અગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંઘે રવિવારે (14 એપ્રિલ) બિહારના જમુઈમાં વિશાળ જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે લાલુપ્રસાદ યાદવ અને તેમની પાર્ટી સામે નિશાન સાધ્યું. દરમિયાન તેમણે નીતીશ કુમાર અને ચિરાગ પાસવાનનાં વખાણ પણ કર્યાં અને આ બેઠક પરથી ઉમેદવાર ચિરાગ પાસવાનને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ પણ કરી. આ સભા દરમિયાન રક્ષામંત્રીએ કહ્યું હતું કે, આજે ભારત બોલે છે અને આખું વિશ્વ સાંભળે છે. તેમણે કતારમાં મૃત્યુદંડ પામેલા ભારતીય નૌસેનાના નિવૃત્ત અધિકારીઓ કેવી રીતે સ્વદેશ પરત આવ્યા તે વિશે પણ જણાવ્યું હતું.
રાજનાથ સિંઘે કતારમાં મૃત્યુદંડ પામેલા ભારતીય નિવૃત્ત નૌસેનાના અધિકારીઓના ભારત પરત ફરવા બદલ વડાપ્રધાન મોદીને શ્રેય આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “નૌસેનાના આપણા કેટલાક નિવૃત્ત અધિકારો કતારમાં કોઈ કંપનીમાં જઈને કામ કરી રહ્યા હતા. નિવૃત્તિ બાદ કામ કરવાની તેમને સ્વતંત્રતા હોય છે. કોઈ કેસમાં કતારની કોર્ટે તેમને ફાંસીની સજા ફટકારી દીધી. તમે જ કલ્પના કરો કે ભણેલા-ગણેલા લોકો, કોઈ સામાન્ય બાબતમાં તેમને ફાંસીની સજા ફટકારવામાં આવી.”
વડાપ્રધાન મોદીએ વાત કરી અને…
વડાપ્રધાન મોદીએ તે સમગ્ર મામલે લીધેલા સ્ટેન્ડ વિશે જણાવતાં રક્ષામંત્રીએ જણાવ્યું કે, “ફાંસી થવી નક્કી હતી, ભારતમાં રહેતા તેમના પરિવારમાં આક્રંદ છવાયેલો હતો. અમે વડાપ્રધાનને માહિતી આપી, માહિતી મળતાં જ મોદીજીએ તાત્કાલિક કતારના રાષ્ટ્રપતિને વાત કરી અને કતારના રાષ્ટ્રપતિએ આપણા વડાપ્રધાનનું કઈ હદે સન્માન કર્યું કે જેવી વડાપ્રધાને વાત કરી કે, 2-3 દિવસમાં જ ત્યાંના રાષ્ટ્રપતિએ આપણા પૂર્વ સૈનિકોની સજાને માફ કરી દીધી અને નિવૃત્ત નૌસેનાના દિગ્ગજો ભારત પરત આવી ગયા. આ ભારતની શક્તિ છે.”
#WATCH | Bihar: Defence Minister Rajnath Singh says, "Our retired Navy veterans who were working in some companies in Qatar were sentenced to death…PM Modi had a talk with Qatar's President and within 2-3 days their punishment was reversed and the retired Navy veterans were… pic.twitter.com/DVV6LTdvcF
— ANI (@ANI) April 14, 2024
આ તમામ 8 ભારતીય નાગરિકો પૂર્વ નૌસૈનિકો છે અને દોહાની એક કંપનીમાં કામ કરી રહ્યા હતા. તેમની ઉપર કથિત રીતે જાસૂસીનો આરોપ લગાવીને ઑક્ટોબર, 2022માં ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારથી તેઓ જેલમાં બંધ હતા. પછીથી અનેક વખત તેમની જામીન અરજીઓ નામંજૂર કરવામાં આવતી રહી. પછીથી વર્ષ 2023માં તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. બીજી તરફ ભારત સરકારે તેમની મુક્તિ માટે તમામ પ્રયાસો ચાલુ કરી દીધા હતા અને એક તરફ કતારની સરકાર સાથે સતત વાતચીત ચાલુ રાખી અને બીજી તરફ 8 નાગરિકોના પરિજનો સાથે પણ સંપર્ક બનાવી રાખ્યો હતો. દરમ્યાન, સરકારે ફાંસીની સજા વિરુદ્ધ કતારની કોર્ટ ઑફ અપીલમાં અપીલ પણ દાખલ કરી હતી.
આ અરજી પર સુનાવણી કરતાં કોર્ટે પ્રથમ તમામની ફાંસીની સજા માફ કરી દીધી હતી અને તેમાં ઘટાડો કરીને જેલની સજામાં પરિવર્તિત કરી દીધી હતી. પરંતુ ઘટનાઓમાં 180 ડિગ્રીનો વળાંક ત્યારે આવ્યો, જ્યારે 12 ફેબ્રુઆરીના રોજ અચાનક 8માંથી 7 અધિકારીઓ સ્વદેશ પરત ફર્યા. કતારે ન માત્ર તેમની સજા માફ કરી દીધી, પરંતુ તેમને વતન પણ મોકલી આપ્યા હતા. પૂર્વ નૌસૈનિકોની મુક્તિ પાછળ પીએમ મોદીના હસ્તક્ષેપે પણ મોટો ભાગ ભજવ્યો હતો.
વડાપ્રધાન મોદીએ લીધી હતી કતારના અમીરની મુલાકાત
ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બર, 2023ના રોજ દુબઈમાં COP28 શિખર સંમેલનનું આયોજન થયું હતું. તે દરમિયાન જ વડાપ્રધાન મોદી અને કતારના શાસક વચ્ચે મુલાકાત થઈ હતી. કતારના વડા સાથે PM મોદીએ અનેક મુદ્દે વાતચીત કરી હતી. વડાપ્રધાને આ બેઠક વિશે કહ્યું હતું કે, “દ્વિપક્ષીય ભાગીદારીની સંભાવના અને કતારમાં ભારતીય સમુદાયની સુખાકારી પર સારી વાતચીત કરવામાં આવી છે.” સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે, PM મોદીની કતારના વડા સાથે થયેલી મુલાકાતમાં ત્યાંની જેલમાં બંધ 8 ભારતીય નાગરિકોનો મુદ્દો પણ સામેલ હતો.
PM મોદીની આ એક મુલાકાત બાદ તમામ મુદ્દાઓ સકારાત્મક રીતે આગળ વધ્યા હતા. મુલાકાતના 2 દિવસ બાદ જ કતાર સ્થિત ભારતીય રાજદૂતને 3 ડિસેમ્બરના રોજ નિવૃત સૈનિકોની કોન્સયુલર એક્સેસ મળી ગઈ હતી. તેના થોડા દિવસો બાદ જ કોર્ટે 28 ડિસેમ્બરે આઠ ભારતીય નાગરિકોની જેલની સજા ઘટાડી દીધી હતી. જ્યારે 12 ફેબ્રુઆરીના રોજ તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.