ભારત સાથે સંબંધ ખરાબ કરીને ઇસ્લામિક દેશ માલદીવ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. હવે આ વિવાદનો અંત આવવો જ મુશ્કેલ લાગી રહ્યો છે. જાન્યુઆરી 2024માં વડાપ્રધાન મોદી લક્ષદ્વીપના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે તે પ્રદેશની પ્રશંસા કરી હતી. હવે માત્ર આ જ ઘટના પર માલદીવ ભડકી ઉઠ્યું હતું અને તેના 3 મંત્રીઓએ PM મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી દીધી હતી. ત્યારબાદ બંને નેતાઓને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, ભારતીય સેનાની વાપસી બાદ માલદીવમાં સેનાના હેલિકોપ્ટર-વિમાન ઉડાવી શકે તેવા કોઈ પાયલેટ જ નથી બચ્યા.
માલદીવમાં હવે હેલિકોપ્ટર-વિમાન ઉડાવી શકે તેવા પાયલેટ જ નથી રહ્યા. ભારત પાસેથી દાનમાં મળેલા એરક્રાફ્ટ માલદીવ પાસે છે, પરંતુ તે હવે તેનો ઉપયોગ કરી શકે તેમ જ નથી. કારણ કે માલદીવનો કોઈપણ સૈનિક તે એરક્રાફ્ટને હેન્ડલ કરવામાં સક્ષમ નથી. આ વાતની સ્પષ્ટતા માલદીવના સંરક્ષણ મંત્રી ઘાસન મૌમૂને કરી છે. આવું થવા પાછળનું કારણ એ છે કે, ભારતીય સેનાના જવાનો પરત દેશમાં આવી ગયા છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ત્યાં તૈનાત ભારતીય સેનાના 76 જવાનોને માલદીવ છોડવાનો આદેશ આપ્યો હતો.
માલદીવની આ હરકત બાદ ભારતે પોતે જ પોતાના સૈનિકોને દેશમાં પરત બોલાવી લીધા હતા. હવે માલદીવે ત્યાં આર્મીની જગ્યાએ નાગરિક પોલીસને તૈનાત કરી દીધી છે. માલદીવના સંરક્ષણ મંત્રીએ શનિવારે (11 મે, 2024) રાષ્ટ્રપતિ કાર્યાલયમાં પ્રેસ કૉન્ફરન્સ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘માલદીવિયન નેશનલ ડિફેન્સ ફોર્સ’ (MNDF)માં એવો એકપણ જવાન નથી, જે ભારત દ્વારા દાનમાં મળેલા 2 હેલિકોપ્ટર અને 1 ડોર્નિયર વિમાનને ઉડાવવામાં સક્ષમ હોય.
આ એરક્રાફ્ટને ઉડાવવા માટે તાલીમના કેટલાય તબક્કાઓ જરૂરી છે, જે માલદીવના કોઈ પાઈલટે પૂરા કર્યા નથી. આવી સ્થિતિમાં આ ત્રણેય વિમાનોને ઉડાડવા માટે કોઈની પાસે લાયસન્સ નથી. નોંધનીય છે કે, મોહમ્મદ મુઈઝુના શાસનકાળમાં માલદીવ ચીન તરફ વધુ ઢળી રહ્યું છે. માલદીવ દ્વારા ભારત પરત મોકલવામાં આવેલા મોટાભાગના સૈનિકો પાયલેટ, ટેકનિકલ નિષ્ણાતો અને ક્રૂ હતા. જોકે, માલદીવનું કહેવું છે કે સેનાહિયા મિલિટરી હોસ્પિટલમાંથી ભારતીય ડોક્ટરોને હટાવવાનો તેનો કોઈ ઈરાદો નથી.