ડેનમાર્કનાં વડાંપ્રધાન મેટે ફ્રેડરિક્સન પર ડેનમાર્કનાં વડાંપ્રધાન થયો હોવાની ઘટના સામે આવી છે. ઘટના કોપનહેગનમાં બની. જોકે, તેમને કોઇ ઈજા પહોંચી નથી. બીજી તરફ, હુમલો કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે.
વડાંપ્રધાનના કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું કે, “શુક્રવારે સાંજે કોપનહેગનમાં પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સન પર હુમલો થયો. ત્યારબાદ એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. વડાંપ્રધાન આ ઘટનાથી આઘાતમાં છે.” જોકે, કાર્યાલયે વધુ વિગતો આપી ન હતી. ઘટના બાદ સ્થાનિક પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે તેમણે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે અને હાલ આગળની તપાસ ચાલી રહી છે. હુમલો કયા કારણોસર થયો તે આ લખાય રહ્યું છે ત્યાં સુધી જાણવા મળ્યું નથી.
મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું કે, પ્રધાનમંત્રી જઈ રહ્યાં હતાં ત્યારે એક વ્યક્તિ અચાનક આવ્યો અને જોરથી ધક્કો માર્યો હતો.ત્યારબાદ પોલીસે ધરપકડ કરી લીધી. અચાનક હુમલાથી ફ્રેડરિક્સનને આંચકો લાગ્યો હતો, પણ કોઇ ઇજા પહોંચી નથી. તેઓ આમ સ્વસ્થ છે.
આ હુમલો એવા સમયે થયો જ્યારે યુરોપિયન યુનિયન સંસદીય ચૂંટણી ચાલી રહી છે. બે દિવસ બાદ ડેનમાર્કમાં પણ મતદાન કરવામાં આવશે. ફ્રેડરિક્સન સોશિયલ ડેમોક્રેટ્સ EUના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યાં છે. જોકે મીડિયા રિપોર્ટ્સનું કહેવું છે કે ઘટનાને અને ચૂંટણીને હજુ સુધી કોઈ સંબંધ હોવાનું જાણવા મળ્યું નથી.
ડેનમાર્ક PM પર હુમલા બાદ કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કર્યું. તેમણે લખ્યું કે, “ડેનમાર્કનાં વડાંપ્રધાન મેટે ફ્રેડરિક્સન પર હુમલાના સમાચાર સાંભળીને અત્યંત ચિંતિત છું. અમે હુમલાને વખોડી કાઢીએ છીએ. મારાં મિત્રને સ્વાસ્થ્યલાભ માટે શુભેચ્છાઓ પાઠવું છું.”
Deeply concerned by the news of the attack on Mette Frederiksen, Denmark’s Prime Minister. We condemn the attack. Wishing good health to my friend. @Statsmin
— Narendra Modi (@narendramodi) June 8, 2024
હજુ ત્રણ અઠવાડિયાં પહેલાં જ ગત 15 મેના રોજ સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. સ્લોવાકિયાના હેન્ડલોવા શહેરમાં એક બેઠક પૂર્ણ કરીને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે એક ઇસમે આવીને ગોળીબાર કરી દીધો હતો, જેમાં પીએમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા અને સર્જરી કરવામાં આવી હતી. જોકે, તેઓ સ્વસ્થ થઈ ગયા છે.
તાજેતરમાં જ ફિકો પહેલી વખત જાહેરમાં દેખાયા. તેમણે એક ફેસબુક વિડીયો પોસ્ટ કરીને હુમલા વિશે વાત કરી હતી. તેમણે આ હુમલાનો દોષ હતાશ થઈ ગયેલા વિપક્ષ અને સરકારવિરોધી મીડિયાએ ઉભા કરેલા દ્વેષપૂર્ણ વાતાવરણને આપ્યો હતો. આ સિવાય તેમણે પોતાના સંબોધનમાં જ્યોર્જ સોરોસનું પણ નામ લીધું અને ફોરેન ફન્ડિંગથી ચાલતાં NGOને પણ ટાર્ગેટ કર્યાં હતાં.