દિલ્હી એક્સાઈઝ પોલિસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ટ્રાયલ કોર્ટે જામીન આપ્યા છે. વેકેશન જજ ન્યાય બિંદુએ આ આદેશ પસાર કર્યો. તે પહેલાં કોર્ટે ગુરુવારે (20 જૂન) સવારે જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો.
Delhi excise policy case | Rouse Avenue court allows the bail application of CM Arvind Kejriwal and grants bail to him on a bail bond of Rs 1 lakh
— ANI (@ANI) June 20, 2024
(File photo) pic.twitter.com/kAsqVTYVtu
નોંધવું જોઈએ કે ગત 21 માર્ચના રોજ કેજરીવાલની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ જેલમાં બંધ હતા. જોકે, ગત 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા હતા. જેની મુદત પૂર્ણ થતાં તેમને 2 જૂનના રોજ સરેન્ડર કર્યું હતું. તે પહેલાં તેમણે જામીન લંબાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે સુનાવણી હાથ ધરવાની ના પાડી દીધી હતી.
ત્યારબાદ કેજરીવાલે ટ્રાયલ કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી અને વચગાળાના જામીન પણ માગ્યા હતા. જેમાંથી વચગાળાના જામીન માટેની અરજી ફગાવી દેવામાં આવી હતી, પરંતુ હવે નિયમિત જામીન અરજી મંજૂર કરી દેવામાં આવી છે. કેજરીવાલને 1 લાખના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.
સુનાવણી દરમિયાન EDએ કેજરીવાલના જામીનનો વિરોધ કર્યો હતો. ASG એસવી રાજુએ કોર્ટને કહ્યું હતું કે, તેઓ હવામાં તપાસ કરી રહ્યા નથી અને તપાસ એજન્સી પાસે આ કેસમાં નક્કર પુરાવાઓ છે. સાથે એમ પણ કહ્યું હતું કે કેજરીવાલ પોતાનો ફોન આપી રહ્યા નથી અને પાસવર્ડ પણ જણાવી રહ્યા નથી. EDએ કોર્ટમાં કહ્યું હતું કે, આ કેસના આરોપી વિજય નાયરનો ઉપયોગ કેજરીવાલે પોતાના મિડલમેન તરીકે કર્યો હતો અને તે કેજરીવાલનો કેટલો નજીકનો માણસ છે તે અલગથી કહેવાની જરૂર નથી.
બીજી તરફ, કેજરીવાલના વકીલોએ તેમની ધરપકડના સમય અને ED દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. એમ પણ કહ્યું હતું કે કેજરીવાલ કોઇ વિશેષ સુવિધા આપવા કહી રહ્યા નથી પરંતુ તેઓ એક મુખ્યમંત્રી છે અને તે બાબત ધ્યાનમાં લેવી જોઈએ અને પદનું સન્માન થવું જોઈએ. એમ પણ દલીલો આપી કે વિજય નાયર કૈલાશ ગેહલોતના ઘરમાં રહેતો હોય તેનાથી તેની અને કેજરીવાલ વચ્ચેની લિંક સ્થાપિત થઈ જતી નથી.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા છે. બીજી તરફ, ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજી પર દિલ્હી હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે, જેની ઉપર પણ ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. વેકેશન બાદ સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે.