પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પછી ભાજપના કાર્યકરો વિરુદ્ધ થયેલી હિંસાની તપાસ માટે પાર્ટીએ એક સમિતિની રચના કરી છે. સમિતિમાં સામેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, ત્રિપુરાના પૂર્વ સીએમ બિપ્લવ દેબ અને ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે સાઉથ 24 પરગણા જિલ્લામાં પીડિતોની મુલાકાત લીધી હતી. પટના સાહિબથી સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે દરેક જગ્યાએ એક જ વાત સામે આવી છે – જો તમે ભાજપ માટે કામ કરશો, તો તમને ફટકારવામાં આવશે, ગામમાં નહીં જઈ શકો, તમારી પત્ની અને માતા-પિતા સાથે હિંસા કરવામાં આવશે.
રવિશંકર પ્રસાદે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પૂછ્યું છે કે આ જ તમારી સરકાર છે? તેમણે કહ્યું કે મહિલાઓને પણ બક્ષવામાં નથી આવી રહી. તેમણે માહિતી આપી હતી કે તાજેતરમાં જ ટીએમસીના ગુંડાઓએ કૂચબિહારમાં એક દલિત યુવતી સાથે બર્બરતા આચરી છે, તેઓ પીડિતાને પણ મળ્યા છે. તેમના જણાવ્યા અનુસાર પીડિતો રડી રહ્યા છે, આ ખૂબ જ ગંભીર બાબત છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જીને શરમ આવવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે પીડિતોએ પોલીસ સામે પ્રામાણિકપણે તેમની પીડા વ્યક્ત કરી હતી.
તેમણે ચેતવણી આપી હતી કે જો પશ્ચિમ બંગાળ પોલીસે પીડિતો પર કેસ કર્યો, તો રાષ્ટ્રીય સ્તરે ભાજપ તેને ખૂબ ગંભીરતાથી લેશે. તેમણે કહ્યું હતું કે, જો પોલીસ દ્વારા તેમના પર કોઇ દબાણ કરવામાં આવશે તો તે સ્વીકારવામાં નહીં આવે. કોલકાતાના 6, મુરલીધર રોડ સ્થિત ભાજપ કાર્યાલયમાં 150થી વધુ કાર્યકર્તાઓ છુપાયા છે. પોતાનો જીવ બચાવવા માટે તેઓ પરિવાર સાથે અહીં જ સુવે છે, અહીં જ જમે છે. તે બધા જ 10 જૂનથી અહીં છે. મોટાભાગના દક્ષિણ અને ઉત્તર 24 પરગણાના છે.
#WATCH | Former Union minister & MP Ravi Shankar Prasad says, "Everywhere the same story if you'll work for the BJP, you'll be beaten up. If you come, your wife and parents will have to suffer violence. Mamata ji, this is your govt. Women are being beaten up here… It's a very… https://t.co/uFFzwQ3Y91 pic.twitter.com/VLmGZwSCnn
— ANI (@ANI) June 18, 2024
દૈનિક ભાસ્કર સાથે વાત કરતા ભાજપના કાર્યકર્તાઓએ કહ્યું હતું કે તેમના ઘર પર પથ્થર ફેંકવામાં આવ્યા, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી, પાર્ટી કાર્યાલય તોડી નાંખવામાં આવ્યું, કાર્યકર્તાઓના ઘરોને તાળાં લગાવી દેવામાં આવ્યા. દક્ષિણ 24 પરગણાના 6, મરલીધર રોડ અને બારીપુરમાં ભાજપના 170 કાર્યકરો રહે છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ હિંસાની 500થી વધુ ઘટનાઓ સામે આવી છે. જ્યારે 6000થી વધુ લોકો ઘાયલ થયા છે.
કોલકાતાના બેલિયાઘાટાની રહેવાસી ભાજપ કાર્યકર્તા રીટા રઝાકના પતિની 2021માં થયેલી હિંસા દરમિયાન હત્યા કરવામાં આવી હતી. તેઓ 2015માં ભાજપમાં જોડાયા હતા. નાકાડાલા હાઇસ્કૂલના બૂથ નંબર 170માં તેમને પાર્ટી દ્વારા ચૂંટણી એજન્ટ બનાવવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે માત્ર પોલીસ જ નહીં, પરંતુ કેન્દ્રીય દળો પણ પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સરકારનું કહ્યું કરે છે. રીટાના ઘરમાં રાખેલા અનાજ અને દાગીના પણ લૂંટી લેવામાં આવ્યા છે, તેમ છતાં તેઓ ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તેમના કાર્યકરોને બચાવવા વિનંતી કરે છે.
ભાજપના કાર્યાલયોને આગ ચાંપવામાં આવી રહી છે. કોલકાતાના ભવાનીપોરમાં એક કાર્યકર્તાની દુકાન પર હુમલો કરવામાં આવ્યો હતો. દુકાનમાં રહેલો તમામ સામાન લૂંટી લેવામાં આવ્યો હતો. પીડિત રવિ સાહાએ જણાવ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલર ભાજપના કાર્યકરોને શોધીને માર મારતા હતા. પોલીસ સ્ટેશનમાં આરોપીઓના બદલે ભાજપના કાર્યકરો પર આરોપ લગાવવામાં આવે છે. ભાગ્યા બાદ ભાજપ કાર્યાલયમાં આવેલા ઈસ્લામ મોલ્લાહનું કહેવું છે કે ટીએમસીના બ્લોક ચેરમેન અયુબ હસન ગુંડો છે, તેણે તેની અનેક વીઘા જમીન પર કબજો કરી લીધો છે. તેમનું ઘર, શાળા, કપડાંની દુકાન – બધું જ ઉજ્જડ કરી દેવામાં આવ્યું છે.
સાથે જ એક કાર્યકર્તાએ કહ્યું કે, કેનિંગપુરથી ટીએમસી ધારાસભ્ય શૌકત મોલાએ રાશન, પાણી અને વીજળી બંધ કરવાની સાથે ઘરમાં ઘૂસીને ભાજપના કાર્યકર્તાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તેમને ધમકીભર્યા ફોન કોલ્સ આવે છે. વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યપાલ સી.વી. બોઝનીમુલાકાત લીધી હતી અને તેમને પરિસ્થિતિથી માહિતગાર કર્યા છે. આ કોઈ પ્રથમ વાર નથી કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન હિંસા કરવમાં આવી હોય, પંચાયતથી લઈને વિધાનસભા તેમજ લોકસભા જેવી તમામ ચૂંટણીઓમાં અહીં ભીષણ હિંસા થાય જ છે.