કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એક નિવેદન વાયરલ થયું છે, જેમાં તેઓ રાજા-મહારાજાઓ વિશે ટિપ્પણી કરતા જોવા મળે છે. તેઓ કહે છે કે પહેલાં રાજા-મહારાજાનું શાસન હતું અને તેઓ જે ઇચ્છતા તે કરતા અને આદિવાસીઓ, દલિતો અને અન્ય પછાત વર્ગને અધિકારો મળતા ન હતા. તેમના આ ભાષણનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વિડીયોમાં રાહુલ ગાંધી કહેતા જોવા મળે છે કે, “રાજાઓ-મહારાજાઓનું રાજ હતું, જે તેઓ ઈચ્છતા હતા તે કરતા હતા. કોઈની જમીન જોઈતી હોય તો ઉઠાવીને લઇ જતા હતા.” સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજ ઓ એ દેશ ને રજવાડા અર્પણ કર્યા.. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસ ની સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું. pic.twitter.com/KXZBfJWBak
— Harsh Sanghavi (Modi ka Parivar) (@sanghaviharsh) April 27, 2024
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વિડીયોને લઈને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું કે, ‘કોંગ્રેસના યુવરાજ ભૂલી ગયા કે રાજા-મહારાજાઓએ દેશને રજવાડાં અર્પણ કર્યાં. જે ઈચ્છા થઈ એ કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યું અને લૂંટ્યું.”
ઑપઇન્ડિયાએ જ્યારે આ વિશે વધુ માહિતી મેળવવાના પ્રયાસ કર્યા ત્યારે જાણવા મળ્યું કે આ વિડીયો તાજેતરનો જ છે. શુક્રવારે (26 એપ્રિલ, 2024) કર્ણાટકના બેલ્લારીમાં રાહુલ ગાંધી એક જાહેરસભા સંબોધિત કરી રહ્યા હતા, તે દરમિયાન તેમણે આ વાત કહી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “દેશની જનતાને બંધારણ અધિકાર આપે છે, અનામત આપે છે. બંધારણ પહેલાં આ દેશમાં ગરીબોના, પછાત વર્ગના, દલિતોના અને આદિવાસીઓના કોઇ અધિકાર ન હતા. રાજાઓ-મહારાજાઓનું રાજ હતું, જે તેઓ ઈચ્છતા હતા તે કરતા હતા. કોઈની જમીન જોઈતી હોય તો ઉઠાવીને લઇ જતા હતા.” યુ-ટ્યુબ વિડીયોમાં 3:39થી આ વાત સાંભળી શકાશે.
આગળ તેમણે કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટી અને અમારા કાર્યકર્તાઓએ દેશની જનતા સાથે મળીને આઝાદી પ્રાપ્ત કરી, લોકશાહી લાવ્યા અને બંધારણ દેશને અપાવ્યું….અને આ લોકો વિચારે છે કે બંધારણ હટાવી શકાય તેમ છે. હું દેશની ગરીબ જનતાને કહેવા માંગું છું, દલિતોને, આદિવાસીઓને, પછાત વર્ગને, લઘુમતીઓને….કે એવી કોઇ શક્તિ દુનિયામાં નથી, જે ભારતના બંધારણને નષ્ટ કરી શકે છે.”