ઇસ્લામી આતંકવાદી સંગઠન હમાસે 7 ઓક્ટોબર, 2023ના દિવસે અચાનક હુમલો કરીને હજારો નિર્દોષ યહૂદીઓને મારી નાખ્યા બાદ ઈઝરાયેલે એક છેડેથી તેનો સફાયો કરવાનું કામ હાથ પર લીધું ત્યારથી હમાસ અવનવા પેંતરા અપનાવીને ઇઝરાયેલ પર આંતરરાષ્ટ્રીય મંચ પર દબાણ લાવવા મથી રહ્યું છે, પણ જોકે અત્યાર સુધી ઈઝરાયેલે બહુ ધ્યાન આપ્યું નથી. આવું જ એક કેમ્પેઇન હમણાં ચાલી રહ્યું છે ને તેમાં આપણે ત્યાંના બૉલીવુડ અભિનેતાઓ પણ કૂદી પડ્યા છે.
બે દિવસથી ઈન્સ્ટાગ્રામ પર એક AI જનરેટેડ ફોટો ફરી રહ્યો છે. રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહથી માંડીને, માધુરી દીક્ષિત, વરુણ ધવન, સોનમ કપૂરથી માંડીને અનેક અભિનેતાઓ-અભિનેત્રીઓએ એક ફોટો સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે, જેમાં લખવામાં આવ્યું છે- ‘All eyes on Rafah’. ગુજરાતીમાં બધાની નજર રાફા તરફ છે. ફોટામાં વિશાળ સંખ્યામાં કન્ટેનર જેવી ચીજો દર્શાવવામાં આવી છે, જે બનાવનારાઓ કે શૅર કરનારાઓનું કહેવું છે કે કોફિન છે. સાથે આ લખાણ લખવામાં આવ્યું છે. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં કરોડો વખત આ શૅર થઈ ચૂક્યું છે. જોકે, વિરોધ પછી અમુકે હટાવી દીધું છે.
Thread🧵
— Incognito (@Incognito_qfs) May 28, 2024
List of celebrities who sold their soul for few lakhs & promoted Jihadi propaganda:
1. Swara Bhasker pic.twitter.com/1Yichb77ZG
હવે આગળ ચર્ચા પહેલાં આ મુદ્દો શું છે તે જાણવું જરૂરી છે.
7 ઓક્ટોબર, 2023ના દિવસે આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયેલ પર હુમલો કરી દીધો અને હજારો નિર્દોષ ઇઝરાયેલી નાગરિકોને મારી નાખ્યા. સેંકડોને બંધક બનાવી લીધા. હમાસના આતંકવાદીઓ સરહદ પાર કરીને પણ ઘૂસી આવ્યા હતા અને બીજી તરફ એકસાથે એટલાં રૉકેટનો મારો ચલાવ્યો કે ઇઝરાયેલની આયરન ડૉમ સિસ્ટમ પણ હાંફી ગઈ. સરહદ પરનાં ગામોમાં આતંકવાદીઓએ નરસંહાર ચલાવ્યો અને હજારો નાગરિકોને માત્ર એટલા માટે મારી નાખ્યા કારણ કે તેઓ ઇઝરાયેલી છે. બીજો તેમનો કોઈ ગુનો ન હતો. અનેક મહિલાઓના રેપ થયા, અનેક બાળકો અનાથ થઈ ગયાં, કેટલાય પરિવારો ખતમ થઈ ગયા.
આ હુમલા પછી ઇઝરાયેલે યુદ્ધ ઘોષિત કરીને હમાસને ખતમ કરવાનું ચાલુ કર્યું છે, જે યુદ્ધ આજે પણ ચાલી રહ્યું છે. દુનિયાના નક્શા પર ઇઝરાયેલ જોશો તો ખ્યાલ આવશે કે તેની પશ્ચિમ બાજુએ એક ગાઝા પટ્ટી નામનો પ્રદેશ આવેલો છે. આ ગાઝા પટ્ટી અને ઇઝરાયેલમાં જેરૂસલેમ નજીક આવેલો થોડો ભાગ (જે વેસ્ટ બૅન્ક કહેવાય છે) બંને સંયુક્ત રીતે પેલેસ્ટાઇન કહેવાય છે. જેમાંથી ગાઝાનું નિયંત્રણ આતંકવાદી સંગઠન હમાસના હાથમાં છે.
હમાસને ખતમ કરવા માટે પહેલાં ઈઝરાયેલે દિવસો સુધી ગાઝા પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા. જેમાં એક પછી એક આતંકવાદી ઠેકાણાં ધ્વસ્ત કરવામાં આવતાં રહ્યાં. પછીથી ઇઝરાયેલે ગાઝામાં અંદર ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરવાનું શરૂ કર્યું અને ગાઝાના નાગરિકોને દક્ષિણ તરફ ચાલ્યા જવા માટે સૂચના આપવામાં આવી. શરૂઆતમાં હમાસે નાગરિકોને અટકાવ્યા હતા, કારણ કે તેઓ તેમને ઢાલ બનાવીને લડવામાં શૂરા છે, પણ આખરે મોટાભાગના નાગરિકો સ્થળાંતર કરી ગયા.
હમણાં મુદ્દો શું છે?
જે રાફા શહેરની વાત થાય છે તે ગાઝાની દક્ષિણ બાજુએ આવેલું એક શહેર છે. રાફા ઇજિપ્ત સરહદે ગાઝાની દક્ષિણ પૂર્વ બાજુએ આવેલું છે. જ્યાં અત્યારે મોટાભાગના નાગરિકો આશરો લઈને રહે છે. અહીં આતંકવાદીઓના કૅમ્પ પણ છે. તાજેતરમાં હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ તરફ રૉકેટ છોડ્યાં હતાં.
આ હુમલાના થોડા જ કલાકો પછી ઇઝરાયેલની સેનાએ સ્પેશિયલ ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે રાફા પર એર સ્ટ્રાઈક કરી દીધી હતી. ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે આ હુમલામાં તેમણે હમાસના બે ટોપ કમાન્ડરો સહિતના આતંકવાદીઓને ફૂંકી માર્યા છે. પણ આ જ હુમલામાં 45 જેટલા નાગરિકો પણ માર્યા ગયા હોવાનું વિદેશી મીડિયા કહી રહ્યું છે. સાથે 200 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જણાવાય રહ્યું છે. આ તમામ નાગરિકો હતા, જેમણે રાફામાં શરણ લીધું હતું.
ઇઝરાયેલનો પક્ષ પણ જાણવો જરૂરી
નાગરિકોના મૃત્યુ બાદ ઇઝરાયેલ પર આંતરરાષ્ટ્રીય સ્તરેથી દબાણ આવવાનું શરૂ થયું અને તાત્કાલિક રાફામાં સૈન્ય ઑપરેશન બંધ કરવાની માંગ થવા માંડી. બીજી તરફ ઇઝરાયેલનું કહેવું છે કે તેમણે જે હુમલો કર્યો હતો તે આતંકવાદીઓનાં ઠેકાણાં પર કર્યો હતો અને તે ઠેકાણું શરણાર્થીઓના કેમ્પથી 1.7 કિલોમીટર દૂર છે. IDF (ઇઝરાયેલી સેના)નું કહેવું છે કે નાગરિકોનાં મોત સેકન્ડરી બ્લાસ્ટથી થયાં હોય શકે, જે બાબતે તેઓ તપાસ કરી રહ્યા છે.
સેકન્ડરી બ્લાસ્ટ એટલે એવું કે ઇઝરાયેલે જે હુમલો કર્યો તેના કારણે હમાસે જે વિસ્ફોટકો સંઘર્યા હોય તે પણ બ્લાસ્ટ થઈ ગયા અને જેના કારણે વધુ નુકસાન ગયું અને નાગરિકો પણ માર્યા ગયા. IDFનું કહેવું છે કે હમાસ જાણીજોઈને જ્યાં નાગરિકોના કેમ્પ હોય ત્યાં જ હથિયારોથી માંડીને વિસ્ફોટકોનો સંગ્રહ કરે છે. સેનાએ કહ્યું કે તેઓ ક્યારેય પણ આ નાગરિકોને ટાર્ગેટ નથી કરતા અને કોઇ બાળકો, મહિલાઓને નુકસાન ન પહોંચે તેનું હંમેશા ધ્યાન રાખે છે. સાથે એમ પણ કહેવામાં આવ્યું કે આ હુમલામાં જેટલા વિસ્ફોટકો વપરાયા હતા તે એક ચોક્કસ ઠેકાણાંને ધ્વસ્ત કરવા માટે પૂરતાં હતાં, તેની માત્રા એટલી પણ ન હતી કે આટલું નુકસાન થાય. બે મિસાઇલો ક્યારેય આવું નુકસાન ન કરી શકે.
હવે કોઇ પણ મુદ્દે કોઈનો વિરોધ કે સમર્થન કરીએ તો સંપૂર્ણ માહિતી સાથે અને તથ્યો જાણીને સંપૂર્ણ ચિત્ર મગજમાં લઈને ઉતરવું પડે. પણ આપણે ત્યાંના કથિત હસ્તીઓ પાસેથી એટલી બધી અપેક્ષા રાખવી તો નરી મૂર્ખામી છે. ઘણાને આમાંથી રાફા ક્યાં આવ્યું તે પણ ખબર નહીં હોય કે અમુકને ઇઝરાયેલ અને હમાસ શું કામ બાખડી રહ્યા છે તેનું સામાન્ય જ્ઞાન પણ નહીં હોય. બની શકે કે આમાંથી અમુકને આવી પોસ્ટ કરવાના પૈસા પણ મળ્યા હોય. માની લઈએ કે એકસાથે આટલા બધાનો અંતરાત્મા જાગી ઊઠ્યો અને પોસ્ટ કરવા માંડ્યા, છતાં તેમના આ સિલેક્ટિવ આઉટરેજ પર પ્રશ્ન ઉઠી રહ્યા છે તે પણ વ્યાજબી છે.
અમુક જ મુદ્દે ઘોંઘાટ કેમ?
આ હસ્તીઓને હવેની ભાષામાં ‘ઇન્ફ્લુએન્સર’ કહેવાય છે, જેમને ઘણા લોકો ફોલો કરતા હોય. તેમને સોશિયલ મીડિયાથી પૈસા કમાવાનો અને આવાં કેમ્પેઇન ચલાવવાનો પણ અધિકાર છે. પણ જ્યારે પ્રશ્ન પૂછાય કે બીજું બધું દુનિયામાં ઘણું બને છે ત્યારે તેઓ કેમ મૌન સેવી લે છે, તેનો તેમની પાસે જવાબ હોતો નથી. હોય તોપણ આજ સુધી કોઈએ આપ્યો નથી.
For Indian Celebrities jumping to catch the “All Eyes on Rafah” trend to remain relevant in news, how about posting something closer home on the terrible state of minority Hindus, Sikhs and Christians in Pakistan who are being abducted, killed and forcibly converted to Islam.
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 29, 2024
આંતરરાષ્ટ્રીય મુદ્દાની વાત કરીએ તો બહુ દૂર જવાની જરૂર નથી. પાકિસ્તાનમાં કે બાંગ્લાદેશમાં હિંદુઓની પરિસ્થિતિ શું છે તે હવે ક્યાંય છૂપું નથી. સોશિયલ મીડિયા અને અલ્ટરનેટિવ મીડિયાના જમાનામાં એવી દરેક બાબત સામાન્ય લોકો સુધી પહોંચે છે જે પહેલાં પાકિસ્તાનથી બહાર જ નહતી આવતી. હિંદુ મહિલાઓ સાથે બળાત્કાર, બાળકો સાથે શોષણ, ધર્માંતરણ માટે દબાણ, ઈશનિંદાના નામે હિંદુઓ સહિતના લઘુમતીઓ પર હુમલા…રોજ આવા સમાચારો પાકિસ્તાનથી આવતા રહે છે. કયા દહાડે અને કયા બૉલીવુડ ‘સેલિબ્રિટી’એ અવાજ ઉઠાવ્યો? ગૂગલ પર જઈને જોશો તો રોજ પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચારના સમાચારો જોવા મળશે. આ બધું શા માટે ધ્યાન નથી આવતું એવો પ્રશ્ન પૂછાય તો એ યોગ્ય છે.
ભારતમાં આટલા લવ જેહાદ અને હિંદુવિરુદ્ધ અત્યાચારના ગુના નોંધાય છે, કોણ બોલ્યું?
આંતરરાષ્ટ્રીય બાબતો જવા દઈએ તો ભારતમાં પણ ‘લવ જેહાદ’ના કેટલા કેસ નોંધાય છે. અનેક હિંદુ મહિલાઓ પર અત્યાચારના સમાચારો આવતા રહે છે, હિંદુઓની શોભાયાત્રા પર હુમલા થાય છે, માત્ર અવાજ ઉઠાવવા બદલ હિંદુઓને મારી નાખવામાં આવે છે. કોણે આજ સુધી અવાજ ઉઠાવ્યો? કોઈએ કન્હૈયાલાલની હત્યા પર એક શબ્દ પણ ઉચ્ચાર્યો? કે પછી ઉમેશ કોલ્હેથી માંડીને કિશન ભરવાડ જેવા નામી-અનામી અનેક લોકો જેઓ ઇસ્લામિક હિંસાના કારણે બલિદાન થઈ ગયા, તેમના માટે કઈ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અને કઈ ટ્વિટર પોસ્ટ લખાઈ હતી?
કાશ્મીરમાં હજારો હિંદુઓએ ઇસ્લામી આતંક અને જેહાદનો ભોગ બનવું પડ્યું અને રાતોરાત ઘરબાર છોડીને ભાગવું પડ્યું, તે મુદ્દો વર્ષો સુધી ચર્ચામાં જ ન લવાયો, અવાજ ઉઠાવવાની તો દૂરની વાત રહી. વર્ષો પછી જ્યારે કોઈએ ફિલ્મ બનાવવાના પ્રયાસ કર્યા તો તેને પ્રોપગેન્ડા ફિલ્મમાં ખપાવી દેનારાઓ પણ આ જ દેશમાં પાક્યા છે અને અહીં જ રહે છે. આવા અનેક મુદ્દાઓ છે, જ્યાં મોઢું ખૂલતું નથી, જીભ ઊપડતી નથી.
ભારતમાં પણ આવી ટૂલકિટ ગેંગ સક્રિય થઈ છે, પણ તે અમુક જ કેસમાં. છેલ્લે કઠુઆ રેપ કેસ વખતે વિગતો જાણ્યા-સમજ્યા વગર બૉલીવુડે ધમપછાડા કર્યા હતા, જેનો મૂળ ઉદ્દેશ્ય પીડિતા માટે અવાજ ઉઠાવવાનો કે ન્યાય અપાવવાનો નહીં પણ હિંદુઓને કોઇ પણ રીતે બદનામ કરવાનો અને ભારતને બદનામ કરવાનો જ દેખાતો હતો.
હવે આવા પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે લેફ્ટ-લિબરલ ટોળકી તેને ‘ટ્રોલિંગ’માં ખપાવી દે છે. પણ બધી જ ટિપ્પણી ટ્રોલિંગ હોતી નથી. એમાં અમુક આવા પ્રશ્નો પણ છે, જેના જવાબો અમુક જ બાબતમાં પ્લેકાર્ડ લઈને નીકળી પડનારી જમાત પાસે નથી હોતા. જ્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો ફોલો કરતા હોય કે વિચારોને સાંભળતા હોય ત્યારે સિલેક્ટિવ એપ્રોચ કામ આવતો નથી. કારણ કે આવાં અભિયાનોના કારણે એક નેરેટિવ બની જાય છે અને તે જ આગળ ચલાવ્યા કરવામાં આવે છે. તેમાં સત્ય ઘણીવાર દબાઈ જતું હોય છે.