બેંગ્લોર બ્લાસ્ટ કેસ મામલે હવે વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ શકે છે. બ્લાસ્ટ કેસ મામલે પહેલાં જ 2 આરોપીઓની ધરપકર કરી લેવામાં આવી છે. હવે NIA આરોપીઓના ઑનલાઇન હેન્ડલરને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. આ કેસ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું છે કે, તે હેન્ડલરનું કોડનેમ ‘કર્નલ’ છે. આ સાથે જ આ કેસને લઇને વધુ તપાસ પણ ચાલી રહી છે. કર્નલ ક્યાંથી બધુ હેન્ડલ કરે છે અને પાકિસ્તાન સાથે શું કનેક્શન છે, તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે.
બેંગ્લોર બ્લાસ્ટ કેસ મામલે તપાસ કરતાં અધિકારીઓને શંકા છે કે, ‘કર્નલ’ 2019-20માં IS અલ-હિંદ મોડ્યુલ સાથે જોડાયા બાદથી જ મુખ્ય પ્લાનર અબ્દુલ મથીન તાહા અને હુમલાખોર મુસાવીર હુસૈન શાજીબના સંપર્કમાં હતો. સાથે એવું માનવામાં આવે છે કે, ‘કર્નલ’ દક્ષિણ ભારતના ઘણા યુવાનોને ક્રિપ્ટો-વૉલેટ દ્વારા પૈસા મોકલે છે. આ ઉપરાંત તે ધાર્મિક બાંધકામો, હિંદુ નેતાઓ અને મુખ્ય સ્થળો પર હુમલો કરવા માટે યુવાનોને ઉશ્કેરે પણ છે. આ સાથે પાકિસ્તાન કનેક્શન હોવાની પણ શંકા સેવાઇ રહી છે.
મિડલ ઈસ્ટના કોઈ દેશમાં છુપાઈને કરે છે કામ
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના એક અધિકારી અને આ કેસની તપાસ ટીમના એક સભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે, નવેમ્બર 2022માં મેંગલોર ઓટો રિક્ષા બ્લાસ્ટ બાદ ‘કર્નલ’ નામના હેન્ડલર વિશે તેમણે સાંભળ્યું હતું. તે મિડલ ઈસ્ટના કોઈ દેશમાં રહીને ગુપ્ત રીતે કામ કરે છે. શંકા છે કે, તે અબુ ધાબીમાં રહીને કામ કરે છે. ભારતીય તપાસ એજન્સીઓ નાના મોડ્યુલ બનાવીને ઇસ્લાઇમ સ્ટેટ (IS) જૂથની આતંકવાદી પ્રવૃતિઓને પુનર્જીવિત કરવામાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI સાથે કર્નલના સહયોગને નકારી રહી નથી.
ISIએ ભૂતકાળમાં પણ ભારતમાં આતંકી મોડ્યુલને IS કાર્યકર્તાના રૂપે પ્રાયોજિત કર્યા છે. આ વાતનો ઘટસ્ફોટ ઓક્ટોબર 2023માં દિલ્હીમાં ISI દ્વારા પ્રાયોજિત IS મોડ્યુલના ત્રણ સભ્યોની ધરપકડની સાથે થયો હતો. તે સમયે આ વાતને વધુ પ્રાથમિકતા આપવામાં આવી હતી.
બંને આરોપીઓની કરવામાં આવી રહી છે પૂછપરછ
નેશનલ ઈનેવેસ્ટિગેશન એજન્સી (NIA)એ તાહા અને શાજીબની 12 એપ્રિલે કોલકત્તામાંથી 1 માર્ચે રામેશ્વર કાફે બ્લાસ્ટ કેસમાં સંડોવણી બદલ ધરપકડ કરી લીધી હતી. આ બ્લાસ્ટમાં 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હવે આ બંનેની ‘કર્નલ’, તેની ઓનલાઈન ઓળખ, ભાવિ આતંકી યોજનાઓ અને શિવમોગ્ગા IS મોડ્યુલના અન્ય સભ્યો વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે.
NIAની ચાર્જશીટ મુજબ, તાહા અને શાજીબ અગાઉ 20 સભ્યોના અલ-હિંદ મોડ્યુલનો ભાગ હતા. જેણે દક્ષિણ ભારતના જંગલોમાં IS મોડ્યુલની સ્થાપના કરવાની યોજના બનાવી હતી. બીજી તરફ NIAની ચાર્જશીટ મીજબ પાશાને ‘ભાઈ’ નામના ઓનલાઈન હેન્ડલર પાસેથી સાચનાઓ મળી રહી હાઈ. એજન્સીઓ હવે તે તપાસ કરી રહી છે કે, શું ‘ભાઈ’ અને ‘કર્નલ’ એક જ હેન્ડલર છે અને શું તે તાહા અને શાજીબ સાથે અલ-હિંદના દિવસોથિ સંપર્કમાં છે. આ સાથે આરોપીઓ અને ‘કર્નલ’નો પાકિસ્તાની સંબંધ પણ તપાસવામાં આવી રહ્યો છે.