Tuesday, November 26, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિભગવાન શિવની તપસ્યા કરી મહારાજ ભગીરથ પવિત્ર ગંગાને લાવ્યા હતા પૃથ્વી પર:...

    ભગવાન શિવની તપસ્યા કરી મહારાજ ભગીરથ પવિત્ર ગંગાને લાવ્યા હતા પૃથ્વી પર: ધરતી પરના અવતરણ દિવસને ઓળખવામાં આવે છે ગંગા દશેરા તરીકે; જાણો લોકમાતા ભાગીરથીનો ઇતિહાસ

    જે દિવસે મહારાજ ભગીરથના અથાગ પ્રયાસો દ્વારા ગંગા ધરતી પર અવતર્યા હતા, તે દિવસે જ્યેષ્ઠ શુક્લ દશમીની તિથી હતી. તેથી દર વર્ષે આ દિવસને ગંગાવતરણ અથવા તો ગંગા દશેરા તરીકે ઓળખવામાં આવે છે. પુરાણો અનુસાર, સ્વર્ગમાં ગંગાને મંદાકિની અને પાતાળમાં ભાગીરથી નામ સાથે ઓળખવામાં આવે છે.

    - Advertisement -

    સનાતન ધર્મમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે. દરેક તહેવારો પાછળ કેટલાક રહસ્યો પણ છૂપાયેલાં હોય છે. વ્યસ્ત માનવજીવનમાંથી થોડા સમય માટે મુક્તિ આપતા આ તહેવારો માત્ર મનોરંજન પૂરતા સીમિત નથી હોતા. હિંદુ ધર્મના તમામ તહેવારો પાછળ એક ભવ્ય અને સમૃદ્ધ ઇતિહાસ છુપાયેલો છે. તેવો જ એક તહેવાર એટલે ગંગા દશેરા. ગંગા દશેરાને ગંગાવતરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશભરમાં રવિવારે (16 જૂન, 2024) ગંગા દશેરાની ઉજવણી થઈ રહી છે. તેવામાં આપણાં તહેવારો પાછળના ભવ્ય ઇતિહાસને યાદ કરવો પણ જરૂરી બની રહી છે. આપણે આ વિશેષ લેખમાં ગંગા દશેરા તહેવારનો ઇતિહાસ સમજવા પ્રયાસ કરીશું.

    વૈદિક ધર્મમાં ગંગા દશેરા તહેવારનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. દર વર્ષે જ્યેષ્ઠ શુક્લ દશમીના દિવસે ગંગા દશેરા ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતા છે કે, આ જ દિવસે મા ગંગા સ્વર્ગમાંથી ધરતી પર અવતરિત થયા હતા. તેથી આ દિવસને ગંગા દશેરા તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, ગંગા દશેરાના દિવસે પવિત્ર ગંગામાં સ્નાન કરવા માત્રથી માણસ સર્વ દુઃખોમાંથી મુક્ત થાય છે. આ દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે. ગરુડ પુરાણ અનુસાર, આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી પિતૃઓ તરફથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનભરના તમામ પાપોનો નાશ થાય છે. તેથી જ ગંગાને પાપનાશીની તરીકે પણ ઓળખવામાં આવે છે.

    મહારાજા ભગીરથની તપસ્યા અને ગંગાનું અવતરણ

    ગંગા નદી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. પુરાણો મુજબ, બ્રહ્માજીએ મહાવિષ્ણુના પગમાંથી ગંગાનું નિર્માણ કર્યું હતું. તથા પૃથ્વી પર અવતરણ દરમિયાન ભગવાન શિવે ગંગાને પોતાના મસ્તક પર ધારણ કરી હતી. ત્રિદેવોના સ્પર્શના કારણે આ નદીને અતિપવિત્ર ગણવામાં આવે છે. ગંગાના પૃથ્વી પરના અવતરણની ઘટના પણ ખૂબ રહસ્યમય છે. પૌરાણિક કથા અનુસાર, પૃથ્વી પર સૂર્યવંશમાં રાજા ઇશ્વાકુએ અયોધ્યાને રાજધાની બનાવીને મહાજનપદ સ્થાપ્યું હતું. આથી આ વંશ ઈશ્વાકુવંશ તરીકે ઓળખાયો છે. ઈશ્વાકુવંશના રાજા સગરને ચમત્કારિક રીતે 60,000 પુત્રો પ્રાપ્ત થયા હતા અને સગર એટલા પરાક્રમી હતા કે, દેવરાજ ઇન્દ્ર પણ તેમની ઈર્ષા કરતા હતા.

    - Advertisement -

    એક દિવસે રાજા સગરે દેવલોક પર વિજય પ્રાપ્ત કરવા માટે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. ઇન્દ્રદેવે મહારાજ સગરના અશ્વમેઘ યજ્ઞનો દિવ્ય અશ્વ ચોરીને પાતાળમાં નારાયણના અંશ મહર્ષિ કપિલ જ્યાં તપસ્યા કરી રહ્યા હતા ત્યાં બાંધી દીધો. આથી સગરના 60,000 પુત્રોએ તે દિવ્ય અશ્વને શોધવા આખી પૃથ્વી ખોદી નાખી અને પાતાળ સુધી પોહોંચ્યાં. પાતાળમાં મહર્ષિ કપિલ જ્યાં તપ કરી રહ્યા હતા, ત્યાં જ દિવ્ય અશ્વને જોતાં સગરના પુત્રોએ મહર્ષિને ચોર સમજી લીધા અને તેમની સાથે અભદ્ર વ્યવહાર કરવાનો શરૂ કરી દીધો. સગરના પુત્રોએ મહર્ષિનું વારંવાર અપમાન કર્યું અને તેમનું તપ ભંગ કરાવ્યું.

    તપસ્યામાં લીન ઋષિએ હજારો વર્ષો બાદ પોતાની આંખો ખોલી અને તેમના ક્રોધાગ્નિમાં સગરના તમામ 60,000 પુત્રો બળીને ભસ્મ થઈ ગયા. સગરના તે પુત્રો પ્રેતાત્મા બનીને ભટકતા રહ્યા હતા. ત્યારબાદ સગર પુત્રોના મોક્ષ માટે તેમના ભાઈ અને એક માત્ર બચેલા સગર પુત્ર અસમંજસે પ્રયત્ન શરૂ કર્યા અને મહર્ષિ કપિલની ક્ષમા માંગી પોતાના ભાઈઓને મુક્તિ કેમ મળે તેમની ગતિ કેમ થાય એ જણાવવા વિનંતી કરી. મહર્ષિનો ક્રોધ શાંત થયા તેમણે કહ્યું કે, ‘પતિતપાવની ગંગા જો આ પૃથ્વી પર બ્રહ્મલોકથી અવતરે તો જ તારા ભાઈઓને મોક્ષ મળી શકે છે, તારા ભાઈઓની સાથે સમગ્ર પૃથ્વીલોકનું કલ્યાણ થઈ શકે છે. પરંતુ આ કાર્ય વૈદિક અને મક્કમ ક્ષત્રિય સિવાય કોઈ કરી શકશે નહીં.”

    આમ અસમંજસે યત્ન આરંભ્યું અને અસમંજસના પુત્ર અંશુમન થયા તેમણે પણ પિતા માફક પૂર્વજોના મોક્ષ માટે ઘોર તપ કરી પોતાનો દેહ વિલય કરી દીધો. અંશુમનના પુત્ર દિલીપ થયા તેમણે પણ પોતાના પિતાની આજ્ઞાથી ઘોર તપસ્યા કરી અને મરણાંત પ્રયત્ન કર્યા પણ સફળ ન થયા. ત્યારબાદ દિલીપના પુત્ર મહાન ભગીરથ થયા. તેમણે બ્રહ્માજીની ઘોર તપસ્યા શરૂ કરી. આકરી તપસ્યાથી પ્રસન્ન થઈને પ્રજાપતિ બ્રહ્માએ ભગીરથને દર્શન આપ્યા. ભગીરથની ઈચ્છા સાંભળીને બ્રહ્મા પ્રસન્ન થયા અને તેમણે ગંગાને પૃથ્વી પર અને ત્યારબાદ પાતાળ સુધી જવા માટેનો આદેશ કર્યો, જેથી સગર પુત્રોની આત્માને ચીરશાંતિ મળી શકે.

    પરંતુ માતા ગંગાએ અસહમતી દર્શાવતા કહ્યું કે, ‘મારા પ્રચંડ વેગને પૃથ્વી સહી શકશે નહીં. પૃથ્વીમાં સપ્ત ચિરંજીવી સિવાય એવું કોઈ તત્વ નથી, જે મારા પ્રચંડ વેગને સહી શકે.’ ત્યારબાદ ભગીરથે ભગવાન શિવની આરાધના કરવાનું શરૂ કર્યું. તેમણે પગના એક અંગૂઠા પર ઊભા રહીને દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કર્યા. ત્યાર પછી મહારાજ ભગીરથે ભગવાન શિવને આ અસમંજસમાંથી કાઢવા માટેની વિનંતી કરી. મહાદેવે પોતાની ખૂલી જટામાં આખી ગંગાને ધારણ કરી લીધી અને એક લટ ખોલી દીધી. જેથી ગંગાની અવિરલ ધારા પૃથ્વી સુધી પ્રવાહિત થવા લાગી. તે ધારા ભગીરથની પાછળ-પાછળ ગંગા-સાગર સંગમ સુધી ગઈ, જ્યાં સગર પુત્રોનો ઉદ્ધાર થયો. શિવના સ્પર્શથી ગંગા વધુ પાવન થઈ ગઈ અને પૃથ્વીવાસીઓ માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની ગઈ.

    જે દિવસે મહારાજ ભગીરથના અથાગ પ્રયાસો દ્વારા ગંગા ધરતી પર અવતર્યા હતા, તે દિવસે જ્યેષ્ઠ શુક્લ દશમીની તિથી હતી. તેથી દર વર્ષે આ દિવસને ગંગાવતરણ અથવા તો ગંગા દશેરા તરીકે ઓળખવામાં આવે છે. પુરાણો અનુસાર, સ્વર્ગમાં ગંગાને મંદાકિની અને પાતાળમાં ભાગીરથી નામ સાથે ઓળખવામાં આવે છે. પૃથ્વીમાં તેને ગંગા, અલકનંદા અને ભાગીરથી તરીકે ઓળખવા આવે છે.

    મા ગંગાનું ધાર્મિક મહત્વ

    ભારતની અનેક ધાર્મિક અવધારણાઓમાં ગંગા નદીને દેવી તરીકે નિરૂપિત કરવામાં આવી છે. ભારતીય સમાજ પ્રાચીનકાળથી નદીઓને લોકમાતા તરીકે પૂજતો આવ્યો છે. સૌથી પવિત્ર નદીઓમાં ગંગાનું સ્થાન આગવું અને પ્રથમ છે. ઘણા પવિત્ર તીર્થસ્થળો પણ ગંગા કિનારે જ આવેલા છે. જેમાં વારાણસી, હરિદ્વાર અને પ્રયાગરાજ તથા ઉત્તરકાશી મુખ્ય છે. એવી માન્યતા છે કે, ગંગામાં સ્નાન કરવાથી મનુષ્યના બધા પાપોનો નાશ થાય છે. તેથી જ પ્રાચીન ગ્રંથોમાં તેને પાપનાશીની કહેવામાં આવી છે. મૃત્યુ બાદ લોકો ગંગાના પવિત્ર જળમાં અસ્થિઓને વિસર્જિત કરે છે, કેટલાક લોકો તો ગંગા કિનારે જ પ્રાણ વિસર્જન કરવાની કામના કરે છે. ગંગાના તમામ ઘાટ પર લોકો પૂજા-અર્ચના કરે છે અને ધ્યાન માટે પણ બેસે છે. ગંગાજળને પણ ભારતમાં અતિપવિત્ર માનવામાં આવે છે, તમામ શુભકાર્યોમાં ગંગાજળનો ઉપયોગ અનિવાર્ય ગણવામાં આવે છે.

    પંચામૃતમાં પણ ગંગાજળને એક અમૃત તરીકે સ્થાન મળ્યું છે. અનેક પર્વ અને ઉત્સવોનો ગંગા સાથે સીધો સંબંધ પણ છે. ઉદાહરણ તરીકે કુંભ મેળો. તે સિવાય ગંગા ભારતની પ્રકૃતિમાં સહજ રીતે ભળી ગઈ છે. એક બાળક અને માતાના સંબંધ જેવો મધુર સંબંધ શ્રદ્ધાળુઓ અને મા ગંગાનો છે. તેના કિનારા પર અનેક ભક્તો પ્રકૃતિની પરમ શાંતિની અનુભૂતિ માટે એકઠા થાય છે. ખાસ કરીને ગંગા આરતીમાં હજારો શ્રદ્ધાળુઓ ભાગ લેતા જોવા મળે છે. ઉત્તરાખંડનું પંચપ્રયાગ અને ઉત્તર પ્રદેશનું પ્રયાગરાજ ગંગાના પ્રસિદ્ધ સંગમસ્થાનો છે. જ્યાં ગંગા અન્ય નદીઓ સાથે મળે છે. આ તમામ સંગમ ધાર્મિક દ્રષ્ટિએ પવિત્ર માનવામાં આવે છે.

    ગંગાનો ઉલ્લેખ વિશ્વના સૌથી પ્રાચીન અને સૈદ્ધાંતિક રીતે પવિત્ર ગ્રંથ ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે. ગંગાનો ઉલ્લેખ નદીસ્તુતિ (ઋગ્વેદ 10.75)માં જોવા મળે છે. જેમાં પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી નદીઓ વિશેની માહિતી આપવામાં આવી છે. આરવી (ઋગ્વેદ 6.45.31)માં પણ ગંગા નદીઓ ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદ 3.58.6માં લખવામાં આવ્યું છે કે, “તમારું પ્રાચીન ઘર, તમારી પવિત્ર મિત્રતા છે. હે વીરો, તમારી સંપત્તિ જાહ્નવી (ગંગા)ના તટ પર છે.” નોંધવા જેવુ છે કે, મા ગંગાનું એક નામ જાહ્નવી પણ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં