ભારતમાં 8 દિવસ પહેલાં ગુમ થઈ ગયેલા બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમ અનારની પશ્ચિમ બંગાળમાં હત્યા થઈ હોવાની આશંકા છે. કોલકાતામાં અનેક ટુકડાઓમાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે. 12 મે, 2024ના રોજ તેઓ બાંગ્લાદેશથી ભારત પોતાની સારવાર માટે આવ્યા હતા. તેના થોડા દિવસો પછી તેમની પુત્રીએ ફરિયાદ કરી હતી કે, તેમના પિતા ભારતમાં કોઈ જગ્યાએ ગુમ થઈ ગયા છે. તેમનો સંપર્ક પણ થઈ શક્યો નથી. જ્યારે હવે જાણવા મળી રહ્યું છે કે, કોલકાતામાં તેમની હત્યા થઈ હોવાની સંભાવના છે. આ સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર, કોલકાતા પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમની કોલકાતામાં હત્યા થઈ હોવાની સંભાવના છે. ઘટનાને આયોજનપૂર્વક અંજામ આપવામાં આવ્યો હોય શકે છે. તેમનો મૃતદેહ અનેક ટુકડાઓમાં કપાયેલો મળી આવ્યો છે. તેમાંથી ઘણા ટુકડા કોલકાતાના ન્યુ ટાઉન સ્થિત સંજીવા ગાર્ડનના એક એપાર્ટમેન્ટમાં મળી આવ્યા હતા.
#UPDATE | "MP Anwarul Azim Anar has been killed in Kolkata, and three have been arrested in Bangladesh," said Bangladesh Home Minister Asaduzzaman Khan at his residence in Dhaka. https://t.co/Xc9VyQA5eU pic.twitter.com/PiEP1y5tkB
— ANI (@ANI) May 22, 2024
બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુજ્જમ ખાને અનવારુલ અઝીમના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, “ભારતના એક DIGના હવાલેથી, અમારી પોલીસને જાણવા મળ્યું છે કે, અઝીમનો મૃતદેહ કોલકાતામાં મળી આવ્યો છે અને આ મામલે ત્રણની ધરપકડ કરવામાં આવી છે. ઇન્સ્પેકટર જનરલ આ મામલાની તપાસ કરી રહ્યા છે. બધી પુષ્ટિ થયા બાદ આ વિષય પર મીડિયાને માહિતી આપવામાં આવશે.”
આ ઉપરાંત સાંસદના અંગત સચિવ અબ્દુલ રઉફે આ અંગે નિવેદન આપ્યું છે કે, તેમને સાંસદના મૃત્યુ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી. પરંતુ સાંસદનો પરિવાર ઢાકામાં ભારતીય વિઝા માટે રાહ જોઈ રહ્યો છે. તેથી બની શકે કે, કોઈ દુર્ઘટના થઈ હશે. નોંધવા જેવુ છે કે, અનાવરૂલ અઝીમનો મૃતદેહ તેમના ગુમ થયાના 8 દિવસ બાદ મળ્યો છે. આ પહેલાં તેમના ગુમ થયાના સમાચાર સામે આવ્યા હતા.
ભારે શોધખોળ પછી પણ તેમને શોધી શકાયા નહોતા. તેમનું છેલ્લું લોકેશન બિહારના મુઝફ્ફરપુરમાં મળી આવ્યું હતું. સાંસદની પુત્રીએ ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટિવ બ્રાન્ચને આ અંગે મદદ માટે અપીલ કરી હતી. તેમની પુત્રીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તેમના પિતા કે, જેઓ ત્રણ વખતના સાંસદ છે અને કાલીગંજ ઉપજિલ્લામાં આવામી લીગના અધ્યક્ષ રહી ચૂક્યા છે, તે મળી શક્યા નથી. તેઓ એક કાને સાંભળી શકતા નહોતા અને તેની સારવાર માટે જ તેઓ ભારત આવ્યા હતા. ત્યારબાદ તેમણે કોઈના પણ ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું હતું.