લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડા વેબસાઈટ ધ વાયરે ચૂંટણીમાં મતદાનના આંકડાઓ પર ‘સંશોધન’ કરતી વખતે ગોટાળો વાળ્યો છે. ચૂંટણી પંચે પાંચ તબક્કાના મતદાનના તમામ બેઠકો પરના આંકડા મતની સંખ્યા સાથે જાહેર કર્યા બાદ ‘ધ વાયર’ પર એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે 2019ના પહેલા પાંચ તબક્કા કરતાં 2024ના પહેલા પાંચ તબક્કામાં 19.4 કરોડ મત ઓછા પડ્યા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2019માં કુલ મતદારોની સંખ્યા 89.6 કરોડ હતી, જે પાંચ વર્ષ પછી 2024માં 96.8 કરોડ પર પહોંચી. પણ પહેલા પાંચ તબક્કાને લઈને બંને ચૂંટણીની સરખામણી કરવાથી જણાય છે કે 19.4 કરોડ મત 2024ની ચૂંટણીમાં ઓછા પડ્યા છે. આ દાવો વળી ચૂંટણી પંચના ડેટાના આધારે જ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
ધ વાયરે રિપોર્ટમાં કહ્યું કે, 2019માં પહેલા પાંચ તબક્કામાં 70.01 કરોડ મત પડ્યા હતા, પણ 2024માં 5 તબક્કામાં 50.7 કરોડ મતો જ પડ્યા. જ્યારે 2024માં 2 બેઠકો પણ વધારે હતી. રિપોર્ટ અનુસાર, 2019ની લોકસભા ચૂંટણીમાં પાંચ તબક્કામાં કુલ 426 બેઠકો પર મતદાન થયું હતું, જ્યારે 2024માં પાંચ તબક્કાઓમાં 428 સીટો પર વૉટિંગ થયું. છતાં મત ઓછા પડ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો.
ત્યારબાદ રિપોર્ટમાં ધ વાયરે તબક્કાવાર 2019માં કેટલા મત પડ્યા હતા તે અને 2024માં કેટલા પડ્યા તેની ગણતરી માંડી અને દાવો કરી દીધો કે 2019 કરતાં 2024માં પહેલા પાંચ તબક્કામાં 19.4 કરોડ મત ઓછા પડ્યા છે. પણ વાસ્તવિકતા કંઈક જુદી છે.
2019ના કુલ મતદારોની સંખ્યા 2024માં જેમણે મતદાન કર્યું તેની સાથે સરખાવવામાં આવી!
વાસ્તવમાં મીડિયા પોર્ટલે 2019માં પ્રથમ પાંચ તબક્કામાં જેટલા કુલ મતદારો હતા (70.01 કરોડ) તેની સરખામણી 2024માં જેટલા મતો પડ્યા છે તેની સાથે કરી દીધી છે!
2019ની લોકસભા ચૂંટણીમાં તમામ સાત તબક્કામાં કુલ મતો પડ્યા હતા 61 કરોડ. હવે આખી ચૂંટણીમાં જ જો 61 કરોડ વૉટ પડ્યા હોય તો પાંચ તબક્કામાં તેનાથી વધુ (70.01 કરોડ) મત કઈ રીતે પડી શકે? વાસ્તવમાં અહીં ધ વાયરે જે 70.01 કરોડ મતદારોનો આંકડો લખ્યો છે તે કુલ પડેલા મતનો નહીં પણ પાંચ તબક્કામાં જ્યાં-જ્યાં ચૂંટણી થઈ હતી ત્યાં કુલ મતદારોનો છે!
According to The Wire, 14.2 Crore people voted in 1st phase in 2019.
— Facts (@BefittingFacts) May 26, 2024
According to ECI, 14.2 Crore is total number of eligible voters 😂 pic.twitter.com/ExHfFkOlHu
વાયરે લખ્યું છે કે વર્ષ 2019માં પહેલા તબક્કામાં કુલ 14.2 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. પણ હકીકત એ છે કે આ આંકડો મતદાન કરનારા લોકોનો નહીં પણ પહેલા તબક્કામાં જ્યાં ચૂંટણી થવાની હતી ત્યાં કુલ મતદારો કેટલા છે તેનો હતો. ચૂંટણી પંચના ડેટા અનુસાર, 2019માં પ્રથમ તબક્કામાં મતદાન માટે પાત્ર મતદારોની સંખ્યા 14.2 કરોડ હતી. પણ આ સંખ્યા કેટલા મતો પડ્યા છે તેની નથી. કુલ મતો સ્વભાવિક આનાથી ઓછા જ પડ્યા હોય. જેટલા માન્ય મતદારો હોય તેનાથી વધુ મત ન પડે.
આવું જ બાકીના તબક્કાઓ માટે પણ કરવામાં આવ્યું છે. જ્યાં જે-તે તબક્કામાં માન્ય મતદારોની સંખ્યાને મતદાન કરનારાઓની સંખ્યા ગણી લેવામાં આવી. જે બહુ મોટી ખામી છે. કારણ કે આ રીતે ગણતરી ન કરી શકાય. મજાની વાત એ છે કે ધ વાયરે આ આંકડાઓ માટે જે પ્રેસ રિલીઝનો આધાર લીધો છે તે દરેક પ્રેસ રીલીઝ જે-તે તબક્કાના મતદાન પહેલાં બહાર પાડવામાં આવી હતી. એટલે સ્વભાવિક તેમાં મતદાન કેટલું થયું તેનો ડેટા ન જ હોય, તેમાં માત્ર એ જ ડેટા હોય કે જે-તે મતવિસ્તારમાં મતદારો કેટલા છે. છતાં ધ વાયરે તેને કેટલું મતદાન થયું તેનો ડેટા ગણી લીધો.
આ વખતે ટકાવારી થોડી ઘટી, પણ મતદારો વધ્યા: વાયરનો દાવો સાવ ખોટો
ડેટાનો અભ્યાસ કરતાં જાણવા મળે છે કે 2019માં પહેલા પાંચ તબક્કામાં કુલ 71,14,40,983 મતદારો હતા. જેમાંથી 48,47,07,015 મતદારોએ મતદાન કર્યું. ટકાવારી જોઈએ તો તે 68.13 ટકા જેટલી થાય છે. 2024માં જ્યારે પહેલા પાંચ તબક્કામાં કુલ 76,40,80,337 મતદારો છે, જેમાંથી 50,72,97,288 લોકોએ મતદાન કર્યું. આ ટકાવારી 66.39% જેટલી થઈ છે. ટકાવારીમાં ભલે નાનકડો ઘટાડો જોવા મળશે, પણ સંખ્યાની રીતે જોશો તો લગભગ 2 કરોડ 25 લાખ જેટલા મતદારો 2024માં વધ્યા છે.
એટલે અહીં ધ વાયરે કરેલો દાવો, જેમાં જણાવાયું છે કે 2024માં કરોડો મતનો ઘટાડો નોંધાયો, સદંતર ખોટો છે. તેમણે સામાન્ય ગણિતમાં ભૂલ કરી છે અને ગોટાળો વાળ્યો છે. સરખામણી કરવા માટે એક ચૂંટણીના કુલ મતદારો અને બીજી ચૂંટણીમાં પડેલા મતો ન ગણાય. તો બંને ચૂંટણીમાં કેટલા મતો પડ્યા તે ગણવા પડે અને તેમ ગણીએ તો 2024માં મતદાન વધ્યું હોવાનું જ જાણવા મળે છે.
આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં ‘ધ વાયર’નો આ રિપોર્ટ હજુ પણ દૃશ્યમાન થાય છે. તેમાં કોઇ પ્રકારનો સુધારો કે સ્પષ્ટતા કરવામાં આવેલ હોય તેમ જણાતું નથી.