એક અતિ મહત્વનો ચુકાદો આપતાં કલકત્તા હાઈકોર્ટે 2010 બાદ રાજ્ય સરકારે જેટલાં OBC સર્ટિફિકેટ ઈસ્યુ કર્યાં હશે તેને નિરસ્ત કરવાનો આદેશ આપ્યો છે. OBC પ્રમાણપત્રો આપવાની પ્રક્રિયા વિરુદ્ધ હાઇકોર્ટમાં કરવામાં આવેલી એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતી ડિવિઝન બેન્ચે બુધવારે (22 મે) આ ચુકાદો આપ્યો.
કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ કમિશન ફૉર બેકવર્ડ ક્લાસને આદેશ આપીને ‘વેસ્ટ બેંગાલ કમિશન ફૉર બેકવર્ડ ક્લાસ એક્ટ ઑફ 1993’ હેઠળ OBCની એક નવી યાદી બનાવવા માટે પણ નિર્દેશ કર્યા છે. આ યાદી તૈયાર થઈ ગયા બાદ વિધાનસભાને મોકલવાની રહેશે. વિધાનસભા નક્કી કરશે કે કોને OBCમાં સમાવવા અને કોને નહીં.
The Calcutta High Court has cancelled all OBC certificates issued in West Bengal after 2010.
— ANI (@ANI) May 22, 2024
The list of backward classes is to be prepared according to the new Act of 1993. The list will be prepared by the West Bengal Backward Classes Commission. Those who were in the OBC list… pic.twitter.com/p2ANc0Giwn
હાઈકોર્ટના આદેશના કારણે 2010 બાદ જે-જે OBC સર્ટિફિકેટ ઈસ્યુ કરવામાં આવ્યાં હશે તે રદબાતલ ઠેરવવામાં આવશે. લગભગ 5 લાખથી વધુ OBC સર્ટિફિકેટ રદ કરવામાં આવશે તેવું મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યા છે. જોકે, જેમને 2010 બાદ OBC અનામતના આધારે નોકરી મળી હશે અને જેમની ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે તેમને આ આદેશની અસર પડશે નહીં. ઉપરાંત, 2010 પહેલાં જે-જે સમુદાયોને OBCમાં સમાવવામાં આવ્યા હશે તે યાદીમાં યથાવત રહેશે.
કોર્ટે વેસ્ટ બેંગાલ બેકવર્ડ ક્લાસિસ (ST અને SC સિવાય) (રિઝર્વેશન ઑફ વેકન્સીસ ઇન સર્વિસિસ એન્ડ પોસ્ટ) એક્ટ, 2012ની કલમ 2H, 5, 6 અને કલમ 16 તેમજ 1 અને 3ને ગેરકાયદેસર ગણાવીને રદબાતલ ઠેરવી છે.
2011થી બંગાળમાં મમતા સરકાર
નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં 2011થી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે. જેથી આ આદેશની અસર એવા સમુદાયો પર જ પડશે, જેને મમતા સરકાર આવ્યા બાદ OBCમાં સમાવવામાં આવ્યા હતા. હાઈકોર્ટે નોંધ્યું કે 2010 બાદ OBC સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયામાં કાયદાનું પાલન કરવામાં આવ્યું ન હતું, જેથી આ તમામ સર્ટિ રદ કરવામાં આવે. માત્ર જેઓ લાભ લઇ ચૂક્યા છે તેમને જ અસર નહીં થાય અને તેઓ નોકરી ચાલુ રાખી શકશે.
વર્ષ 2012માં હાઇકોર્ટમાં એક અરજી કરીને મમતા સરકારના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. સાથે દલીલ એવી આપવામાં આવી કે તૃણમૂલ કોંગ્રેસ સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય પશ્ચિમ બંગાળ બેકવર્ડ વેલફેર કમિશન એક્ટ ઑફ 1993થી વિરુદ્ધ છે. જેના કારણે જેઓ ખરેખર પછાત વર્ગમાંથી આવે છે તેઓ લાભથી વંચિત થઈ રહ્યા છે.
નોંધવા જેવી બાબત એ પણ છે કે વર્ષ 2023માં NCBC (નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિસ) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે બંગાળમાં રોહિંગ્યા અને ગેરકાયદેસર બાંગ્લાદેશી શરણાર્થીઓને પણ OBC સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં. NCBCએ એમ પણ જણાવ્યું હતું કે, રાજ્યમાં હિંદુઓની વસતી વધુ હોવા છતાં તેમની સરખામણીએ મુસ્લિમ OBC જાતિઓ વધુ હતી.