કોંગ્રેસ પ્રવક્તા રાગિની નાયક, જયરામ રમેશ અને પવન ખેડાએ પ્રસિદ્ધ વરિષ્ઠ પત્રકાર રજત શર્મા પર ઓન એયર અપશબ્દ કહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. માત્ર એટલું જ નહીં પરંતુ તેમણે આ જુઠ્ઠા સમાચારને સોશિયલ મીડિયા દ્વારા ફેલાવ્યા છે. કોંગ્રેસ પાર્ટીની મીડિયા સેલે પણ આમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ત્યારબાદ ‘ઇન્ડિયા ટીવી’એ મંગળવારે (11 જૂન, 2024) કોંગ્રેસ નેતાઓ અને અન્ય લોકોને ચેતવણી આપતા કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી છે. તે સાથે ઇન્ડિયા ટીવીના ચેરમેન રજત શર્માએ પણ એક વિડીયો પોસ્ટ કરીને આ વિશેની જાણકારી આપી છે.
ત્રણેય કોંગ્રેસ નેતાઓ તથા અન્ય આરોપીઓને ચેતવણી આપતા, ઇન્ડિયા ટીવીના (INDIA TV) લીગલ હેડ રિતિકા તલવારે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, “હું તમને ભારતના સૌથી પ્રતિષ્ઠિત પત્રકાર અને ટીવી એન્કર રજત શર્મા વતી લખી રહી છું, જેઓ ચાર દાયકાથી આ વ્યવસાયમાં છે અને જેમની વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠા ખૂબ વધુ છે. રજત શર્માએ ઓન એયર અને ઓફ એયર બંને જગ્યાઓ પર પોતાનો સુસંસ્કૃત અને સભ્ય વ્યવહાર જાળવી રાખ્યો છે. વિશ્વભરના ટેલિવિઝન પ્રેક્ષકો તેમની નમ્ર અને સૌમ્ય એન્કરિંગ શૈલીની પ્રશંસા કરે છે.”
Warning to @NayakRagini @Pawankhera @Jairam_Ramesh
— India TV (@indiatvnews) June 11, 2024
I am writing to you on behalf of India’s most respected journalist and television presenter Mr. Rajat Sharma, who has been in this profession for more than four decades and has a very high degree of credibility and reputation.…
તેમણે આગળ લખ્યું, “અમે સોશિયલ મીડિયા પર તમારી પોસ્ટ જોઈ છે, જેમાં તમે રજત શર્મા પર ઓન એયર અપશબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તમારી પોસ્ટમાં તમારા દ્વારા કરાયેલા આક્ષેપો તદ્દન ખોટા છે અને તેનો કોઈ આધાર નથી. તે દૂષિત અને અપમાનજનક અને સ્પષ્ટપણે ખોટા સમાચાર છે. તમે ઉચ્ચ પ્રતિષ્ઠા ધરાવતા વ્યક્તિત્વ પર ખોટો આરોપ લગાવીને જાહેર શિષ્ટાચારની તમામ સીમાઓ વટાવી દીધી છે. અમે આ અંગે આગળની કાર્યવાહી કરવા માટે કાયદાકીય સલાહ લઈ રહ્યા છીએ.”
આ પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, “તે દરમિયાન, અમને ખબર પડી છે કે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને, તમે ફરી એક વખત તે જ પાયાવિહોણા, ખોટા અને અપમાનજનક સમાચાર ફેલાવીને આ અકલ્પનીય પરિસ્થિતિને વધારવાનો પ્રયાસ કરી રહ્યાં છો. અમે તમને ચેતવણી આપીએ છીએ કે, તમારે આ કરવાનું ટાળવું જોઈએ. અમે ફરી વખત કહીએ છીએ કે, રજત શર્માએ તેમના અંગત કે જાહેર જીવનમાં ક્યારેય અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો નથી. અમે આગળ કાનૂની કાર્યવાહી કરવાનો અધિકાર અનામત રાખીએ છીએ.” રિતિકા તલવારે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને રજત શર્મા વિશે ખોટા દાવા કરવાનો પ્રયાસ કરશે.
રજત શર્માએ પણ કરી સ્પષ્ટતા
કોંગ્રેસ નેતાઓને લીગલ નોટિસ પાઠવ્યા બાદ INDIA TVના ચેરમેન રજત શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી છે અને કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, “હું છેલ્લા 44 વર્ષોથી પત્રકારીતામાં છું, છેલ્લા 31 વર્ષથી તમે મને ટીવીમાં જોઈ રહ્યા છો. સૌ કોઈ જાણે છે કે, મે ક્યારેય પણ કોઈ સાથે ઊંચા અવાજે વાત નથી કરી, ક્યારેય કોઈનું અપમાન નથી કર્યું. મુશ્કેલમાં મુશ્કેલ સવાલ પણ હસીને પૂછ્યા છે. હંમેશા પોતાની વાત શાલીનતાથી રજૂ કરી, તેથી જ મને દર્શકોનો પ્રેમ મળ્યો છે. પરંતુ આજે સવારે જ્યારે મને એ ખબર પડી કે, કોંગ્રેસ પાર્ટીની મીડિયા સેલે સોશિયલ મીડિયા પર જુઠ્ઠું કેમ્પેઇન ચલાવ્યું કે, ચૂંટણી પરિણામના દિવસે એક લાઈવ શોમાં મે અપશબ્દ કહ્યો. આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું છે.”
Lies Nailed. Next round in court. pic.twitter.com/PzpuaaPGX2
— Rajat Sharma (@RajatSharmaLive) June 11, 2024
તેમણે વધુમાં કહ્યું કે, “જ્યારે આરોપ લાગ્યા ત્યારે INDIA TV તરફથી એક ચેતવણી આપવામાં આવી હતી. એક લેટર મોકલીને કહેવામાં આવ્યું કે, તેઓ જૂઠ ન ફેલાવે. નહીં તો માનહાનિ થઈ શકે છે. તમામ આરોપો પાયાવિહોણા છે અને ખોટા છે. આખી દુનિયાએ તે લાઈવ શો જોયો છે. જો કઈ એવું થયું હોય તો બધા લોકોને ખબર પડી જાત. મને એવું લાગે છે કે, લાઈવ શો દરમિયાન પણ કોંગ્રેસ પ્રવક્તા શાલિનીએ મને મિસકોટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે મે કહ્યું હતું કે, હું તમારી સાથે કોઈ વિવાદમાં પડવા માંગતો નથી. હવે મને લાગે છે કે, કોંગ્રેસના પ્રવક્તાને મને ટાર્ગેટ કરવા માટે જ મોકલવામાં આવ્યા હતા. તે દિવસે મને આરોપી બનાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો.”
રજત શર્માએ લાઈવ શો દરમિયાનનો વિડીયો પણ સાથે એડ કર્યો છે. ત્યારબાદ તેમણે કહ્યું કે, “મારે કઈ છુપાવવાની જરૂર નથી. કારણ કે, મે ક્યારેય ખોટું નથી કર્યું. ચેતવણી આપી હોવા છતાં કોંગ્રેસની મીડિયા સેલે તે ચાલુ જ રાખ્યું છે. તેથી હવે આ મામલો મે મારી લીગલ ટીમને સોંપી દીધો છે. હવે કાયદો પોતાનું કામ કરશે. જે લોકોએ જુઠ્ઠાણું ફેલાવ્યું છે તે અદાલતમાં હાજર થવા માટે તૈયાર રહે.” નોંધનીય છે કે, સોમવારે (10 જૂન, 2024) કોંગ્રેસના પ્રવક્તા રાગિની નાયકે X પર આરોપ લગાવ્યો હતો કે લાઈવ ડિબેટ દરમિયાન રજત શર્માએ તેમને અપશબ્દ કહ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ નેતાઓ જયરામ રમેશે અને પવન ખેડાએ પણ આ દાવાને આગળ વધાર્યો હતો. જોકે, હવે ઇન્ડિયા ટીવી અને રજત શર્માએ આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ ટૂંક સમયમાં કાયદાકીય કાર્યવાહી કરશે.