મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં મંગળવારે (26 માર્ચ, 2024) મોટી સંખ્યામાં હિંદુઓએ ભોજશાળામાં પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. હિંદુ શ્રદ્ધાળુઓએ હનુમાન ચાલીસાના પાઠ અને સરસ્વતીની સ્તુતિ સાથે હવન અને આરતી પણ કરી છે. દરમિયાન, હાઈકોર્ટની ઈન્દોર બેંચના આદેશ પર ભોજશાળાનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ ચાલી રહ્યું છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની ટીમ સતત પાંચમા દિવસે ભોજશાળા પહોંચી હતી અને પુરાવા એકત્ર કર્યા હતા. સર્વે દરમિયાન કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પર પ્રતિબંધ છે.
અહેવાલો અનુસાર, મંગળવાર (26 માર્ચ 2024) સવારથી ભક્તોની ભોજશાળામાં પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હિંદુ સમાજના લોકો અહીં દર મંગળવારે પૂજા-અર્ચના કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે ભક્તોની ભીડ અન્ય દિવસો કરતા લગભગ 4 ગણી વધારે હતી. ભોજશાળાના ગર્ભગૃહમાં માતા વાગ્દેવીની તસવીર રાખવામાં આવી હતી. ત્યારબાદ હિંદુઓએ અહીં પુષ્પ અને અક્ષત અર્પણ કરી મા શારદાની પૂજા-અર્ચના કરી હતી. આ પછી સરસ્વતી સ્તોત્ર અને હનુમાન ચાલીસાના પાઠ સાથે આરતી અને હવન કરવામાં આવ્યા હતા. બીજી તરફ ASI સર્વે પણ ચાલુ હતો.
ભક્તોમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હતી. મહિલાઓએ અહીં ભજન-કીર્તન પણ ગાયા છે. ભક્તોના પ્રવેશ સમયે ભોજશાળામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરક્ષા જવાનોની તૈનાતી સાથે ગેટ પર મેટલ ડિટેક્ટર પણ લગાવવામાં આવ્યા છે. મુખ્ય માર્ગ પર બેરીકેટ્સ બનાવવામાં આવ્યા છે, જેના દ્વારા એક-એક વ્યક્તિને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બહારથી દર્શન માટે આવેલા લોકોના મોબાઈલ ફોન પરિસરની બહાર જ એકઠા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ASIની ટીમ દ્વારા ભોજશાળાના સર્વેની કામગીરી સતત ચાલુ છે.
#WATCH | Hindus devotees after performing puja at the Bhojshala complex in Dhar of Madhya Pradesh
— ANI (@ANI) March 26, 2024
As per an arrangement in 2003, Hindus perform puja at the complex on Tuesdays from sunrise to sunset while Muslims offer namaz on Fridays from 1 pm to 3 pm. pic.twitter.com/tN2vxNW3OO
ASIની ટીમે ભોજશાળામાં આવેલા એક સ્તંભ પરની પ્રાચીન આકૃતિ પર વિશેષ રસાયણ લગાવ્યું અને તેનો સ્કેચ કાગળ પર લીધો હતો. આ સ્તંભને કોતરીને થોડી માત્રામાં તેનું મટિરિયલ પણ લેવામાં આવ્યું છે. ASIની ટીમની કાર્યવાહીનો વિડીયો બનાવીને વાઈરલ કરતા ભક્તોને રોકવા માટે ભોજનશાળામાં વ્યુ કટર પણ લગાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચના આદેશ પર ASIની ટીમ સતત 5 દિવસથી ભોજશાળામાં સર્વે કરી રહી છે. અહીં ખોદકામની સાથે હાજર પુરાવાઓનું કાર્બન ડેટિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, ભોજશાળા 11મી સદીનું એક સ્મારક છે, જે ASI દ્વારા સુરક્ષિત છે. હિંદુઓ તેને વાગ્દેવીનું (માતા સરસ્વતી) મંદિર માને છે અને મુસ્લિમો તેને કમાલ મૌલાના મસ્જિદ કહે છે. ભોજશાળા વિવાદ દાયકાઓ જૂનો છે, પરંતુ વર્ષ 2022માં ઈન્દોર હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી બાદ હવે તેમાં નવો વળાંક આવ્યો છે. અરજીમાં માતા સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરવા અને સમગ્ર સંકુલની ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી કરાવવાની માંગણી કરવામાં આવી હતી. તે બાદ હવે તે પરિસરમાં ASI સર્વે ચાલી રહ્યો છે.