આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને મારપીટ થઈ હોવાનો મામલો ઘણા દિવસથી ચર્ચામાં છે. આ ઘટના ગત 13 મેના રોજ બની હતી, જે મામલે કેજરીવાલના PA (જેની ઉપર માલીવાલ સાથે મારપીટ કરવાનો આરોપ છે) બિભવ કુમારની ધરપકડ પણ થઈ ચૂકી છે. હવે આ મામલે સ્વાતિએ પહેલી વખત મીડિયા સામે આવીને વિગતવાર જણાવ્યું છે કે પોતાની સાથે શું બન્યું હતું.
ન્યૂઝ એજન્સી ANIનાં તંત્રી સ્મિતા પ્રકાશ સાથે એક પોડકાસ્ટમાં સ્વાતિ માલીવાલે જણાવ્યું કે બિભવ કુમારે તેમને નિર્દયતાથી માર માર્યો હતો અને બૂમાબૂમ કરવા છતાં તેમને બચાવવા માટે કોઇ આવ્યું ન હતું. તે સમયે અરવિંદ કેજરીવાલ પણ ઘરે હાજર હતા તેવું તેમણે જણાવ્યું છે.
ગુરુવારે પ્રસારિત થનાર આ પોડકાસ્ટનો થોડો હિસ્સો ANIએ શૅર કર્યો છે. જેમાં સ્વાતિ માલીવાલ પોતાની સાથે બનેલી ઘટનાઓ વિશે જણાવે છે. 13 મેના રોજ બનેલી ઘટનાઓ વિશે સ્મિતા પ્રકાશે પૂછતાં તેમણે જણાવ્યું કે, હું 13 મેના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ અરવિંદ કેજરીવાલન મળવા માટે તેમના નિવાસસ્થાને ગઈ હતી. મને ત્યાં સ્ટાફે ડ્રોઈંગ રૂમમાં બેસાડી અને જણાવ્યું કે અરવિંદજી ઘરે છે અને મને મળવા આવી રહ્યા છે.”
EP-179 with Swati Maliwal | Full Interview to be played out at 4 pm to all ANI agency subscribers. (Digital rights cleared)
— ANI (@ANI) May 23, 2024
"Not giving clean-chit to anyone…Kejriwal was at home…" Swati Maliwal recounts her ordeal of May 13#ANIpodcast #SwatiMaliwal #ArvindKejriwal #AAP pic.twitter.com/ZJQPIBwzcZ
આગળ તેમના અનુસાર, “એટલામાં બિભવ કુમાર જે તેમના PS હતા, તેઓ ત્યાં આવે છે અને મેં તેમને કહ્યું પણ કે, શું થયું? અરવિંદજી આવી રહ્યા છે? એટલું મેં કહ્યું અને તેમણે મારી ઉપર હાથ ઉઠાવ્યો. તેમણે મને સાતથી આઠ થપ્પડ મારી. મેં તેમને ધક્કો મારવાના પ્રયાસ કર્યા તો તેમણે મારો પગ પકડી લીધો અને મને ઘસડી. જેથી મારું માથું સેન્ટર ટેબલ સાથે અથડાયું અને હું નીચે પડી ગઈ તો તેમણે મને લાત મારવાનું શરૂ કરી દીધું.” સ્વાતિએ કહ્યું કે, હું બૂમાબૂમ કરીને મદદ માટે બૂમ પાડી રહી હતી, પણ મદદ માટે કોઇ ન આવ્યું.
જ્યારે સ્મિતા પ્રકાશે પૂછ્યું કે એવું તો ન જ બની શકે કે મુખ્યમંત્રીના ઘરમાં મારપીટ થઈ રહી હોય અને કોઇ બહાર જ ન નીકળે. જવાબમાં સ્વાતિ માલીવાલે કહ્યું કે, “એ જ અચરજની વાત છે. હું જોરજોરથી બૂમો પાડી રહી હતી અને કોઇ મદદ માટે ન આવ્યું.” જ્યારે પૂછવામાં આવ્યું કે શું બિભવે કોઈના કહેવાથી મારપીટ કરી હોય શકે, તેના જવાબમાં કહ્યું કે, “બિભવે એકલાએ મારી, કોઈની સૂચના પર મારપીટ કરી, એ બધી બાબતો તપાસનો વિષય છે. હું દિલ્હી પોલીસને સહયોગ આપી રહી છું.”
તેમણે કહ્યું કે, “હું કોઇને ક્લીનચિટ આપી રહી નથી. તથ્ય એ છે કે હું ડ્રોઈંગ રૂમમાં હતી. અરવિંદજી (કેજરીવાલ) ઘરે હતા અને મને બહુ ખરાબ રીતે મારવામાં આવી. હું બૂમો પાડી રહી હતી, પણ કોઇ ન આવ્યું.” ફરિયાદને લઈને તેમણે કહ્યું કે, મેં આજ સુધી અનેક મહિલાઓને સમજાવી છે કે તેઓ અન્યાય સામે લડે અને ફરિયાદ નોંધાવે તો આજે મારી સાથે થયું છે તો હું કેમ ન લડું?