વર્ષ 2020નાં દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણો પહેલાં CAA વિરોધી આંદોલન વખતે ભડકાઉ ભાષણો આપવા મામલે જેલમાં બંધ JNUના પૂર્વ ‘વિદ્યાર્થી’ શરજીલ ઇમામને દિલ્હી હાઇકોર્ટે જામીન આપ્યા છે. જોકે, તેણે હજુ જેલમાં જ રહેવું પડશે, કારણ કે તેની વિરુદ્ધ રમખાણોનું કાવતરું ઘડવામાં સામેલ હોવા મામલે પણ કેસ ચાલી રહ્યો છે.
દિલ્હી હાઈકોર્ટની 2 જજની બેન્ચે દેશદ્રોહના કેસમાં શરજીલ ઇમામની જામીન અરજી પર સુનાવણી કરી હતી અને દલીલો અને સુનાવણીને અંતે મંજૂર રાખી હતી. હાલ તે જેલમાં બંધ છે. દિલ્હી રમખાણો કેસ મામલે ચાલતા કેસમાં પણ તેણે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી છે, જેની ઉપર હાલ સુનાવણી ચાલી રહી છે. તેની ઉપર નિર્ણય ન આવે ત્યાં સુધી શરજીલ જેલમાં જ રહેશે.
શરજીલ ઇમામ સામે CAAવિરોધી આંદોલન દરમિયાન દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા અને UPની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જઈને ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે. જે મામલે પછીથી તેની સામે દેશદ્રોહ અને UAPAનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પછીથી આ મામલે UAPAની કલમ 13 પણ ઉમેરવામાં આવી હતી, જેમાં મહત્તમ સજા 7 વર્ષ છે.
શરજીલ ઇમામ દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોનું કાવતરું ઘડવામાં પણ સામેલ હોવાનો આરોપ છે, જે મામલે પણ તેની સામે કેસ ચાલે છે. આ કેસમાં ઉમર ખાલિદ અને તાહિર હુસૈન વગેરે પણ આરોપીઓ છે. ખાલિદ પણ હાલ જેલમાં બંધ છે અને તાજેતરમાં જ ટ્રાયલ કોર્ટે ફરી એક વખત તેની જામીન અરજી ફગાવી દીધી હતી.
ટ્રાયલ કોર્ટે ફગાવ્યા હતા જામીન
શરજીલ ઇમામે ટ્રાયલ કોર્ટમાં અરજી કરીને દલીલ કરી હતી કે ગુનેગાર ઠરે તોપણ તેને જેટલી સજા થાય તેમાંથી અડધી સજા તે કાપી ચૂક્યો છે. તેણે એમ પણ કહ્યું કે, તે ચાર વર્ષથી કસ્ટડીમાં (જેલમાં) છે અને UAPAની કલમ 13 હેઠળ વધુમાં વધુ સજા 7 વર્ષ થઈ શકે છે, જેથી તેને જામીન આપી દેવા જોઈએ. પણ ટ્રાયલ કોર્ટે ગત 17 ફેબ્રુઆરીના રોજ આ અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે જો પ્રોસિક્યુશનને જરૂર પડશે તો તેઓ ફરીથી શરજીલના રિમાન્ડ માંગી શકે છે.
ટ્રાયલ કોર્ટના આદેશ વિરૂદ્ધ તે હાઈકોર્ટમાં ગયો હતો, જ્યાંથી તેને રાહત આપવામાં આવી છે, પણ બીજા કેસ ચાલતા હોવાથી હજુ પણ જેલમાં રહેવું પડશે. નોંધનીય છે કે જે ભાષણને લઈને શરજીલ સામે કેસ થયો હતો અને જેમાં જામીન મળ્યા, તે ભાષણમાં તેણે ઉત્તર-પૂર્વને ભારતથી અલગ કરી દેવા માટે મુસ્લિમોને ભડકાવ્યા હતા.