Monday, April 29, 2024
More
    હોમપેજદેશ'ભારતની આંતરિક બાબતોમાં ના કરો હસ્તક્ષેપ': કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરવી અમેરિકાને...

    ‘ભારતની આંતરિક બાબતોમાં ના કરો હસ્તક્ષેપ’: કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરવી અમેરિકાને પડી મોંઘી, US રાજદ્વારીને વિદેશ મંત્રાલયનું તેડું

    વિદેશ મંત્રાલયે અમેરિકાના કેજરીવાલની ધરપકડ પરના નિવેદન પર વાંધો પણ ઉઠાવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, આ ભારતની આંતરિક બાબત છે, તેમાં કોઈએ પણ હસક્ષેપ કરવો જોઈએ નહીં.

    - Advertisement -

    લિકર પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ અમેરિકાની પ્રતિક્રિયા સામે આવી હતી. જે બાદ હવે ભારતે અમેરિકાના તે નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે USના કાર્યકારી ડેપ્યુટી ચીફ ઓફ મિશન ગ્લોરિયા બર્બેનાને સમન્સ પાઠવ્યું છે. આ સાથે ભારતની આંતરિક બાબતોમાં હસક્ષેપ ના કરવા માટેનું પણ જણાવવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, કૂટનીતિમાં રાજ્યો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ અન્યની સંપ્રભુતા અને આંતરિક બાબતોનું સન્માન કરે.

    બુધવારે (27 માર્ચ, 2024) વિદેશ મંત્રાલયે અમેરિકાના કાર્યકારી ડેપ્યુટી ચીફ ઓફ મિશન ગ્લોરિયા બર્બેનાને સમન્સ પાઠવ્યું હતું. આ સાથે જ ગ્લોરિયા ભારતીય વિદેશ મંત્રાલયમાં હાજર થયા હતા. તેમની સાથે વિદેશ મંત્રાલયના અધિકારીઓએ 40 મિનિટ સુધી વાત કરી હતી. આ સાથે વિદેશ મંત્રાલયે અમેરિકાના કેજરીવાલની ધરપકડ પરના નિવેદન પર વાંધો પણ ઉઠાવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, આ ભારતની આંતરિક બાબત છે, તેમાં કોઈએ પણ હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં.

    આ ઉપરાંત વિદેશ મંત્રાલયે નિવેદન પણ જારી કર્યું છે. નિવેદનમાં મંત્રાલય તરફથી કહેવાયું છે કે, “અમે ભારતમાં કેટલીક કાનૂની કાર્યવાહીને લઈને US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાની ટિપ્પણી પર સખત આપત્તિ દર્શાવી રહ્યા છીએ. કૂટનીતિમાં અન્ય દેશો પાસેથી બીજા દેશોની સંપ્રભુતા અને આંતરિક બાબતોનું સન્માન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. સાથી લોકશાહીના કિસ્સામાં આ જવાબદારી વધી જાય છે. અન્યથા તે ખોટો દાખલો બેસાડી શકે છે. ભારતની કાયદા પ્રક્રિયાઓ સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત છે. તેના પર આક્ષેપો કરવા યોગ્ય નથી.”

    - Advertisement -

    નોંધનીય છે કે, તાજેતરમાં જ અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અને અગ્રણી વિપક્ષી નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમની સાથે સંબંધિત રિપોર્ટ્સ પર સતત નજર રાખી રહ્યા છે. અમેરિકાએ એમ પણ કહ્યું હતું કે, તે કેજરીવાલના કેસમાં નિષ્પક્ષ, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયાની રાહ જોઈ રહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, કેજરીવાલની ધરપકડ પર આ બીજી આંતરરાષ્ટ્રીય ટિપ્પણી છે. ગયા અઠવાડિયે જર્મનીએ પણ આવું જ નિવેદન આપ્યું હતું. જર્મનીના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કેજરીવાલની ધરપકડની નોંધ લઈને કહ્યું હતું કે, “અમે માનીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે, ન્યાયતંત્રની સ્વતંત્રતા અને મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો સાથે સંબંધિત ધોરણો પણ આ કેસમાં લાગુ થશે.” આ પછી ભારતે જર્મન એમ્બેસીના ડેપ્યુટી ચીફને બોલાવ્યા હતા અને તેમની આ ટિપ્પણી પર સખત વાંધો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રાલયના અધિકારીઓ સ્પષ્ટ કહ્યું હતું કે, કેજરીવાલની ધરપકડ પર જર્મન વિદેશ મંત્રાલયની ટિપ્પણી ભારતની ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં