આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે આખરે પોતાની સાથે બનેલી ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે. દિલ્હી પોલીસ તરફથી આ જાણકારી મળી રહી છે. તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનમાં સ્વાતિ માલીવાલ સાથે કેજરીવાલના PA બિભવ કુમારે મારપીટ અને દુર્વ્યવહાર કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, ત્યારથી મામલો ચર્ચામાં છે.
Swati Maliwal assault case | AAP Rajya Sabha MP Swati Maliwal has given a Police complaint: Delhi Police Sources pic.twitter.com/otd9NX7w47
— ANI (@ANI) May 16, 2024
ગુરુવારે (16 મે) દિલ્હી પોલીસના અધિકારીઓ સ્વાતિ માલીવાલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમનું નિવેદન નોંધ્યું હતું. એડિશ્નલ કમિશનર ઑફ પોલીસ રેન્કના અધિકારીએ ટીમ સાથે લગભગ ચાર કલાક સુધી સ્વાતિ માલીવાલ પાસેથી વિગતો મેળવી હતી. અહીં સાંસદે લેખિત ફરિયાદ પણ નોંધાવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ જલ્દીથી જ આ મામલે હવે FIR દાખલ કરશે.
આ ઘટના સોમવારે (13 મે) બની હતી. સવારે અચાનક સમાચાર સામે આવ્યા હતા કે કેજરીવાલના નિવાસસ્થાનેથી એક ફોન ગયો હતો, જેમાં એક વ્યક્તિએ પોતાની સાથે મારપીટ થઈ હોવાનું જણાવ્યું હતું. પછીથી સામે આવ્યું કે ફોન કરનાર વ્યક્તિ બીજી કોઇ નહીં પરંતુ દિલ્હી મહિલા આયોગનાં પૂર્વ ચેરમેન અને હાલ આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ હતાં.
રિપોર્ટ્સ અનુસાર, પોલીસ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચતાં સ્વાતિ ત્યાંથી પોલીસ મથકે પણ પહોંચ્યાં હતાં, પરંતુ ત્યારબાદ તેમને અમુક ફોન આવતાં ત્યાંથી ચાલ્યાં ગયાં હતાં અને કહ્યું હતું કે તેઓ ફરી આવીને પોલીસ ફરિયાદ નોંધાવશે. પરંતુ તેઓ પહોંચ્યાં ન હતાં. પરંતુ હવે તેમણે પોલીસને ફરિયાદ આપી હોવાનું કહેવાય છે.
સ્વાતિ માલીવાલે આપેલી પોલીસ ફરિયાદમાં કોની ઉપર શું આરોપ લગાવવામાં આવ્યા છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ વિગતોની રાહ જોવામાં આવી રહી છે. હાલ પોલીસે ફરિયાદ આપી હોવાનું જણાવ્યું છે, પરંતુ ગુનો નોંધાયો કે કેમ તે આ ક્ષણે જાણી શકાયું નથી.