એક બાજુ ક્ષત્રિય સંકલન સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર અને માત્ર ભાજપનો જ વિરોધ કરશે, ભલે AAP અને કોંગ્રેસ રજા-મહારાજાઓ વિશે ગમેતેટલું ખરાબ બોલે. જે બાદ ક્ષત્રિય સમાજની અંદરથી જ સમિતિના વિરોધમાં સૂર ઊઠ્યા છે. તેવામાં હવે માંધાતાસિંહની આગેવાનીમાં રાજકોટના રણજીતવિલાસ પેલેસ ખાતે યોજાયેલ રાષ્ટ્ર પ્રથમ ચિંતન શિબિર બાદ ગુજરાતના 45 રાજવીઓએ ભાજપ અને મોદીને સમર્થન કરવાની જાહેરાત કરી દીધી છે.
અહેવાલો અનુસાર ગુરુવાર, 2 મેના રોજ રાજકોટના પૂર્વ રાજવી માંધાતાસિંહ જાડેજાએ સૌરાષ્ટ્ર અને કચ્છના રાજવીઓની એક બેઠક બોલાવી હતી. રણજીતવિલાસ પેલેસ ખાતે આયોજિત આ બેઠકને ‘રાષ્ટ્ર પ્રથમ ચિંતન શિબિર’ નામ આપવામાં આવ્યું હતું અને સવારના 8:45એ તે શરૂ થઈ હતી.
આ બેઠકમાં 15 રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે હવે આવનાર ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ કઈ દિશામાં આગળ વધશે એ બાબતે ચર્ચા થઈ હતી. છેલ્લે સર્વાનુમતે એમ નક્કી કરવામાં આવ્યું કે તેઓ સૌ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સમર્થન કરશે. PM મોદી પોતે રાષ્ટ્ર પ્રથમનો મંત્ર લઈને કામ કરે છે અને ક્ષત્રિય રાજવીઓ માટે પણ રાષ્ટ્ર પ્રથમ જ પ્રાથમિકતા હોવાથી આ નિર્ણય લેવાયો છે.
નોંધનીય છે કે બેઠકમાં હાજર 15 રાજવીઓ ઉપરાંત બાકીના રાજવીઓએ પોતાનો પત્ર લખીને આ નિર્ણયને સમર્થન જાહેર કર્યું છે. આમ ગુજરાતના 45 રાજવીઓએ એકીસૂરે PM મોદી અને ભાજપને સમર્થન કરવાની જાહેરાત કરી દીધી છે.
‘આ ક્ષત્રિય નહીં કોંગ્રેસ સંકલન સમિતિ છે‘- પદ્મિનીબા વાળા
આ પહેલા સંકલન સમિતિએ રાહુલ ગાંધી અને AAP ઉમેદવાર ઉમેશ મકવાણા દ્વારા કરવામાં આવેલ રજ-મહારાજાઓ માટે અપમાનજનક નિવેદનોને અવગણીને જાહેરાત કરાઈ હતી કે તેઓ માત્ર અને માત્ર ભાજપનો જ વિરોધ કરશે. કોંગ્રેસ કે AAPનો વિરોધ કરવાની તેઓએ સદંતર ના પાડી દીધી હતી. ઑપઇન્ડિયા સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં સમિતિના નેતા પીટી જાડેજાએ પણ આ જ વાત કરી હતી.
જે બાદ ક્ષત્રિય આંદોલન દરમિયાન ખુબ સમાચારમાં રહેલ પદ્મિનીબા વાળાએ આરોપ મૂકતાં કહ્યું હતું કે, “હું સંકલન સમિતિને પૂછવા માંગુ છું કે, રાહુલ ગાંધીનો વિરોધ શું કામ નથી કરતાં? ચોક્કસપણે તે ક્ષત્રિય સમિતિ નહીં, પરંતુ કોંગ્રેસ સમિતિ જ છે. હું ભાજપમાં હતી તો પણ વિરોધ કર્યો અને રાજીનામું આપ્યું. અત્યારે તમે લોકો કોંગ્રેસ પક્ષમાં છો તો શા માટે રાહુલ ગાંધીનો વિરોધ નથી કરતાં. કોઈને અહિયાં બેન-દીકરીઓના સ્વાભિમાનની નથી પડી. સંકલન સમિતિના ચાર-પાંચ સભ્યો પોતાના રોટલા શેકવા માટે કરે છે.”