લોકસભા ચૂંટણીનું એલાન થઈ ચૂક્યું છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. હવે રાજકીય પક્ષો સંપૂર્ણપણે ચૂંટણીના મેદાનમાં ઉતરી જશે. દેશની લોકસભા ચૂંટણી સાથે જ ગુજરાતની 26 લોકસભા બેઠકો માટેનું શિડ્યુલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં ચૂંટણી 7 તબક્કામાં યોજાવા જઈ રહી છે. જેમાં ત્રીજા તબક્કામાં ગુજરાતમાં એકસાથે તમામ 26 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ સાથે જ ગુજરાતની ખાલી પડેલી 5 વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી યોજાશે.
દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે. 26 એપ્રિલે બીજા તબક્કામાં મતદાન થશે. 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકોનું મતદાન ત્રીજા ચરણમાં એટલે કે, 7 મે, 2024ના રોજ યોજાશે. જ્યારે તેની મત ગણતરી સાથે જ 4 જૂનના રોજ થશે. ગુજરાત લોકસભા ચૂંટણી અંતર્ગત 12 એપ્રિલ, 2024 (શુક્રવાર)ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. જે બાદ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ, 2024ની રહેશે.
Schedule for General Elections to Lok Sabha 2024
— Election Commission of India (@ECISVEEP) March 16, 2024
Phase 3#GeneralElections2024 #MCC pic.twitter.com/wbCM77IJmi
ફોર્મ ભર્યા બાદ ફોર્મ ચકાસવાની તારીખ 20 એપ્રિલ, 2024 રહેશે અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ, 2024 રહેશે. 7 મે, 2024 અને મંગળવારના રોજ ગુજરાતની 26 લોકસભા સીટો પર મતદાન યોજાશે અને 4 જૂન 2024 અને મંગળવારના રોજ મત ગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. સાથે જ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ 6 જૂન, 2024 (ગુરુવાર) રહેશે. ગુજરાતમાં આ શિડ્યુલ પ્રમાણે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સાથે જ 5 વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી યોજાશે.
5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
ગુજરાતમાં લોકસભા બેઠકોની ચૂંટણી સાથે જ 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ બેઠકો પર પણ 7 મેના રોજ જ પેટાચૂંટણી યોજાશે. આ બેઠકોમાં વિજાપુર બેઠક (26), ખંભાત બેઠક (108), વાઘોડિયા બેઠક (136), માણાવદર બેઠક (85) અને પોરબંદર બેઠક (83)નો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, આ પાંચ વિધાનસભા બેઠકો પરથી ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હોવાથી તેના પર ફરીથી ચૂંટણી યોજાવાની છે.
માણાવદર વિધાનસભા બેઠક પરથી તાજેતરમાં જ કોંગ્રેસના અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું હતું. જ્યારે ખંભાત બેઠક પરથી પણ કોંગ્રેસ નેતા ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. વિજાપુર બેઠક પરથી પણ કોંગ્રેસ નેતા સી.જે. ચાવડાએ રાજીનામું આપ્યું હતું. એ ઉપરાંત પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું હતું અને વાઘોડિયા બેઠક પરથી અપક્ષના ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું ધરી દીધું હતું. જે બાદ આ તમામ પાંચ બેઠકો ખાલી પડી ગઈ હતી. જ્યારે હવે લોકસભા ચૂંટણીની સાથે જ આ તમામ વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી યોજવામાં આવશે.