દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ મામલે તપાસ કરતી એજન્સી EDની એક ટીમ ગુરુવારે (21 માર્ચ) તેમના નિવાસસ્થાને પહોંચી હતી. જ્યાં પ્રાથમિક પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી.
Delhi CM and AAP national convenor Arvind Kejriwal arrested by the Enforcement Directorate (ED) in Excise policy case: Sources pic.twitter.com/LaSlephh0v
— ANI (@ANI) March 21, 2024
અરવિંદ કેજરીવાલની ધરપકડ પહેલાં તેમના નિવાસસ્થાનની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને કલમ 144 પણ લાગુ કરી દેવામાં આવી હતી. બીજી તરફ, અમુક આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ પહોંચી ગયા હતા, જેમને પછીથી પોલીસે કસ્ટડીમાં લીધા હતા.
ED બોલાવતી રહી, કેજરીવાલ હાજરી આપવાનું ટાળતા રહ્યા
દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં પૂછપરછ કરવા માટે એજન્સી ED કેજરીવાલને અત્યાર સુધી 9 સમન્સ પાઠવી ચૂકી છે અને તેઓ એક પણ વખત હાજર થયા નથી. પહેલું સમન 30 ઑક્ટોબર, 2023ના રોજ મોકલવામાં આવ્યું હતું અને પૂછપરછ માટે હાજર થવા જણાવાયું હતું, પરંતુ તેઓ હાજર થયા ન હતા અને મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે જવાનું બહાનું કાઢ્યું હતું. ત્યારબાદ ક્રમશઃ 8 વખત એજન્સી તેમને સમન મોકલતી રહી અને તેઓ હાજરી આપવાનું ટાળતા રહ્યા. દરેક વખતે તેઓ એજન્સીના સમનને ગેરકાયદેસર ગણાવીને હાજરી આપતા ન હતા.
અનેક સમન્સ બાદ કેજરીવાલ હાજર ન થતાં ફેબ્રુઆરી મહિનામાં એજન્સી કોર્ટ પહોંચી હતી, ત્યારબાદ કોર્ટે તેમને તેડું મોકલ્યું હતું. કોર્ટના સમન વિરૂદ્ધ તેમણે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ત્યાંથી રાહત ન મળતાં વ્યક્તિગત રીતે હાજરી આપીને જામીન મેળવ્યા હતા. જોકે, પછી પણ એજન્સીએ ફરી એક સમન મોકલતાં કેજરીવાલ ધરપકડના ડરે હાઈકોર્ટ પહોંચી ગયા હતા. હાઇકોર્ટમાં અરજી કરીને તેમણે ધરપકડ સામે રક્ષણ માગ્યું હતું. પરંતુ ત્યાંથી પણ કોઇ રાહત ન મળી.
ગુરુવારે (21 માર્ચ) દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને ઝટકો આપતાં ધરપકડ પર રોક લગાવવાની ના પાડી દીધી હતી. કોર્ટે પહેલાં EDનો પણ જવાબ માગ્યો હતો અને પૂછ્યું હતું કે તેમની પાસે કેજરીવાલને સમન મોકલવાનાં શું કારણો છે. એજન્સીએ કોર્ટમાં જવાબ દાખલ કર્યા બાદ કોર્ટે ધરપકડ પર રોક ન લગાવવાનો નિર્ણય લીધો અને કેજરીવાલની અરજી પર લેખિત જવાબ દાખલ કરવા 22 એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો. બીજી તરફ કોર્ટે કેજરીવાલને પણ પૂછ્યું હતું કે આખરે વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યા છતાં તેઓ શા માટે હાજરી આપી રહ્યા નથી, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેમને આશંકા છે કે ધરપકડ કરી લેવામાં આવશે. જો તેની સામે સુરક્ષા આપવામાં આવે તો તેઓ હાજરી આપવા માટે તૈયાર છે.
જોકે, હાઈકોર્ટના આદેશના થોડા જ કલાકોમાં EDની ટીમ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી ગઈ હતી અને થોડા સમયની પૂછપરછ બાદ તેમને કસ્ટડીમાં લીધા હતા.