વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (PoK) થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ વિસ્તાર હંમેશા ભારતનો હિસ્સો રહેશે. ઉંચા મોંઘવારી દરને કારણે ત્યાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જયશંકરે કહ્યું કે PoKના લોકો કદાચ જમ્મુ અને કાશ્મીર સાથે તેમની સ્થિતિની તુલના કરી રહ્યા છે અને કહે છે કે ભારતના આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ઝડપથી પ્રગતિ થઈ છે. 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરની પ્રગતિ જોઈને પીઓકેમાં ખળભળાટ મચી ગયો છે.
અહેવાલો અનુસાર જયશંકરે કહ્યું કે, “PoKમાં અશાંતિ છે, તમે તેને સોશિયલ મીડિયા અથવા ટેલિવિઝન પર જોઈ શકો છો. આનું વિશ્લેષણ ખૂબ જટિલ છે, પરંતુ ચોક્કસપણે, મારા મનમાં કોઈ શંકા નથી કે પીઓકેમાં રહેતો કોઈ વ્યક્તિ ખરેખર જમ્મુ અને કાશ્મીરમાં રહેતા કોઈ વ્યક્તિ સાથે તેમની પરિસ્થિતિની તુલના કરી રહ્યો છે. તે કહે છે કે આજે ત્યાંના લોકો ખરેખર કેવી રીતે પ્રગતિ કરી રહ્યા છે.” વિદેશ મંત્રી જયશંકરે વધુમાં કહ્યું કે તેઓ જાણે છે કે તેઓ કબજા હેઠળ છે, તેમની સાથે ભેદભાવ અને ખરાબ વર્તન થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટપણે આવી કોઈપણ સરખામણી તેમના મન પર હાવી થશે જ.
PoK હંમેશાથી ભારતનું અભિન્ન અંગ છે- જયશંકર
જ્યારે પૂછવામાં આવ્યું કે PoK ભારતમાં ક્યારે ભળી જશે, ત્યારે જયશંકરે પ્રશ્ન સુધાર્યો અને પુનરોચ્ચાર કર્યો કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનો હિસ્સો છે અને હંમેશા રહેશે. તેમણે કહ્યું કે, “મને ખબર નથી કે તમે વિલીનીકરણનો શું અર્થ કરો છો, કારણ કે તે ભારતનો એક ભાગ રહ્યો છે, તે હંમેશા ભારતનો ભાગ રહેશે. જો તમે મને પૂછશો કે પાકિસ્તાનનો કબજો ક્યારે દૂર થશે, તો મને તે ખરેખર ખૂબ જ રસપ્રદ લાગશે.”
PoKમાં ચાલી રહ્યા છે હિંસક વિરોધ પ્રદર્શનો
PoKમાં છેલ્લા 2-3 દિવસથી યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી હતી. લોકો પાકિસ્તાની હૂકુમતના અત્યાચાર અને મોંઘવારીથી કંટાળીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. અનેક જગ્યાએ પાકિસ્તાની ફોર્સે લોકો પર ફાયરિંગ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જે બાદ પાકિસ્તાની સરકાર દ્વારા 23 અરબનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં હજુ પણ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. ઘણા દિવસોથી અહીં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. મરનારા લોકોની સંખ્યા પણ વધીને ત્રણ થઈ ગઈ છે.
નોંધનીય છે કે, પાકિસ્તાની સરકારના અત્યાચાર વિરુદ્ધ PoKના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ સાથે તે લોકોએ ભારતમાં વિલયની પણ માંગણી કરી હતી. સ્થિતિ એવી થઈ રહી હતી કે, પાકિસ્તાની સરકારે ન છૂટકે પણ કાશ્મીરીઓ સામે ઘૂંટણિયા ટેકવવા પડ્યા હતા. આ પહેલાં ભારતના અનેક દિગ્ગજ નેતાઓએ PoKને પરત લેવાની વાત કરી હતી.