Friday, November 22, 2024
More
    હોમપેજદેશતમામ બેઠકો પર વધ્યું મતદાન, તૂટ્યો દાયકાઓનો રેકૉર્ડ: આર્ટિકલ 370 હટાવવાના ઐતિહાસિક...

    તમામ બેઠકો પર વધ્યું મતદાન, તૂટ્યો દાયકાઓનો રેકૉર્ડ: આર્ટિકલ 370 હટાવવાના ઐતિહાસિક નિર્ણય બાદ અભૂતપૂર્વ પરિવર્તનનું સાક્ષી બની રહ્યું છે જમ્મુ-કાશ્મીર

    કાશ્મીરમાં દરેક ક્ષેત્રે આજે વિકાસ જોવા મળી રહ્યો છે. રોજગારી, રેલવે, માર્ગ અને વાહનવ્યવહાર, ઉદ્યોગ, મેડિકલ ક્ષેત્ર, મોબાઈલ નેટવર્ક, ટેકનોલોજી જેવા અનેક ક્ષેત્રોમાં આજે કાશ્મીરે હરણફાળ ભરી છે. આવું શક્ય એટલા માટે થઈ શક્યું કારણ કે, કાશ્મીરને હવે કલમ 370થી સ્વતંત્રતા મળી ગઈ છે. તે ખરા અર્થમાં ભારત સાથે જોડાઈ ચૂક્યું છે અને મુખ્ય પ્રવાહમાં ભળી ચૂક્યું છે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કર્યા બાદ પહેલી વખત લોકસભા ચૂંટણી યોજાઇ. જમ્મુ-કાશ્મીરની 5 લોકસભા બેઠકો શ્રીનગર, જમ્મુ, બારામુલા, ઉદ્યમપુર, અનંતનાગ-રાજૌરી પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આ વખતે કાશ્મીરમાં મતદાનના આંકડાઓએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કાશ્મીરની ત્રણેય બેઠકો બારામુલા, શ્રીનગર અને અનંતનાગ-રાજૌરી પર પહેલાં કરતાં મતદાન વધ્યું છે. આ પરિવર્તન ઐતિહાસિક છે અને બધું થઈ રહ્યું છે પ્રદેશમાંથી કલમ 370 હટાવવાના નરેન્દ્ર મોદી સરકારના નિર્ણય બાદ.

    2024ની લોકસભા ચૂંટણીમાં કાશ્મીરમાં ત્રણ લોકસભા બેઠકો પર મતદાન વધ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કાશ્મીરની શ્રીનગર બેઠક પર 38.49% મતદાન નોંધાયું છે. સૌથી વધુ 59.1% મતદાન બારામુલા લોકસભા બેઠક પર નોંધાયું છે. તે સિવાય અનંતનાગ-રાજૌરી લોકસભા સીટ પર 53% મતદાન નોંધાયું છે. કાશ્મીરમાં દશકો બાદ આટલું વધુ મતદાન થઈ શક્યું છે. અનંતનાગ-રાજૌરી બેઠક પર 2019માં માત્ર 9% મતદાન થયું હતું, જ્યારે હવે ત્યાં 53% સાથે તમામ રેકોર્ડ તૂટી ગયા છે.

    ઉપરાંત બારામુલા લોકસભા બેઠક પર 2019માં માત્ર 34.6% મતદાન થયું હતું. જ્યારે 1989માં તે માત્ર 5.48% હતું. તે પહેલાં 1984માં અહીં સૌથી વધુ મતદાન 58.84% નોંધાયું હતું. પરંતુ તે બાદ ક્યારેય આટલે સુધી આંકડો પહોંચી શક્યો નહોતો. જ્યારે હવે 59.1% મતદાન સાથે બારામુલા લોકસભા બેઠક સૌથી આગળ નીકળી ગઈ છે. તે સિવાય શ્રીનગર બેઠકમાં છેલ્લા 28 વર્ષમાં સૌથી વધુ મતદાન 1996માં 41% નોંધાયું હતું. ત્યાર પછી ક્યારેય પણ મતદાન વધી શક્યું નહોતું. 2019માં અહીં 14.43% મતદાન થયું હતું, તે પહેલાં 2014માં 25.86%, 2009માં 25.55%, 2004માં 18.57%, 1999 માં 11.93 અને 1998માં 30.06% મતદાન નોંધાયું હતું. જ્યારે હવે ત્યાં રેકોર્ડ બ્રેક 38.49% મતદાન નોંધાયું છે.

    - Advertisement -

    એટલું જ નહીં, આતંકવાદ પ્રભાવિત જૈનાપુરા વિધાનસભા વિસ્તાર કે જ્યાં 2019માં માત્ર 2% મતદાન થયું હતું, ત્યાં આજે 41% મતદાન નોંધાયું છે. શ્રીનગરમાં પત્રકારોને સંબોધિત કરતી વખતે જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી પાંડુરંગ કુંદબારાવ પોલે જણાવ્યું હતું કે, અનંતનાગ-રાજૌરીમાં 53% મતદાન થયું છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરની પાંચ લોકસભા બેઠકો માટે 58% મતદાન થયું છે. આ પાંચેય સીટો પર છેલ્લા 40 વર્ષોમાં થયેલા મતદાનોમાં આ વખતનો આંકડો સૌથી મોટો છે. આ પહેલાં 2014માં 49% મતદાન થયું હતું, જ્યારે 1996માં 47.99% મતદાન થયું હતું.

    કલમ 370 હટાવ્યા બાદ આવ્યું આ ઐતિહાસિક પરિવર્તન

    કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પહેલી વખતે ચૂંટણી યોજાઇ છે અને તેમાં ઉત્સાહ સાથે લોકોએ ભાગીદારી પણ નોંધાવી છે. સતત ઘણા દાયકાઓથી આતંક, ડર અને દર્દની દહેશત સહન કરતા રહેલા, દુઃખની અંધારી રાતમાંથી પસાર થયેલા કાશ્મીરીઓએ મતદાન માટે ઉત્સાહ બતાવીને સાબિત કર્યું છે કે, તેઓ હવે ભયની જેલમાંથી મુક્ત થયા છે અને લોકશાહીની સોનેરી સવાર જોવા માટે બહાર નીકળી ચૂક્યા છે. હવે તેમને માત્ર વિકાસ દેખાઈ રહ્યો છે. બુથ પર લાગેલી લાંબી-લાંબી કતારો લોકશાહીના આ તહેવારમાં કાશ્મીરની ખુશી વ્યક્ત કરી રહી હતી.

    વડાપ્રધાન મોદીએ શ્રીનગરમાં ચૂંટણી પત્યા બાદ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “શ્રીનગરમાં મતદાન મારા માટે આ ચૂંટણીઓમાં સૌથી વધુ સંતોષકારક ક્ષણ હતી.” આટલું વધુ નોંધપાત્ર પરિવર્તન કલમ 370 નાબૂદ કર્યા બાદ આવ્યું છે, તે સત્યને કોઈ નકારી શકે નહીં. કાશ્મીરમાંથી 370 હટાવવાના કારણે કાશ્મીરીઓને ભારત સાથે સીધું જોડાણ અનુભવાયું છે. જે આ પહેલાં ક્યારેય અનુભવાયું નહોતું. એક કાયદો અને સમાન વિકાસના સિદ્ધાંત સાથે સરકારના તમામ લાભો ભારતના વિવિધ ભાગોની જેમ આજે કાશ્મીર સુધી પણ પહોંચ્યા છે. કાશ્મીરીઓ હવે સીધી રીતે ભારત સાથે જોડાઈ ચૂક્યા છે અને તેથી જ તેમણે લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.

    કાશ્મીરમાં મતદાન વધવાનું સૌથી મોટું કારણ છે સુરક્ષાની સ્થિતિ. કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ એકપણ પ્રકારની મોટી દુર્ઘટના થવા પામી નથી. કાશ્મીરમાં છેલ્લા 5 વર્ષમાં એક પથ્થર પણ ઉછળ્યો નથી. આ વખતે ચૂંટણી સમયે કોઈ વિરોધ પ્રદર્શન થયા નથી અને ચૂંટણી બહિષ્કાર પણ થયા નથી. આવા શાંતિપૂર્ણ વાતાવરણમાં કાશ્મીરમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. કોઈપણ જગ્યાએ અનિચ્છનિય ઘટના કે વિરોધ જોવા મળ્યો નથી. કાશ્મીરીઓએ જે શાંતિની માત્ર કલ્પના જ કરી હતી, તે શાંતિનો મોદી સરકારે છેલ્લા 5 વર્ષમાં અનુભવ કરાવ્યો છે. તેથી નિર્ભય અને મુક્ત થઈને કાશ્મીરીઓએ મતદાન કર્યું અને પોતાના જ તમામ રેકોર્ડ તોડી નાખ્યા.

    આતંકના કાદવમાં ફસાઈ ચૂક્યું હતું કાશ્મીર

    જે કાશ્મીરને પૃથ્વી પરના સ્વર્ગની ઉપમા આપવામાં આવી હતી, તે જ કાશ્મીર સ્વતંત્રતા બાદથી આતંકવાદનું ગઢ બની ગયું હતું. આતંકના કાદવમાં ફસાયેલું કાશ્મીર બહાર નીકળી શકે છે, તેવી આશા પણ કોઈના મસ્તિષ્કમાં જીવિત નહોતી. અગાઉની તમામ સરકારોએ કાશ્મીરને ભાગ્યના ભરોસે છોડી દીધું હતું. કાશ્મીરમાં ઇસ્લામિક આતંક એવું ઘર કરી ગયો હતો કે, લાખોની સંખ્યામાં કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડીને ભાગવું પડ્યું હતું. હિંદુઓની હાલત કફોડી થઈ ગઈ હતી. અલગતાવાદી નેતાઓ અને આતંકવાદીઓ કાશ્મીરને પોતાની જાગીર સમજીને ખુલ્લેઆમ પાકિસ્તાનનું સમર્થન કરતાં હતા અને પાકિસ્તાની ઝંડા ફરકાવતા હતા. તેમ છતાં તત્કાલીન સરકાર મૂકદર્શક બની ભારતના મસ્તક પર થઈ રહેલા ઘા જોઈ રહી હતી.

    સામાન્ય કાશ્મીરીઓને જેહાદના રવાડે ચડાવવામાં આવતા હતા, કાશ્મીરના યુવાધનને રૂપિયાની લાલચ આપીને ભારતીય સૈનિકો પર પથ્થરમારો કરાવવામાં આવતો હતો. એક એવો દિવસ બાકી નહીં હોય, જ્યારે કાશ્મીરમાં હુમલો કે પથ્થરમારાની ઘટના સામે નહીં આવી હોય. કાશ્મીરમાં ચોતરફ બસ હિંસા જ દેખાતી હતી. ભારતના અન્ય રાજ્યોના પ્રવાસીઓને ટાર્ગેટ કરીને મારી નાખવામાં આવતા હતા. કાશ્મીરી પંડિતોનું જીવવું હરામ કરી નાખ્યું હતું. મસ્જિદોમાંથી ખુલ્લેઆમ ધમકીઓ આપી ‘કાફિરો’ને કાશ્મીર છોડવા માટેનું કહેવામાં આવતું હતું. સરજાહેરમાં ‘અલ્લાહુ અકબર’ અને ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા સાથે હત્યાઓ થતી હતી.

    આટલું જ નહીં, પરંતુ અલગતાવાદી નેતાઓ હંમેશા ‘કાશ્મીરની આઝાદી’ના બણગાં ફૂંકીને કાશ્મીરીઓને ગુમરાહ કરી રહ્યા હતા. તેના કારણે મતદાનનો પણ બહિષ્કાર કરવામાં આવતો હતો. તે કાશ્મીરને ભારતથી અલગ ગણતા હતા. દરેક તબક્કે હડતાળો થતી હતી. ભારતીય સેનાના જવાનો પર પથ્થરો વરસાવવામાં આવતા હતા. પણ આખરે એક સમય એવો આવ્યો, જ્યારે કાશ્મીરમાંથી કલમ 370 હટી. મોદી સરકારના આ એક પગલાંથી આજે કાશ્મીરનું આખું ચિત્ર બદલાઈ ગયું છે. કાશ્મીરીઓને આ બધામાંથી આજે મુક્તિ મળી ગઈ છે. પહેલાં કાશ્મીરીઓ આ સમસ્યામાંથી બહાર આવી શકતા નહોતા, પરંતુ હવે નિર્ભય થઈને કાશ્મીરના વિકાસમાં જોતરાઈ ગયા છે.

    આ પગલાંથી માત્ર કાશ્મીરીઓ ભયમુક્ત થયા અને સ્વતંત્રતાનો શ્વાસ લેતા થયા એટલું જ નહીં. પરંતુ કાશ્મીરના સર્વાંગી વિકાસના સાક્ષી પણ તે લોકો રહ્યા છે. થોડા રૂપિયા માટે સેના પર પથ્થરો ચલાવનારા યુવાધનને આજે કાશ્મીરમાં જ રોજગારી મળી રહી છે. કાશ્મીરીઓ આજે દેશના સૌથી મોટા લોકશાહીના પર્વમાં અન્ય દેશવાસીની જેમ ભાગ લઈ રહ્યા છે અને રેકોર્ડ બ્રેક મતદાન સાથે અવ્વલ આવી રહ્યા છે. સ્માર્ટ સીટોઓ બની રહી છે, અત્યાધુનિક ટ્રેનો સાથે કાશ્મીરને જોડી દેવામાં આવ્યું છે. IIM અને AIIMS જેવી આધુનિક મેડિકલ કોલેજો અને હોસ્પિટલો કાશ્મીરીઓને મળી છે. શ્રીનગરની કાયાપલટ તો આજે આખી દુનિયા જોઈ શકે છે. જે લાલચોકમાં એક સમયે પાકિસ્તાની ઝંડા ફરક્તા હતા, આજે ત્યાં શાનથી તિરંગો ફરકી રહ્યો છે. આજે ભારતના વિવિધ રાજ્યોમાંથી પ્રવાસીઓ કાશ્મીર પ્રવાસ પર આવી રહ્યા છે.

    કાશ્મીરમાં દરેક ક્ષેત્રે આજે વિકાસ જોવા મળી રહ્યો છે. બસ સુવિધાથી લઈને, રોજગારી, રેલવે, માર્ગ અને વાહનવ્યવહાર, ઉદ્યોગ, મેડિકલ ક્ષેત્ર, મોબાઈલ નેટવર્ક, ટેકનોલોજી જેવા અનેક ક્ષેત્રોમાં આજે કાશ્મીરે હરણફાળ ભરી છે. આવું શક્ય એટલા માટે થઈ શક્યું કારણ કે, કાશ્મીરને હવે કલમ 370થી સ્વતંત્રતા મળી ગઈ છે. તે ખરા અર્થમાં ભારત સાથે જોડાઈ ચૂક્યું છે અને મુખ્ય પ્રવાહમાં ભળી ચૂક્યું છે. સૌથી મોટું અને મહત્વપૂર્ણ પરિવર્તન એ છે કે, કલમ 370 હટ્યા બાદ કાશ્મીરમાં મતદાન વધી રહ્યું છે, લોકો લોકશાહીને જીવિત રાખવા માટે આગળ આવી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં