અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીએ એક કાર્યક્રમ દરમિયાન ભારતની ભરપૂર પ્રશંસા કરી છે. તેમણે કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, જો કોઈએ ભવિષ્ય જોવું છે તો ભારત આવે. એરિકને અમેરિકી રાષ્ટપતિ જો બાયડનના સૌથી નજીકના વ્યક્તિ પણ માનવામાં આવે છે. ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી કોઈ અમેરિકી રાજદૂતને નિયુક્ત કરવામાં આવ્યા નહોતા. પરંતુ બાયડનની સરકાર આવ્યા બાદ ભારતમાં અમેરિકીના રાજદૂત તરીકે એરિક ગાર્સેટીની નિયુક્તિ થઈ હતી.
#WATCH | Delhi: Ambassador of the USA to India Eric Garcetti says, "… If you want to see the future, come to India. If you want to feel the future, come to India. If you want to work on the future, come to India. I have the great privilege of being able to do that every single… pic.twitter.com/FROaV1DOnc
— ANI (@ANI) April 10, 2024
મંગળવારે (9 એપ્રિલ) અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીએ ભારત અને અમેરિકાના સંબંધો વિશે વાતચીત કરી હતી. તે દરમિયાન જ એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે એરિકે કહ્યું કે, “જો તમે ભવિષ્ય જોવા માંગતા હોવ, તો ભારત આવો. જો તમે ભવિષ્યને અનુભવવા માંગતા હોવ, તો ભારત આવો. જો તમે ભવિષ્ય પર કામ કરવા માંગતા હોવ, તો ભારત આવો. મને સંયુક્ત રાજ્ય મિશનના નેતા તરીકે આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.”
આ પહેલાં પણ કરી હતી ભારતની પ્રશંસા
નોંધવા જેવુ છે કે, અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીને ભારતના વિદેશી પ્રશંસકો પૈકીના એક માનવામાં આવે છે. આ નિવેદન પહેલાં પણ તેમણે અનેકવાર ભારતની પ્રશંસા કરી છે. આ સાથે તેમણે એવું પણ કહ્યું છે કે, ભારતનું ભવિષ્ય ખૂબ ઉમદા છે. તે પહેલાં એરિકે એક નિવેદન આપતા કહ્યું હતું કે, તેમણે રાજદૂતની ભૂમિકા એટલા માટે નિભાવી છે, કારણ કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને તેમને જણાવ્યું હતું કે, ભારત તેમના માટે (અમેરિકા માટે) ખૂબ જ મહત્વપૂર્ણ દેશ છે.
આ ઉપરાંત એરિકે ન્યુ દિલ્હીમાં ગ્લોબલ એનર્જી અલાયન્સ ફોર પીપલ એન્ડ પ્લેનેટ તરફથી આયોજિત ‘ધ એનર્જી ટ્રાંજિશન ડાયલોગ્સ’માં કહ્યું હતું કે, અમેરિકા અને ભારતનો સંબંધ આ સદીનો સૌથી નિર્ણાયક અને મહત્વપૂર્ણ સંબંધ છે. આ ઉપરાંત પણ તેઓ અવારનવાર ભારતની પ્રશંસા કરતાં જોવા મળ્યા છે.
તાજેતરમાં અમેરિકી રાજદ્વારીને મળ્યું હતું વિદેશ મંત્રાલયનું તેડું
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને નિવેદન આપ્યું હતું. પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અને અગ્રણી વિપક્ષી નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમની સાથે સંબંધિત રિપોર્ટ્સ પર સતત નજર રાખી રહ્યા છે. આ સાથે તેમણે પારદર્શક ન્યાયની ‘સલાહ’ પણ આપી હતી. જે બાદ દેશના વિદેશ મંત્રાલયે અમેરિકાના કાર્યકારી ડેપ્યુટી ચીફ ઓફ મિશન ગ્લોરિયા બર્બેનાને સમન્સ પાઠવ્યું હતું.
સમન્સ પાઠવ્યા બાદ તરત જ ગ્લોરિયા ભારતીય વિદેશ મંત્રાલયમાં હાજર થયા હતા. તેમની સાથે વિદેશ મંત્રાલયના અધિકારીઓએ 40 મિનિટ સુધી વાત કરી હતી. આ સાથે વિદેશ મંત્રાલયે અમેરિકાના કેજરીવાલની ધરપકડ પરના નિવેદન પર વાંધો પણ ઉઠાવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું હતું કે, આ ભારતની આંતરિક બાબત છે, તેમાં કોઈએ પણ હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. આ સાથે એક પરિપત્ર પણ જારી કરવામાં આવ્યો હતો.