ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ હવે બિહારના સીતામઢીમાં માતા સીતાની જન્મભૂમિને લઈને પ્રયાસો તેજ થયા છે. બિહાર સરકારે સીતામઢીમાં સીતા માતાની જન્મભૂમિ પર નવું મંદિર બનાવવા અને આ વિસ્તારના વિકાસની અનેક યોજનાઓ પર કામ શરૂ કરી દીધું છે. હવે અયોધ્યાની જેમ સીતામઢીમાં પણ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આ માટે જૂના મંદિરની આસપાસની 50 એકરથી વધુ જમીન સંપાદિત કરવામાં આવશે. તાજેતરમાં બિહાર કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં નવા મંદિર માટે પ્રયાસરત કામેશ્વર ચૌપાલે જણાવ્યું કે, “માતા સીતા માટે સીતામઢીનું એટલું જ મહત્વ છે, જેટલું ભગવાન રામ માટે અયોધ્યાનું છે. તે હિંદુઓ માટે પવિત્ર છે. દુનિયાભરમાંથી લોકો અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા આવશે અને માતા સીતાની જન્મભૂમિ પણ જોવા માંગશે. અમે ઈચ્છીએ છીએ કે માતા સીતાનું આવું જ ભવ્ય મંદિર સીતામઢીમાં (બિહાર) બનાવવામાં આવે.” ચૌપાલે જણાવ્યું કે, સીતામઢીમાં હાલનું મંદિર 100 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું અને હવે તેની હાલત ખરાબ છે.
કામેશ્વર ચૌપાલે કહ્યું કે, સીતામઢીમાં અયોધ્યાના રામ મંદિર જેવું જ ભવ્ય મંદિર બનવું જોઈએ. નોંધનીય છે કે, અયોધ્યામાં રામમંદિર આંદોલન દરમિયાન શિલાન્યાસ કાર્યક્રમમાં કામેશ્વર ચૌપાલે જ પ્રથમ ઈંટ મૂકી હતી. તેઓ હાલમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય પણ છે.
બિહાર સરકારે અગાઉ સીતામઢીના પુનર્વિકાસ યોજના માટે 16.63 એકર જમીન સંપાદિત કરી હતી. આ અંતર્ગત નવી સુવિધાઓ વિકસાવવાની હતી. તાજેતરમાં આ માટે ₹72 કરોડનું બજેટ પણ પસાર કરવામાં આવ્યું હતું. જે હેઠળ, સીતામઢીમાં પ્રવાસીઓની સુવિધા માટે, મુખ્ય મંદિરની ફરતે પરિક્રમાનો માર્ગ, જાનકી મહોત્સવ મેદાનમાં વાહનોનું પાર્કિંગ, કાફેટેરિયા, કિઓસ્ક અને મુલાકાતીઓ માટે શૌચાલયની સુવિધા ઊભી કરવાની હતી. જેને લઈને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ અહીંના મંદિરની મુલાકાત લીધી, જેને પુનૌરા ધામ તરીકે ઓળખવામાં આવે છે.
હવે 50 એકર જમીન સંપાદિત કરવાની દરખાસ્ત આનાથી અલગ છે. તે અંતર્ગત નવા મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મંદિરનું નિર્માણ અયોધ્યા ધામની તર્જ પર થશે. આ માટે સામાન્ય લોકો પાસેથી દાન લઈને નાણાંની વ્યવસ્થા કરવામાં આવશે. જે બાદ મંદિરના નિર્માણનું કાર્ય થશે.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના મુખ્ય સચિવ એસ સિદ્ધાર્થે કહ્યું છે કે, 50 એકર જમીન સંપાદિત કરવાનો પ્રસ્તાવ ભવ્ય મંદિર અને તેમાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં વધારો કરવાને ધ્યાને રાખીને લાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, ઘણા લાંબા સમયથી મંદિરની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ જ્યારથી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે, ત્યારે આ માંગણીએ પણ વધુ જોર પકડ્યું છે.
મંદિરના પુનઃનિર્માણના બિહાર સરકારના આ નિર્ણયને ઘણું સમર્થન મળી રહ્યું છે. લોકો કહે છે કે, સીતામઢી સાથે તેમનું ધાર્મિક અને ભાવનાત્મક જોડાણ છે. જો નવું મંદિર બનાવવામાં આવશે તો ધાર્મિક પ્રવાસન વધવાથી તેમના વિસ્તારમાં સમૃદ્ધિ આવશે. તેનાથી તમારી ખ્યાતિમાં પણ વધારો થશે.