September 28, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજન‘ફિલ્મમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે તેવું આપત્તિજનક કશું જ નથી’: ફિલ્મ જોયા...

    ‘ફિલ્મમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે તેવું આપત્તિજનક કશું જ નથી’: ફિલ્મ જોયા બાદ ગુજરાત હાઈકોર્ટે ઉઠાવ્યો ‘મહારાજ’ પરનો સ્ટે, રિલીઝ માટે લીલી ઝંડી

    ફિલ્મમાં કોઇ પણ સંપ્રદાય કે ધર્મની ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચતી હોવાના પ્રાથમિક તારણ બાદ હાઈકોર્ટે ફિલ્મ પર લગાવવામાં આવેલો સ્ટે ઉઠાવી લેવા માટે આદેશ કર્યો છે. આ સાથે નેટફ્લિક્સને ફિલ્મ રિલીઝ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. 

    - Advertisement -

    1862ના લાયબલ કેસ પર આધારિત ફિલ્મ ‘મહારાજ’ને રિલીઝ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે લીલી ઝંડી આપી છે. ફિલ્મ ગત 14 જૂનના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી, પરંતુ વૈષ્ણવ સંપ્રદાયના અમુક અનુયાયીઓએ કોર્ટમાં અરજી કરતાં 13 જૂનના રોજ કોર્ટે સ્ટે મૂકી દીધો હતો. ત્યારબાદ 18 જૂનથી 21 જૂન સુધી ચાલેલી સુનાવણી દરમિયાન કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા અને ફિલ્મ પણ જોઈ. આખરે આદેશ પસાર કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે, ફિલ્મમાં આપત્તિજનક કશું નથી. 

    ફિલ્મમાં કોઇ પણ સંપ્રદાય કે ધર્મની ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચતી હોવાના પ્રાથમિક તારણ બાદ હાઈકોર્ટે ફિલ્મ પર લગાવવામાં આવેલો સ્ટે ઉઠાવી લેવા માટે આદેશ કર્યો છે. આ સાથે નેટફ્લિક્સને ફિલ્મ રિલીઝ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. 

    આદેશમાં કોર્ટે કહ્યું કે, “આ કોર્ટ એવા પ્રાથમિક તારણ પર પહોંચી છે કે ફિલ્મ મહારાજ એ 1862ના એક લાયબલ કેસ અને તેની આસપાસની ઘટનાઓ પર આધારિત છે અને કોઇ પણ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડતી નથી. ફિલ્મ સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા યોગ્ય દિશાનિર્દેશોને અનુસરીને પ્રમાણિત કરવામાં આવી છે.” 

    - Advertisement -

    અહીં ઉલ્લેખનીય છે કે સુનાવણી દરમિયાન બંને પક્ષોની સહમતિ બાદ કોર્ટે પણ ફિલ્મ જોઈ હતી. જેને લઈને આદેશમાં કહેવામાં આવ્યું કે, “ફિલ્મ જોયા બાદ કોર્ટે નોંધ્યું છે કે તેમાં કોઇ પણ ધાર્મિક ભાવનાઓ ભડકાવવામાં આવી નથી કે ફરિયાદી કે સંપ્રદાયની લાગણીઓને ઠેસ પણ પહોંચતી નથી. ફિલ્મનો મૂળ સંદેશ યોગ્ય રીતે આપવામાં આવ્યો છે અને તે સામાજિક બદીઓ અને કરસનદાસ મુળજી દ્વારા અપાયેલી લડત પાર આધારિત છે, જેઓ પોતે એક વૈષ્ણવ હતા. ફિલ્મ કોઈ પણ રીતે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતી નથી.”

    હાઈકોર્ટે નોંધ્યું કે, ફિલ્મ જે પુસ્તક પર આધારિત છે, તે વર્ષ 2013માં પ્રકાશિત થયું હતું અને ત્યારથી લઈને આજ સુધી તેના કારણે કોઇ સાંપ્રદાયિક અશાંતિ સર્જાઇ હોય તેવો એક પણ કિસ્સો નોંધાયો નથી. નોંધનીય છે કે આ ફિલ્મ જાણીતા ગુજરાતી પત્રકાર અને લેખક સૌરભ શાહની આ જ નામ ધરાવતી દસ્તાવેજી નવલકથા ‘મહારાજ’ પર આધારિત છે. 

    કોર્ટે અંતે કહ્યું કે, અંતે કોર્ટ એ તારણ પર આવે છે કે અરજીમાં જે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે તે માત્ર અનુમાનો પર આધારિત છે, કારણ કે ફિલ્મ હજુ રિલીઝ થઈ જ નથી. જેથી માત્ર એક ધારણાના કારણે બંધારણના આર્ટિકલ 19(1)(a)માં પ્રાપ્ત અભિવ્યક્તિની સ્વતંત્રતાને ડામી શકાય નહીં. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં