દિલ્હી લિકર પોલિસી કેસમાં જેલવાસ ભોગવીને જામીન પર તિહાડ જેલમાંથી બહાર આવેલા આમ આદમી પાર્ટીના (AAP) સાંસદ અને નેતા સંજય સિંઘને સર્વોચ્ચ અદાલતમાંથી ઝટકો લાગ્યો છે. ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સંજય સિંઘની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સંજય સિંઘે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને નીચલી કોર્ટમાં ચાલી રહેલા કેસને રદ કરવાની માંગ કરી હતી. નોંધવું જોઈએ કે, AAP નેતાએ વડાપ્રધાન મોદીની ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી પર ટિપ્પણી કરી હતી. જે બાદ યુનિવર્સિટીએ માનહાનિનો દાવો કર્યો હતો.
AAP સાંસદ અને નેતા સંજય સિંઘને વધુ એક ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે (8 એપ્રિલ) ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસ મામલેની તેમની અરજી ફગાવી દીધી છે. જ્યારે ગુજરાત હાઈકોર્ટે સંજય સિંઘ અને મુખ્યમંત્રી કેજરીવાલ વિરુદ્ધ નીચલી અદાલતમાં જારી સમન્સ રદ કરવા માટે પહેલાં જ ઇનકાર કરી દીધો હતો. PM મોદીની ડિગ્રીને લઈને સંજય સિંઘે અને કેજરીવાલે ગુજરાત યુનિવર્સિટી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે યુનિવર્સિટીએ તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જે બાદ નીચલી અદાલત એટલે કે અમદાવાદ ટ્રાયલ કોર્ટે તેમને હાજર રહેવા માટે સમન્સ મોકલ્યું હતું, જેના બદલે સંજય સિંઘ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા હતા.
Supreme Court declines plea of Aam Aadmi Party (AAP) MP Sanjay Singh against the issuance of summons issued by trial court in a defamation case filed by Gujarat University over his alleged comments in relation to Prime Minister Narendra Modi’s academic degree. pic.twitter.com/yCYXzUc9tk
— ANI (@ANI) April 8, 2024
સંજય સિંઘ વતી કોર્ટમાં હાજર થયેલા વકીલ રેબેકા જ્હોને કહ્યું હતું કે, સંજય સિંઘે યુનિવર્સિટી વિશે જે પણ કહ્યું તેમાં માનહાનિ જેવું કંઈ નથી. તેમણે દલીલ કરી હતી કે, “વિડીયો પરથી સ્પષ્ટ થાય છે કે, નિવેદન યુનિવર્સિટીની બદનક્ષી કરતું નથી. એવું કહેવામાં આવ્યું નથી કે ગુજરાત યુનિવર્સિટીએ નકલી ડિગ્રી બનાવી છે.” તેના પર કોર્ટે કહ્યું કે, જ્યારે ટ્રાયલ કોર્ટમાં કેસની સુનાવણી થશે ત્યારે આ દલીલો આપી શકાય છે. એમ કહીને કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
નોંધનીય છે કે, એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અમદાવાદ દ્વારા માનહાનિના કેસમાં સંજય સિંઘને સમન્સ મોકલવામાં આવ્યું હતું. સંજય સિંઘે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને સમન્સ રદ કરવાની વિનંતી કરી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ કેસની સુનાવણી કરતા AAP સાંસદની અરજી ફગાવી દીધી છે. ગુજરાત યુનિવર્સિટી વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ છે. આ પહેલાં કેજરીવાલને પણ PM મોદીની ડિગ્રીને લઈને ચાલતા કેસમાં કોર્ટે દંડ ફટકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે તેમને 25 હજારનો દંડ ભરવા આદેશ આપ્યો હતો. તેમણે PM મોદીની ડિગ્રી માંગી હતી અને સાથે સંજય સિંઘ તથા કેજરીવાલે યુનિવર્સિટી વિશે પણ ટિપ્પણી કરી હતી. કોર્ટે PMOને પણ કહ્યું હતું કે, તેમણે વડાપ્રધાનની ડિગ્રીને સાર્વજનિક કરવાની કોઈ જરૂર નથી.