લોકસભા ચૂંટણી 2024ના પરિણામ 4 જૂનના રોજ જાહેર કરી દેવામાં આવ્યા છે. જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, ભાજપના નેતૃત્વમાં NDA ગઠબંધને 292 બેઠકો પર જીત હાંસલ કરી છે. જ્યારે INDI ગઠબંધને 232 બેઠકો જીતી છે. ભાજપે એકલા હાથે 240 બેઠકો જીતી લીધી છે. તેવામાં સ્પષ્ટ છે કે, કેન્દ્રમાં NDAની સરકાર બનશે. પરંતુ પરિણામ બાદ INDI ગઠબંધનના નેતાઓ ઘણા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધીએ પણ એક નિવેદન દરમિયાન સરકાર બનાવવાના દાવાને લઈને સંકેતો આપ્યા છે. પરંતુ બીજી તરફ INDI ગઠબંધનના નેતા મમતા બેનર્જી જ રાહુલ ગાંધીથી નારાજ જોવા મળી રહ્યા છે. તેમણે રાહુલ ગાંધીને લઈને એક નિવેદન આપ્યું છે.
લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ હવે INDI ગઠબંધનમાં જ ભાગલા પડવાના એંધાણ દેખાઈ રહ્યા છે. TMC નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. એક નિવેદન દરમિયાન તેમણે કહ્યું છે કે, “મેં ઉદ્ધવ ઠાકરેને શુભકામનાઓ આપી, મેં શરદ પવારને શુભકામનાઓ આપી, મેં હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેનને શુભકામનાઓ આપી, મેં રાહુલ ગાંધીને પણ જીતની શુભકામનાઓ આપી છે, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ નથી આવ્યો. કારણ કે, તેઓ વ્યવસ્ત હશે.”
"I sent a congratulatory text to Rahul Gandhi. Maybe he is busy with the election. He hasn't contacted me yet, but even if he doesn’t, it doesn't matter to us."
— BALA (@erbmjha) June 5, 2024
Khela ho rha h didi ke sath 😂😭 pic.twitter.com/Z3ipiWLRkF
તેમણે વધુમાં કહ્યું કે, “તેમના તરફથી કોઈ જવાબ નહીં આવે તો મારુ કઈ જવાનું નથી. અમને કોઈ ફરક પડશે નહીં. મેં તેમને કહ્યું હતું કે, બે સીટો લઈ લો અને લડી લો. નહીં તો તે પણ નહીં મળે. મારી વાત તેમણે ના માની અને હવે મારી વાત સાચી સાબિત થઈ કે ના થઈ.” નોંધનીય છે કે, બંગાળમાં બેઠક વિભાજનને લઈને બંને પાર્ટીઓ વચ્ચે અણબનાવ જેવુ થયું હતું. મમતા બેનર્જીએ 2 બેઠકો પર કોંગ્રેસને ઉમેદવાર ઊભા રાખવા માટે કહ્યું હતું. પરંતુ બંને પક્ષે સમાધાન નહીં થતાં અંતે બંગાળમાં બંને પાર્ટીઓ સ્વતંત્ર લડી હતી. જ્યાં હવે TMCએ જીત હાંસલ કરી છે અને કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે.
આ સાથે ઉત્તર પ્રદેશમાં INDIA ગઠબંધનને લઈને મમતા બેનર્જીએ અખિલેશ યાદવની પ્રશંસા પણ કરી હતી અને પોતે એવી ‘ભવિષ્યવાણી’ પણ કરી હતી કે, વિધાનસભામાં અખિલેશ યાદવની સરકાર બનશે. તેમણે કહ્યું કે, “ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવે ખૂબ સારું કામ કર્યું છે. મેં તેમને પણ શુભકામનાઓ આપી છે. મને લાગે છે કે, રાજ્યમાં આગામી સરકાર તેઓ જ બનાવશે.” નોંધનીય છે કે, 5 જુલાઈના રોજ દિલ્હીમાં INDI ગઠબંધનના નેતાઓની બેઠક થવા જઈ રહી છે. તેમાં પણ ઉદ્ધવ ઠાકરેએ બેઠકથી દૂરી બનાવી લીધી છે. તેઓ આ બેઠકમાં સામેલ નહીં થાય. જોકે, તેમણે સંજય રાઉતને બેઠક માટે મોકલ્યા છે. પરંતુ તેમનું બેઠકમાં હાજર ન રહેવું પણ ઘણી ચર્ચાઓને જન્મ આપે છે.