પાકિસ્તાની એજન્સી આઇએસઆઈના હનીટ્રેપમાં સેનાનો એક જવાન ફસાયો હતો, રાજસ્થાનમાં તૈનાત સેનાના જવાનની ધરપકડ કરવામાં આવી છે. તે કુખ્યાત પાકિસ્તાની એજન્સી આઇએસઆઈના હનીટ્રેપમાં ફસાઈને સેનાની ગુપ્ત માહિતી મોકલતો હતો. CID ઈન્ટેલિજન્સ જયપુરની ટીમે તેને પકડી લીધો છે. જવાનની ઓળખ શાંતિમોય રાણા તરીકે થઈ છે. તે પશ્ચિમ બંગાળનો રહેવાસી છે.
ઈન્ટેલિજન્સ ડીજી ઉમેશ મિશ્રાએ આ બાબતે જણાવ્યું હતું કે, “લગભગ એક મહિના સુધી નજરમાં રાખ્યા બાદ જાણવા મળ્યું કે સેનાનો જવાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ દ્વારા આઈએસઆઈની બે એજન્ટના સંપર્કમાં છે. આ જવાન આ યુવતીઓની હનીટ્રેપમાં ફસાઈ ગયો હતો. ગોપનીય માહિતી શેર કરવાના બદલામાં જવાનના બેંક ખાતામાં ઓનલાઈન પેમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. શાંતિમોયને 25 જુલાઈના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો . પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.”
મિશ્રાના જણાવ્યા અનુસાર, શાંતિમોય રાણા પશ્ચિમ બંગાળના બાંકુડા જિલ્લાના કંચનપુર ગામનો રહેવાસી છે. તે માર્ચ 2018માં સેનામાં જોડાયો હતો. તે દરરોજ બે યુવતીઓ સાથે લાંબા સમય સુધી ચેટ અને વીડિયો કોલ કરતો હતો. આ યુવતીઓના કહેવા પર શાંતિમોય રાણાએ સેનાના ગુપ્ત દસ્તાવેજોના ફોટોગ્રાફ્સ અને યુદ્ધાભ્યાસના વીડિયો મોકલ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને યુવતીઓએ પોતાને યુપીની રહેવાસી હોવાનું જણાવી રાણા સાથે મિત્રતા કરી હતી. એક છોકરીએ તેને તેનું નામ ગુરનૂર ગૌર ઉર્ફે અંકિતા જણાવ્યું, જ્યારે બીજીએ તેનું નામ નિશા જણાવ્યું હતું. ગુરનૂરે પોતાને યુપીમાં સેનાની એન્જિનિયરિંગ સર્વિસમાં પોસ્ટેડ હોવાનું જણાવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલી યુવતીઓ ફેસબુક મેસેન્જર દ્વારા ભારતીય જવાનોને પોતાની જાળમાં ફસાવે છે. પછી તેઓ દેશ સાથે જોડાયેલી ગુપ્ત માહિતી માંગે છે.
ISIની મહિલા એજન્ટો જવાનોને પોતાની જાળમાં ફસાવતા પહેલા પુરતું હોમવર્ક કરે છે. કેપ્ટન રેન્કના અધિકારીઓ દ્વારા તેમને મારવાડી અને પંજાબીમાં બોલવાની તાલીમ આપવામાં આવે છે. એટલું જ નહીં, આ છોકરીઓને રિયા, પૂજા, અવની, અનિકા, હરલીન, મુસ્કાન જેવા નામ આપીને હિન્દુ ઓળખ આપવામાં આવે છે જેથી આર્મીના જવાન સરળતાથી તેમની જાળમાં ફસાઈ શકે. આ વર્ષના મે મહિનામાં, જોધપુરમાં તૈનાત ગનર પ્રદીપ કુમારને ફસાવનાર એજન્ટ રિયાએ પોતાનો પરિચય મિલિટરી નર્સિંગ સર્વિસની નર્સ તરીકે આપ્યો હતો. તેણે 10 લોકોને હનીટ્રેપમાં ફસાવ્યા હતા.
નોંધનીય બાબત એ છે કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા ઘણા વર્ષોથી દેખાવડી યુવતીઓને ભારતીય નાગરિકો અને સૈનિકોની પાછળ મૂકી દેવામાં આવે છે . સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતીય સેના અને સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલા અનેક રહસ્યો સેનાના જવાનોને તેમની આડમાં લઈ જઈને પાકિસ્તાન મોકલવામાં આવે છે. તેમનો મુખ્ય આશય મુખ્યત્વે સેનાની હિલચાલ અને શસ્ત્રો વિશે માહિતી એકત્રિત કરવાનો છે.