લોકસભા ચૂંટણી શરૂ થઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમેરિકાના જાણીતા મેગેઝીન ‘ન્યૂઝવીક’ને ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેમણે અનેક મુદ્દાઓને લઈને વાતચીત કરી. બુધવારે (1૦ એપ્રિલ) આ ઇન્ટરવ્યુ પ્રકાશિત થયો. પીએમ મોદીએ X પર ટ્વિટ કરીને લખ્યું કે, તેમણે આ ઇન્ટરવ્યુમાં પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારના મુદ્દાઓને લઈને પોતાના વિચારો રજૂ કર્યા છે.
ન્યૂઝવિકને ઈન્ટરવ્યુ આપનારા પીએમ મોદી ઇન્દિરા ગાંધી બાદ પહેલા ભારતીય વડાપ્રધાન છે. આ ઈન્ટરવ્યુમાં તેમણે લોકતંત્ર, પર્યાવરણ, આંતરરાષ્ટ્રીય મુદ્દા, દેશનો વિકાસ, રામ મંદિર, જમ્મુ-કાશ્મીર વગેરે અનેક મુદ્દાઓ વિશે વાતચીત કરી હતી.
ઇન્ટરવ્યુમાં વડાપ્રધાને કહ્યું કે, સામાન્ય રીતે સરકારો બીજો કાર્યકાળ પૂર્ણ કરે ત્યાં સુધીમાં તો જનસમર્થન ગુમાવવાનું શરૂ કરી દેતી હોય છે, પરંતુ અમારી સરકારને મળતું લોકોનું સતત વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, લોકોને હવે વિશ્વાસ આવ્યો છે કે તેમના સુધી યોજનાનો લાભ પહોંચશે. જનતાએ દેશને અર્થવ્યવસ્થાના 11મા સ્થાનથી પાંચમા સ્થાને પહોંચતાં જોયો છે અને હવે દેશની આકાંક્ષા છે કે ભારત જલ્દીથી વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બને. તેમણે કહ્યું કે, તેમની સરકાર ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ના ધ્યેય સાથે કામ કરી રહી છે.
વડાપ્રધાને લોકશાહી અને પ્રેસ સ્વતંત્રતા પર પણ વાત કરી. તેમણે કહ્યું કે, ભારત લોકતંત્ર માત્ર એટલા માટે નથી કે બંધારણમાં લખ્યું છે, પરંતુ લોકતંત્ર દેશના મૂળમાં છે. ભારત લોકતંત્રની જનની છે. એમ પણ કહ્યું કે, દર ચૂંટણીમાં જે રીતે મતદાન વધે છે તે જ ઉદાહરણ છે કે દેશની જનતાને લોકશાહીમાં કેટલો વિશ્વાસ છે.
મીડિયા વિશે તેમણે કહ્યું કે, મીડિયા લોકતંત્રના અગત્યનો ભાગ ભજવે છે અને આજે દેશમાં દોઢ લાખથી વધુ રજિસ્ટર્ડ મીડિયા પબ્લિકેશન છે અને માત્ર અમુક લોકો જેઓ દેશના લોકોના વિચાર, ભાવનાઓ અને આકાંક્ષાઓને સમજી શકતા નથી અને પોતાની જ દુનિયામાં રાચેલા રહે છે તેઓ મીડિયાની સ્વતંત્રતાને લઈને ભ્રમ ફેલાવતા રહે છે.
ચીન-પાકિસ્તાન મુદ્દે પીએમ મોદીએ શું કહ્યું?
ઇન્ટરવ્યુમાં તેમણે ચીન મુદ્દે પણ વાતચીત કરી. તેમણે કહ્યું કે, ભારત માટે ચીન સાથેના સંબંધો મહત્વપૂર્ણ છે. આગળ ઉમેર્યું કે, “હું માનું છું કે સરહદ પર ઘણા સમયથી જે સ્થિતિ છે તેની ઉપર તાકીદે કામ કરવાની જરૂર છે, જેથી દ્વિપક્ષીય સંબંધોમાં જે તણાવ સર્જાય છે તેને પાછળ છોડી શકાય. ભારત અને ચીન વચ્ચે સ્થિર અને શાંતિપૂર્ણ સંબંધો માત્ર બે દેશો માટે જ નહીં પરંતુ સમગ્ર ક્ષેત્ર અને વિશ્વ માટે મહત્વના છે. મને વિશ્વાસ છે કે રાજદ્વારી અને સૈન્ય સ્તરે સકારાત્મક અને નક્કર વાતચીત થાકી અમે સરહદ પર શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવામાં સફળ થઈશું.
પાકિસ્તાન મુદ્દે પણ તેમણે કહ્યું કે, મેં પદ સંભાળવા બદલ પાકિસ્તાનના વડાપ્રધાનને શુભકામનાઓ પાઠવી હતી. ભારતે હંમેશા ક્ષેત્ર આતંકવાદ અને હિંસા મુક્ત બને તથા શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ જળવાય રહે તે માટે પક્ષ લીધો છે. જોકે, ઇમરાન ખાનને થયેલી જેલ મામલે પૂછવામાં આવ્યું ત્યારે PM મોદીએ કહ્યું હતું કે, પાકિસ્તાનના આંતરિક મામલાઓમાં તેઓ કોઇ ટિપ્પણી કરશે નહીં.
આર્ટિકલ 370 હટાવાયા બાદ કાશ્મીર બદલાયું
જમ્મુ-કાશ્મીરને પ્રાપ્ત વિશેષ દરજ્જો પરત ખેંચવાની વાત પર વડાપ્રધાને કહ્યું કે, કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યા બાદ ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. તેમણે ઉમેર્યું, “હું ગયા મહિને ત્યાં ગયો હતો અને પહેલી વખત મેં ત્યાંના લોકોમાં નવી આશાનો સંચાર થયેલો જોયો. ત્યાં જે વિકાસ થઈ રહ્યો છે, લોકો આગળ આવી રહ્યા છે, સુશાસનની સ્થિતિ છે, તે દેખાય આવે છે.
તેમણે કહ્યું કે, કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં નંદપત્ર ઘટાડો જોવા મળ્યો છે તો હવે બંધ, હડતાળ, પથ્થરમારા વગેરે જેવી જાહેર જનતાના જીવનમાં ખલેલ પહોંચાડતી ઘટનાઓ હવે ભૂતકાળ બની ચૂકી છે. સાથે એમ પણ કહ્યું કે, હવે કાશ્મીર વૈશ્વિક કાર્યક્રમો માટે એક સ્થળ બની રહ્યું છે અને ફોર્મ્યુલા ફોર રેસિંગ ઇવેન્ટ હોય, મિસ વર્લ્ડ કાર્યક્રમ હોય કે G20ના કાર્યક્રમો, બધું જ અહીં યોજાવા માંડ્યું છે.
રામ નામ ભારતની ચેતના સાથે જોડાયેલું: PM
પીએમ મોદીએ ઇન્ટરવ્યુમાં રામ મંદિર વિશે પણ વાતચીત કરી. તેમણે કહ્યું કે, રામ નામ ભારતની ચેતના સાથે જોડાયેલું છે. પોતાના જન્મસ્થળે પ્રભુનું પુનઃઆગમન સમગ્ર દેશની એકતા માટે એક ઐતિહાસિક અવસર હતો અને સદીઓની દૃઢતા અને બલિદાનની પરાકાષ્ઠા હતી. મને કાર્યક્રમનો ભાગ બનવાનું કહેવામાં આવ્યું અને મને દેશના 1.4 અબજ લોકોનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો, જેમણે સદીઓ સુધી રામલલાના પુનઃઆગમનની રાહ જોઈ.
તેમણે આ દરમિયાન 11 દિવસના અનુષ્ઠાનની પાન વાટ કહી અને કહ્યું કે, તેઓ આ દરમિયાન અસંખ્ય રામભક્તોની આકાંક્ષાઓ પોતાની સાથે લઇ ગયા હતા. આ કાર્યક્રમ સમગ્ર રાષ્ટ્રને એક મંચ પર લઇ આવ્યો અને આખા દેશમાં જાણે બીજી દિવાળી હોય તે રીતે ઉજવણી થઈ. દરેક ઘરમાં રામજ્યોતિ થઈ અને એ એક દિવ્ય અનુભવ હતો.
140 કરોડ દેશવાસીઓની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે આ જ રીતે મહેનત કરતો રહીશ: વડાપ્રધાન
વડાપ્રધાને કહ્યું કે, મારું કામ એ નથી કે લોકો મને કઈ રીતે યાદ રાખે, ન આ વિચાર મને કામ કરવાની પ્રેરણા આપે છે. મારા કામ પાછળની પ્રેરણા એ છે કે હું દરેક ભારતીયના જીવનમાં કઈ રીતે બદલાવ લાવી શકું છું, જેમને હું મારો પરિવાર માનું છું. જો તેઓ એક ગરિમા સાથે જીવન જીવે, પોતાનાં સપનાં પૂર્ણ કરી શકે તો મને લાગે છે કે મારું કામ થઈ ગયું. ત્યાં સુધી હું 140 કરોડ દેશવાસીઓની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે આ જ રીતે અથાક અને સમર્પિત રીતે કામ કરતો રહીશ.
નેતૃત્વના ગુણને લઈને પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, “સારા શ્રોતા બનવું એ નેતૃત્વનો એક શ્રેષ્ઠ ગુણ છે અને મને ભગવાને આ ગુણ આપ્યો છે. અન્ય એક બાબત ખાસ ઈ છે કે હું હંમેશા તે ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરો છું. ક્યારેય ફોન કોલ, મેસેજ કે બીજાથી મારું ધ્યાન ભટકતું નથી. હું જો કોઇ કામ કરી રહ્યો હોઉં તો તેમાં 100 ટકા મૂકીને કરીશ.
તેમણે કહ્યું કે, એક નેતા માટે ઉપરથી લઈને નીચે સુધી ફિડબેક ચેનલ હોવી બહુ જરૂરી છે. નેતા જમીન સાથે જોડાયેલો હોવો જોઈએ અને તેને દરેક બાબતની નિયમિત માહિતી મળતી રહેવી જોઈએ. આવી અનેક ચેનલો હોવાની. હું ભારતના લગભગ 80 ટકા જિલ્લાઓમાં ઓછામાં ઓછી એક રાત રોકાયો છું, એટલે લગભગ બધે જ મારા સીધા સંપર્કો છે, જ્યાંથી મને સતત જાણકારી મળતી રહે છે.
આગળ કહ્યું કે, મને દર મહિને હજારો પત્રો મળે છે. હું શક્ય બને તેટલા પત્રો વાંચવાના પ્રયાસ કરું છું અને લોકોએ જે ભાવના વ્યક્ત કરી હોય છે તેને સમજવાના પ્રયાસ કરું છું. આ પત્રોમાંથી જ મને ‘મન કી બાત’નો વિચાર આવ્યો હતો અને જેના 110 એપિસોડ પ્રસારિત થઈ ચૂક્યા છે.
આ સિવાય પણ પીએમ મોદી વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ વગેરે બાબતોને લઈને પોતાની વાત મૂકી હતી. નોંધનીય છે કે લોકસભા ચૂંટણી હવે થોડા જ દિવસમાં શરૂ થઈ રહી છે, જે લગભગ દોઢ મહિનો ચાલશે. 4 જૂનના રોજ પરિણામો ઘોષિત કરવામાં આવશે.